ઍનિમલ (ફિલ્મ) : ‘ઍનિમલ’ એ 2023ના ડિસેમ્બરમાં રજૂ થયેલી એક અત્યંત સફળ હિન્દી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન સંદીપ રેડી વાંગાએ કર્યું છે. ફિલ્મની અદાકારી રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને ત્રીપ્તી દીમરીએ કરી છે. ફિલ્મનાં ગીતો જુદા જુદા ગાયકોએ ગાયાં છે જેમાં એ. આર. રહેમાનનો પણ સમાવેશ થાય છે. પાર્શ્વસંગીત હર્ષવર્ધન અને રામેશ્વરનું છે.
ઍનિમલ ફિલ્મની કથાની વાત કરીએ તો માણસના સ્વરૂપમાં જાનવર જેવા સ્વભાવધારી પિતા-પુત્રની વાર્તા છે. બચપણમાં પિતા તરફથી મળેલા અમાનવીય ટૉર્ચર છતાં યુવાન વયે પુત્ર પિતાને માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. એમ કહી શકાય કે બાપ બેટા વચ્ચે આવનારનો કચ્ચરઘાણ વાળવાની વૃત્તિની વાત છે. પણ આ વૃત્તિ એ હદે બીભત્સ બને છે કે ન પૂછો વાત. ફિલ્મમાં સેંકડો હત્યા અને નગણ્ય હિંસા તથા જાતીયતા(સેક્સ)નું નિરૂપણ રજૂ થયું છે. એમ કહો કે આ તત્વોનો અતિરેક થયો છે તોપણ ચાલે અને આ જ તત્વો પ્રેક્ષકોને અને ખાસ કરીને યુવાન પ્રેક્ષકોને લોભાવી ગયાં છે. આ જ કારણે ફિલ્મ આર્થિક રીતે સફળ થઈ છે. ફિલ્મમાં હીરોઇઝમને ઍન્ટિહીરોઇઝમ બનાવવાની વેતરણમાં અને ચોક્કસ પ્રકારની મૅનેરિઝમમાં ઘટનાક્રમ બનતો રહે છે, પણ કથાનક જેવું ખાસ કંઈ જોવા મળતું નથી.
આપણે ત્યાં હમણાં સફળતાના માપદંડો બદલાઈ ગયા છે, તેથી ‘ઍનિમલ’ને એક સફળ ફિલ્મ ગણવામાં આવે છે. બાકી અનેક લોકોએ તેમાં રજૂ થયેલી અનેક બાબતો પ્રત્યે ટીકા કરી છે. ફિલ્મની ફોટોગ્રાફી અમિત રૉયે કરી છે જ્યારે સંકલન(એડિટિંગ) સંદીપ રેડી વાંગાનું છે.
અભિજિત વ્યાસ