ઍનાકાર્ડિયેસી

January, 2004

ઍનાકાર્ડિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેલિસ ગોત્રનું એક કુળ. આ કુળ 73 પ્રજાતિઓ અને લગભગ 600 જેટલી જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયું હોવા છતાં યુરેશિયા અને અમેરિકાના ઉત્તર સમશીતોષ્ણ વિસ્તારોમાં કેટલીક જાતિઓ થાય છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Rhus (50 જાતિઓ), Searsia (50 જાતિઓ), Schinus (30 જાતિઓ), Schmaltzia (40 જાતિઓ), Toxicodendron (30 જાતિઓ), Semacarpus (40 જાતિઓ) અને Mangifera(30 જાતિઓ)નો સમાવેશ થાય છે.

આ કુળની વનસ્પતિઓ સામાન્યત: વૃક્ષ, ક્ષુપ કે કાષ્ઠીય આરોહી લતાઓ સ્વરૂપે જોવા મળે છે. તેઓ રાળનલિકાઓ ધરાવે છે અને ગુંદર અથવા તીખા રસનો પુષ્કળ પ્રમાણમાં સ્રાવ કરે છે. પર્ણો સાદાં કે સંયુક્ત ત્રિપંજાકાર (trifoliate) અથવા પિચ્છાકાર (pinnate), એકાંતરિક કે ક્વચિત જ સંમુખ (દા. ત., Dobinea) અને અનુપપર્ણીય (exstipulate) હોય છે.

પુષ્પો નાનાં, અસંખ્ય અને અગ્રીય કે કક્ષીય પરિમિત (cymose) લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેઓ નિયમિત કે અનિયમિત, દ્વિલિંગી, પરંતુ ન્યૂનીકરણ (reduction) થતાં એકલિંગી (દા. ત., Rhus, Pistacia, Semacarpus), અધોજાય (hypogynous), નિપત્રી (bracteate) અને પંચાવયવી (pentamerous) હોય છે. પુષ્પાક્ષ સામાન્ય રીતે બહિર્ગોળ હોય છે. Rhusમાં પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર વચ્ચે પ્યાલાકાર બિંબ (disc) જોવા મળે છે. Melanorrhoeaમાં પુષ્પાક્ષ લાંબો હોય છે અથવા Mangiferaમાં દલપુંજ અને પુંકેસરચક્ર વચ્ચે ગાદી જેવો બને છે. વજ્ર 3થી 5 વજ્રપત્રોનું બનેલું, મુક્ત અથવા તલસ્થ ભાગેથી જોડાયેલું હોય છે. કેટલીક વાર તે બીજાશય સાથે જોડાયેલું હોય છે. દલપુંજ 3થી 5 (દલ)પત્રોનો બનેલો હોય છે. કેટલીક જાતિઓમાં તેનો અભાવ હોય છે. દલપત્રો મુક્ત કે ક્વચિત્ યુક્ત; અને તેમનો કલિકાન્તરવિન્યાસ કોરછાદી (imbricate) પ્રકારનો હોય છે. પુંકેસરચક્ર 10 પુંકેસરોનું બનેલું અને બે ચક્રમાં ગોઠવાયેલું હોય છે. બધા જ પુંકેસરો ફળાઉ (દા. ત., Buchanania) અથવા Anacardiumમાં એક જ ફળાઉ અને 6થી 9 વંધ્ય, Rhusમાં 5 પુંકેસરો અને Mangiferaમાં પાંચ પૈકી એક જ ફળાઉ પુંકેસર હોય છે. તેઓ મુક્ત કે ભાગ્યે જ જોડાયેલા હોય છે અને વલયાકાર અંત:પુંકેસરીય (intrastaminal) બિંબની ધાર ઉપરથી ઉત્પન્ન થાય છે. પરાગગાયો દ્વિખંડી હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર એકથી ત્રણ અથવા ભાગ્યે જ પાંચ જોડાયેલાં સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. મોટેભાગે એક જ સ્ત્રીકેસર ફળાઉ હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ, મૂળભૂત રીતે અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ, Buchananiaમાં પંચકોટરીય, પ્રત્યેક કોટરમાં એક અંડક; જો બીજાશય એકકોટરીય હોય તો અંડકો અધોમુખી અને ચર્મવર્તી (parietal) અથવા ઉપલક ર્દષ્ટિએ તલસ્થ (basal) હોય છે. પરાગવાહિની એક [કેટલીક વાર 2થી 6 અને અપસારી (divergent)] અને પરાગાસનો સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં હોય છે. ફળ સામાન્યત: અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે. તેનું મધ્યફલાવરણ (mesocarp) રાળયુક્ત હોય છે. કેટલાકમાં કાષ્ઠફળ (nut) જોવા મળે છે. બીજ વક્ર (curved) ભ્રૂણ ધરાવે છે. ભ્રૂણપોષ અતિઅલ્પ કે ગેરહાજર હોય છે.

આકૃતિ 1 : ઍનાકાર્ડિયેસી : આંબો (Mangifera indica) : (અ) શાખા, (આ) પુષ્પ, (ઇ) પુંકેસર, (ઈ) ફળ, (ઉ) ફળનો ઊભો છેદ,(ઊ) પુષ્પારેખ, (ઋ) કાજુ(Anacardium occidentale)ના ફળનો ઊભો છેદ.

આ કુળ તેના સંબંધિત કુળોથી અંત:પુંકેસરીય બિંબના સંયોજન, રાળનલિકાઓ, એકકોટરીય બીજાશય અને અષ્ઠિલ ફળ દ્વારા ઓળખી શકાય છે.

બધા જાતિવિકાસવિજ્ઞાનીઓ આ કુળને સેપિન્ડેલિસ ગોત્રમાં મૂકે છે. હેલિયરના મંતવ્ય પ્રમાણે તે ગ્લાન્ડેસી, ફેગેસી અને અર્ટિકેસી જેવા ઍમેન્ટિફેરીનાં કુળો અને એસરેસી કુળનું પૂર્વજ છે અને રુટેસીમાંથી ઊતરી આવ્યું છે. હચિન્સન તેને સેપિન્ડેલ્સ ગોત્રનું વધારે પ્રગતિશીલ ગોત્ર માને છે.

કેરી (Mangifera indica), કાજુ (Anacardium occidentale), પિસ્તાં (Pistacia vera), ચારોળી (Buchanania lanzen), હોગ પ્લમ (Spondias cytherea), કાફીર પ્લમ (Harpenphyllum caffrum) તેમનાં ખાદ્ય ફળો માટે ઉપયોગી છે. Rhusની ઘણી જાતિઓ પુષ્કળ પ્રમાણમાં ટેનિન ધરાવે છે અને રંગ, ગુંદર અને વાર્નિશ માટે રાળ ઉત્પન્ન કરે છે. મેસ્ટિક ટ્રી (Pistacia lenticus) અને કૅલિફૉર્નિયા પેપર ટ્રી (Schinus molle) શોભન-વૃક્ષો તરીકે ઉગાડવામાં આવે છે. કાજુના ફલાવરણમાંથી કડવું દાહક (caustic) તેલ અને Pistacia terebinthમાંથી ટર્પેન્ટાઇન મેળવવામાં આવે છે. ભિલામા(Semacarpus anacardium)નાં બીજ કાળો રાળયુક્ત રસ ઉત્પન્ન કરે છે, જે સુતરાઉ કાપડ પર ચિહન કરવામાં ઉપયોગી થાય છે.

જિજ્ઞા ત્રિવેદી

બળદેવભાઈ પટેલ