ઍનિમલ ફાર્મ (1945) : અંગ્રેજ લેખક જ્યૉર્જ ઓરવેલ દ્વારા પ્રાણીઓ નિમિત્તે લખાયેલ કટાક્ષમય ર્દષ્ટાંતકથા. ચોપગાંની આ કથા બેપગાં મનુષ્યો માટે છે. તેમાં ક્રાંતિકારી અને ક્રાંતિ પછીના સ્ટાલિનના રશિયા ઉપર અને સામાન્ય રીતે બધી ક્રાંતિઓ ઉપર કટાક્ષ છે. શ્રીમાન જૉન્સની ખેતીવાડી પરનાં પ્રાણી-પશુઓ તેમના જોહુકમી માલિકો સામે બળવો કરે છે અને માનવમાલિકોને બહાર હાંકી કાઢે છે. આમાં ખંધા ડુક્કરો નેતાગીરી લે છે. આ ડુક્કરોમાં શાસક બનેલો તેમનો નેપોલિયન-ડુક્કર સત્તાપ્રાપ્તિ બાદ ભ્રષ્ટાચારી બને છે. આ રીતે જૂના જુલ્મી શાસનને બદલે નવું જુલ્મી શાસન રચાય છે. આ નવા શાસનનું અંતિમ સૂત્ર છે, ‘બધાં પશુઓ સમાન છે, પણ કેટલાંક પશુઓ બીજાં કરતાં વધુ ચડિયાતાં છે.’ નેપોલિયન દયાહીન, માનવદ્વેષી શાસક તરીકે સ્ટાલિનના પ્રતિનિધિરૂપ છે. તે આદર્શવાદી સ્નોબૉલ એટલે કે ટ્રોટસ્કીને રાજ્યમાંથી બહાર હાંકી કાઢે છે. ટ્રોટસ્કી-બોક્ષર ગાડાનો ઉમદા ઘોડો છે. તે શક્તિ, સાદાઈ અને સામાન્ય માનવના ભલા સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. આ રાજકીય કટાક્ષમય પ્રાણીકથાના રૂપકની તુલના જોનાથન સ્વિફટની કટાક્ષરૂપક નવલકથા ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ સાથે કરવામાં આવે છે. ગુજરાતીમાં જયન્તિ દલાલે ‘પશુ- રાજ્ય’ નામે તેનું ભાષાંતર કરેલું છે.

કૃષ્ણવદન જેટલી