ઍથેન્સ : યુરોપની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ઊંડી અને દૂરગામી અસર કરનાર, ગ્રીસની સંસ્કૃતિનું સુપ્રસિદ્ધ કેન્દ્ર, તેની રાજધાની અને સૌથી મોટું નગર. તેનું નામ નગરદેવતા ઍથેની ઉપરથી પડ્યું છે. એજિયન સમુદ્રના એક ફાંટા રૂપે સારોનિક અખાતને કાંઠે 37o 50′ ઉ. અ. અને 23o 44′ પૂ. રે. ઉપર, પરાં સહિત 433 કિમી.નો વિસ્તાર ધરાવતું આ નગર એક્રૉપોલિસ અને લાયકાબેટસ ટેકરીઓ નજીક મેદાનમાં વસેલું છે. તેનું બંદર પીરેયુસ શહેરના મધ્યભાગથી 11 કિમી. દૂર છે.
ઍથેન્સ ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા પ્રદેશમાં આવેલું હોઈ, શિયાળામાં ઑક્ટોબરથી માર્ચ માસ દરમિયાન અહીં 408 મિમી. વરસાદ પડે છે. જુલાઈ અને જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન અનુક્રમે 27o સે. અને 18o સે. રહે છે. ઉનાળો સૂકો હોય છે. દ્રાક્ષ વગેરે ખાટાં ફળો, ઑલિવ અને તેનું તેલ અને ઘઉં તથા તમાકુ મુખ્ય પાક છે.

તે વાણિજ્ય અને બૅન્કિંગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. પીરેયુસમાં નાના ઇજનેરી ઉદ્યોગ, કાપડ, રસાયણ, કાગળ, સિમેન્ટ, દારૂ ગાળવાનો તથા ખાદ્ય પદાર્થો અને ચામડાંની બનાવટો વગેરેના ઉદ્યોગો 1920 પછી, આનાતોલિયાના નિર્વાસિતોના આગમન પછી વિકસ્યા છે.

તે રેલ, જમીનમાર્ગો તથા વિમાની વ્યવહારનું અગત્યનું કેન્દ્ર છે. પીરેયુસનું બારું સુંદર કુદરતી બંદર છે અને આંતરરાષ્ટ્રીય વિમાની મથક ધરાવે છે.

ઈ. પૂ. પાંચમી સદીમાં બંધાયેલ એક્રૉપોલિસ પાર્થેનોનનું મંદિર, પ્રાપેલિયા, નાટકશાળા, હેરોડ્ઝનું ઓડિયમ, વાયુમિનારો, ગ્રીક ઑથૉર્ડૉક્સ દેવળો વગેરે જગતભરના કલારસિકોને આકર્ષે છે.

1937માં સ્થપાયેલી યુનિવર્સિટી ઉપરાંત ધંધાદારી શાળાઓ, સાયન્સ એકૅડેમી, નૅશનલ લાઇબ્રેરી, નૅશનલ આર્કિયૉલૉજિકલ સંગ્રહસ્થાન વગેરે મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ છે.

નૌકાઓની સાતત્યપૂર્ણ આવન-જાવનથી ધમધમતું ઍથેન્સ બંદર

ઇતિહાસ : પુરાતત્વવિદોના મતાનુસાર ઍથેન્સમાંનો માનવવસવાટ ઈ. પૂ. 4000 વર્ષ જેટલો જૂનો છે. તે માઇસેનિયન સંસ્કૃતિનું કેન્દ્ર હતું. બીજી સહસ્રાબ્દીના અંત સમયમાં ઉપર્યુક્ત શહેરો નાશ પામ્યાં પણ ઍથેન્સ તેમાંથી બચી ગયું હતું. પરંપરાગત ઇતિહાસ પ્રમાણે ઍથેન્સના નેજા નીચે અન્ય નગરરાજ્યોને એક કરવાનું શ્રેય થીસિયસને ફાળે જાય છે. ઈ. પૂ. 683માં શરૂઆતમાં ત્રણ અને પછી નવ આર્કન કે ચીફ મૅજિસ્ટ્રેટ દ્વારા તેનું શાસન થતું હતું. મોટાભાગની જમીન ધરાવતા જમીનદારોનું સમાજમાં વર્ચસ્ હતું. ઉમરાવ, વેપારી અને ધંધાદારીઓ, ખેડૂતો અને ગુલામો એવા વર્ગોમાં સમાજ વિભક્ત થયેલો હતો. સોલોને (ઈ. પૂ. 594−572) રાજકીય સુધારા દાખલ કરી લોકશાહીનો પાયો નાખ્યો હતો. થોડા સમયના સરમુખત્યારશાહી શાસન બાદ ક્લીસ્થનીસે લોકશાહીની પુન:સ્થાપના કરી હતી. ઈ. પૂ. 480માં ઈરાની આક્રમણ સામે ઍથેન્સે સબળ સામનો કરી તેને સખત પરાજય આપ્યો હતો.
સીમોન (ઈ. પૂ. 468-461) અને પેરિક્લિસ(ઈ. પૂ. 461-429)ના સમયમાં ગ્રીસ સત્તાની ટોચે પહોંચી સામ્રાજ્ય ધરાવતું થયું. પેરિક્લિસનો કાળ ગ્રીસનો સુવર્ણકાળ ગણાય છે.

તેના સમયમાં વેપાર, કલા, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યનો અદભુત વિકાસ થયો. ઇસ્કિલીસ, સોફોક્લિસ, યુરીપીડિસ જેવા નાટ્યકારો અને સોક્રેટિસ, પ્લેટો, ઍરિસ્ટૉટલ વગેરે તત્વચિંતકો; થુસીડાઇડિસ અને હેરોડોટસ જેવા ઇતિહાસકારો; અને મિકોન તથા એપોલોડોરસ જેવા પ્રખ્યાત ચિત્રકારો આ યુગમાં થઈ ગયા. ઈ. પૂ. 431-404 દરમિયાન નગરરાજ્યો વચ્ચેના આંતરવિગ્રહ દરમિયાન ઍથેન્સને ખૂબ સહન કરવું પડ્યું. તેમ છતાં મહાન ઍલેક્ઝાન્ડરના શાસન દરમિયાન (ઈ. પૂ. 336-323) ઍરિસ્ટૉટલ વગેરે વિદ્વાનોને કારણે ઍથેન્સ વિદ્યાધામ તરીકે ગણનાપાત્ર ખ્યાતિ ધરાવતું હતું. ઍલેક્ઝાન્ડ્રિયા તથા સીરિયામાં નવાં વિદ્યાધામો અને ઍલેક્ઝાન્ડ્રિયામાં વિશાળ લાઇબ્રેરી અસ્તિત્વમાં આવતાં ઍથેન્સ થોડું પાછું પડ્યું હતું. ઈ. પૂ. 300માં ઝેનો અને એપિક્યુરસની આગેવાની નીચે બે નવી વિચારધારા સ્ટોઇસિઝમ અને એપિક્યુરિયાનિઝમ અસ્તિત્વમાં આવી. ઘણા ગ્રીક અને રોમનો તેમના શિષ્યો બન્યા હતા. રોમના ઉદય અને મેસિડોનિયા સાથેના સંઘર્ષ દરમિયાન પણ ઍથેન્સ આંતરરાજ્ય કલહોથી અળગું રહ્યું હતું.

રોમ અને મહાન મિથ્રિડેટિસ વચ્ચેના યુદ્ધમાં ઍથેન્સે મિથ્રિડેટિસનો પક્ષ લીધો હતો અને તે પરાભવ પામતાં ઍથેન્સ ઈ. પૂ. 146માં રોમન સામ્રાજ્યનું અંગ બન્યું. રોમન જનરલ કારનેલિયસ સુલ્લાએ ઈ. પૂ. 80માં ઍથેન્સને લૂંટ્યું હતું. તેમ છતાં તેની વિદ્યાધામ તરીકેની ખ્યાતિ જળવાઈ રહી હતી. સીસેરો, તેનો પુત્ર, કવિ હૉરેસ વગેરે તત્વજ્ઞાનના અભ્યાસ માટે ઍથેન્સ આવ્યા હતા. રોમન વિદ્વાનો અવારનવાર ઍથેન્સની મુલાકાત લેતા. રોમન સમ્રાટ હેડ્રિયને (ઈ. સ. 117-138) એક્રૉપોલિસનો કમાનવાળો દરવાજો તથા અનેક મહાલયો બંધાવી તથા જૂનાં મંદિરોનો પુનરુદ્ધાર કરી નવા ઍથેન્સનું નિર્માણ કર્યું હતું. ઍથેન્સના પૂર્વ ભાગમાં આવેલા નવા પરા આસપાસ રક્ષણાત્મક કોટ બંધાવ્યો હતો. ઝિયસનું મંદિર પૂર્ણ કરાવ્યું હતું. તેના અનુગામી હેરોડ્ઝે 17 મી. ઊંચા સ્તંભોવાળું એટિક્સ બંધાવ્યું હતું. પૈસાદાર રોમનો ગ્રીક કલાના આશકો હતા અને છૂટા હાથે દાન આપી તેના વિકાસમાં તેમણે ફાળો આપ્યો હતો. જુલિયસ સીઝર અને ઑગસ્ટસના સમયમાં અગોરાનું વેપારી બજાર અસ્તિત્વમાં આવ્યું. હેડ્રિયન પછી ઍથેન્સની અગત્ય ઘટી હતી.

ખ્રિસ્તી ધર્મના ફેલાવા સાથે ચોથી સદી દરમિયાન રોમન શહેનશાહ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ઍથેન્સને મળતો રાજ્યાશ્રય બંધ થયો. બીજી તરફ કૉન્સ્ટેન્ટિનોપલ નવી રાજધાની બનતાં ઍથેન્સની અગત્ય ઘટી. શહેનશાહ જસ્ટીનિયને ઍથેન્સનાં વિદ્યાધામો બંધ કરાવ્યાં હતાં. ઍથેન્સ પ્રાંતિક શહેરની સ્થિતિમાં મુકાયું હતું. બાયઝેન્ટિયન સામ્રાજ્યના કાળમાં ઍથેન્સની અગત્ય ઘણી ઘટી ગઈ હતી અને ઍથેન્સનાં મંદિરો ખ્રિસ્તી દેવળો બની ગયાં હતાં.
1204માં ક્રુઝેડરોએ તેનો કબજો લીધો હતો અને તુર્કો સાથેના સતત સંઘર્ષને કારણે નગરને ઘણું સહન કરવું પડ્યું હતું. તેરમી સદીમાં તે ફ્રૅન્ક ડચીના શાસન નીચે હતું. 1456 સુધી તે ખ્રિસ્તી રાજ્ય રહ્યું હતું.

1456માં તુર્કોએ ગ્રીસને કબજે કર્યું હતું અને પાર્થેનોનનું મંદિર દારૂગોળાના ગોદામમાં ફેરવાઈ ગયું હતું. બીજાં મંદિરો મસ્જિદમાં ફેરવાઈ ગયાં હતાં અને ઍથેન્સ છોડીને અનેક વિદ્વાનોએ ઇટાલી અને પશ્ચિમનાં બીજાં રાજ્યોમાં આશ્રય લીધો હતો. આ કારણે યુરોપમાં પુનરુત્થાનનો નવો યુગ શરૂ થયો હતો. પ્રાચીન ભવનો નષ્ટ થયાં હતાં. મૂર્તિઓનો નાશ થયો હતો. વેપારઉદ્યોગ ભાંગી પડ્યા હતા અને ઍથેન્સ 5,000ની વસ્તીવાળું ગામડું બની ગયું હતું. 182-133 દરમિયાન ગ્રીકોએ તુર્ક શાસન સામે બળવો કરી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. ઇંગ્લૅન્ડના પ્રખ્યાત કવિ બાયરને તેમાં ભાગ લીધો હતો. 1833 પછી ઍથેન્સ ગ્રીસનું પાટનગર બન્યું. જૂના શહેરની પૂર્વ તથા ઉત્તર તરફ નવા ઍથેન્સનું નિર્માણ થયું. 1821 પછી તુર્કસ્તાનમાંથી નિર્વાસિત થયેલા ગ્રીકોના આગમનને કારણે તેની વસ્તીમાં સારો વધારો થયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941માં તે જર્મન આક્રમણનો ભોગ બન્યું હતું, પણ તેનાં સંસ્કારધામો નુકસાનમાંથી બચી ગયાં હતાં. 1945 પછી રાજાશાહી નષ્ટ થઈ હતી અને પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ હતી. તેની વસ્તી પરાં સાથે 1,06,00,000 (2000). વેપાર, ઉદ્યોગના વિકાસને કારણે તેનું મહત્વ વધ્યું છે.

જ. જ. જોશી

પ્રવીણચંદ્ર વોરા