એનાગેલિસ : દ્વિદળી વર્ગમાં આવેલા પ્રિમ્યુલેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું વિતરણ પશ્ચિમ યુરોપ, આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે.

Anagalis arvensis Linn. (ગુ. ગોળ ફૂદી, કાળી ફૂદી; હિં. જંગમની, કૃષ્ણનીલ) એક નાની, બહુ શાખિત, 15 સેમી.થી 45 સેમી. ઊંચી એકવર્ષાયુ શાકીય જાતિ છે અને ગ્રંથિ-બિંદુઓ (gland-dots) ધરાવે છે. ભારતના ઘણાખરા પ્રદેશોમાં અને હિમાલયમાં 2,400 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનું પ્રકાંડ ચતુષ્કોણી અને આરોહી (ascending) હોય છે. પર્ણો સાદાં, અદંડી (sessile), અંડ-ભાલાકાર (ovate-lanceolate), સંમુખ, 1.25 સેમી.થી 3.75 સેમી. લાંબાં અને ભાગ્યે જ ચક્રિલ (whorled) હોય છે. પુષ્પો કક્ષીય (axillary), એકાકી, લાલ કે વાદળી રંગનાં અને નિપત્રી (bracteate) હોય છે. પુષ્પદંડો 2 સેમી.થી 5 સેમી. લાંબા અને પાતળા હોય છે. ફળ ગોળાકાર, નાના વટાણાના કદનું અને પ્રાવર (capsule) પ્રકારનું હોય છે. બીજ ત્રિકોણાકાર, નાનાં, અસંખ્ય અને ભ્રૂણપોષી (endospermic) હોય છે. પશ્ચિમ ભારતમાં તેના પુષ્પના રંગને આધારે બે જાતો (varieties) થાય છે. વાદળી પુષ્પ ધરાવતી જાત (var. caerulea Gren. & Gordon) પૂર્વના ભાગોમાં અને લાલ પુષ્પ ધરાવતી જાત (var. phoenicea Gren. & Gordon) કાશ્મીરમાં જોવા મળે છે.

તે કફઘ્ન, ઉત્તેજક, સ્વેદક અને ક્ષતરોહી (vulnerary) ગુણધર્મો ધરાવે છે. તેનો સ્થાનિક લોકો ગાઉટ, જલશોથ (dropsy), મગજનાં દર્દો, કુષ્ઠ, જલભીતિ (hydrophobia) અને ઉન્માદ(mania)માં ઉપયોગ કરે છે. તે ઝેરી હોવાથી માછલીઓને ઝેર ચઢાવવામાં અને ઢોરોનાં નસકોરાંઓમાંથી જળોને બહાર કાઢવા તેનો ઉપયોગ થાય છે.

આ વનસ્પતિમાંથી પ્રાપ્ત થતું તીખું-કડવું બાષ્પશીલ તેલ વિશિષ્ટ વાસ ધરાવે છે અને તે માથાનો દુ:ખાવો અને લગભગ 24 કલાક સુધી રહે તેવા ઊબકા (nausea) ઉત્પન્ન કરે છે.

તે એનાગેલિજેનૉન ‘બી’ (13, 28-એપૉક્સી-16-ઑક્ઝોઓલિયેનેન-3b-23-ડાયૉલ) ઉત્પન્ન કરે છે. તે ચતુર્થક (quarternary) આલ્કેલૉઇડો, ગ્લુકો-ફ્રુક્ટોસાઇડ અને ટૅનિન ધરાવે છે. વનસ્પતિમાંથી પ્રાપ્ત થયેલ એસિટિલ સેપોનિન ટીનિયાનાશક (taenicidal) સક્રિયતા દાખવે છે, પરંતુ સૂત્રકૃમિઓ (round worms) ઉપર તેની અસર નથી. મૂળ બે ગ્લાયકોસિડિક સેપોનિન ઉત્પન્ન કરે છે. સાઇક્લેમિન તે પૈકીનું એક છે.

આ છોડ મૃદામાં પ્રાપ્ય પોટૅશિયમ, નાઇટ્રોજન અને ફૉસ્ફરસમાં વધારો કરે છે. પોષણમૂલ્યની ર્દષ્ટિએ ઘેટાના ખોરાકમાં તે મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. તે મરઘીને લાગુ પડતા ‘રાનીખેત’ વાઇરસ સામે પ્રતિવિષાણુ (antiviral) સક્રિયતા દાખવે છે. તે અલ્પરક્તદાબી (hypotensive) અસર ઓછી દર્શાવે છે અને તેનાં હવાઈ અંગોનો મિથેનોલીય નિષ્કર્ષ ઇસ્ટ્રૉજેનીય સક્રિયતા આપે છે. વનસ્પતિ કવકરોધી (antifungal) અને કૃમિનાશક ગુણધર્મો ધરાવે છે. અંકુરિત અવસ્થાથી પુષ્પ-નિર્માણ અવસ્થા સુધી કવકરોધી ઘટકનો ક્રમિક વધારો થાય છે. જલીય નિષ્કર્ષમાં આ ઘટક તાપમાન અને pHમાં થતા ફેરફારો સામે રોધક અસર દર્શાવે છે. તે 1 : 2,00,000ના પ્રમાણમાં પણ Colletotrichum papaye P. Henn. ઉપર અસરકારક છે. A. pumila Sw. સફેદ-ગુલાબી રંગનાં પુષ્પો ધરાવતી નાજુક જાતિ છે. તેના પુંકેસરો અરોમિલ હોય છે. તે ક્વચિત જ ડાંગનાં ખેતરોમાં મળી આવે છે. તેનાં ફળ-ફૂલ નવેમ્બરથી ડિસેમ્બર માસ સુધી આવે છે.

મીનુ પરબિયા

બળદેવભાઈ પટેલ