એથ્નૉમેથૉડૉલૉજી

January, 2004

એથ્નૉમેથૉડૉલૉજી (ethnomethodology) : સમાજવ્યવસ્થાને સમજવાની એક પદ્ધતિ. જ્ઞાનના સમાજશાસ્ત્રનું પ્રચલન કરવામાં કાર્લ મેન્હેઇમનું નામ નોંધપાત્ર છે. જ્ઞાનના સમાજશાસ્ત્રના વિકાસની સાથે સાથે સમાજવ્યવસ્થાને સમજવાની બે શાખાઓ અસ્તિત્વમાં આવી. ઘટનાવિજ્ઞાનની પદ્ધતિ (phenomenology) અને લોકાચાર પદ્ધતિ. સમાજશાસ્ત્રીય સિદ્ધાન્ત અને પદ્ધતિશાસ્ત્રના પરંપરાગત અભિગમથી જુદી પડતી આ બે પદ્ધતિઓ વિશેષ રૂપે વસ્તુલક્ષિતા, અંગત અનુભવ અને ઘટનાઓના સંદર્ભમાં સામાજિક વ્યવસ્થાને સમજવાનો એક વિશિષ્ટ અભિગમ ધરાવે છે. સામાજિક ક્રિયા કે સામાજિક કર્તા(સામાજિક પ્રાણી)ના ર્દષ્ટિકોણથી સામાજિક વ્યવસ્થાને સમજવાની અનિવાર્યતામાંથી આ પદ્ધતિઓનો પ્રાદુર્ભાવ થયો છે. ફ્રાન્સિસ અબ્રાહમ જણાવે છે કે પોતાને અને પોતાના સામાજિક સંબંધોનાં સ્વરૂપોને સમજવાની માનવીની મૂળભૂત વૃત્તિમાંથી આકાર પામેલી આ પદ્ધતિઓમાં મુખ્યત્વે ત્રણ બાબતો સમાવિષ્ટ છે : (1) પોતાની આસપાસની દુનિયા, વસ્તુ, વ્યક્તિ અને ઘટનાનું અર્થઘટન; (2) પોતાને અને બીજાઓને જોવાનો પરિપ્રેક્ષ્ય; (3) વર્તનને દોરનારા પ્રેરકો. સમાજશાસ્ત્રીય પદ્ધતિઓ માટે આ ત્રણેય બાબતો અર્થપૂર્ણ છે.

લોકાચાર પદ્ધતિ અને ઘટનાવિજ્ઞાન પદ્ધતિ વચ્ચે પાતળી ભેદરેખા દોરવામાં આવી છે; એ અર્થમાં કે લોકાચાર પદ્ધતિ સમાજને જોવાનો અને સમજવાનો એક વ્યવહારુ અભિગમ છે. આ પદ્ધતિના પ્રણેતાઓમાં હેરોલ્ડ ગાર્ફિન્કરનું નામ મોખરે છે.
‘Ethnomethodology’ શબ્દની સ્ફુરણા ગાર્ફિન્કરને તે આંતર-સાંસ્કૃતિક બાબતો અંગે યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે થઈ. સમાજને, સામાજિક વર્તનશ્રેણીઓને અને સામાજિક આંતરક્રિયાઓને લોકો કઈ રીતે જુએ છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે તેના સંદર્ભમાં લોકાચાર-પદ્ધતિનો વિકાસ થયો છે. આ પદ્ધતિને ઘણુંખરું સામાજિક આંતરક્રિયાઓના એવા માળખા સાથે સંબંધ છે જેમાં સામાન્ય સંસ્થાકીય પરિવર્તનોનો સંદર્ભ નથી. લોકાચાર પદ્ધતિ જ્ઞાનની એક પદ્ધતિસરની શાખા તરીકે પોતાનો દાવો કરતી નથી. આ પદ્ધતિના તરફદારોના સૈદ્ધાન્તિક અભિગમ પ્રમાણે લોકાચાર પદ્ધતિ એ લોકોની મોઢામોઢની સામાજિક આંતરક્રિયાઓ અને વાસ્તવિકતામાંથી સામાજિક તથ્યો તારવવાની એક સામાન્ય બુદ્ધિયુક્ત રીત છે. તેને સત્તા, શ્રમવિભાજન કે સામાજિક સંસ્થાઓના ઐતિહાસિક અભ્યાસોની ઊંડાઈમાં જવામાં રસ નથી હોતો.

આમ લોકાચાર પદ્ધતિ સામાન્ય બુદ્ધિના આધાર પર રોજબરોજની પ્રવૃત્તિ અને સામાજિક વાસ્તવિકતાના અભ્યાસ કે નિરીક્ષણ માટે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિ બને છે. બીજી રીતે કહીએ તો લોકાચાર પદ્ધતિ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી એવી વાસ્તવિક પદ્ધતિ છે કે તેના આધારે સમુદાયને સમજી શકાય, નિર્ણયો લઈ શકાય અને બુદ્ધિયુક્ત વ્યવહારકુશળતા તથા વર્તનભાત સમજી શકાય.

લોકાચાર પદ્ધતિએ કોઈ ખાસ વૈજ્ઞાનિક સ્વરૂપની પ્રયુક્તિઓ પ્રસ્થાપિત કરી નથી છતાં તેનો ઉપયોગ કરનારા વૈજ્ઞાનિકો ચાર પ્રયુક્તિઓનાં સ્વરૂપોને લોકાચાર પદ્ધતિના સંદર્ભમાં નોંધપાત્ર ગણે છે : (1) સહભાગી નિરીક્ષણ, (2) લોકાચારયુક્ત પ્રયોગો, (3) દસ્તાવેજી અર્થઘટન, (4) અર્થઘટન અંગેની આંતરક્રિયાઓ. વિશાળ સ્વરૂપના અને સામાન્ય તારણ કાઢતા અભ્યાસોમાં આ પદ્ધતિનો પ્રભાવ વધતો જાય છે. કેટલીક વાર નક્કી કરેલી પદ્ધતિ કરતાં આ પદ્ધતિ દ્વારા વધારે આધારભૂત માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

ભાવિન વૈષ્ણવ