ઍડલર, આલ્ફ્રેડ (જ. 17 ફેબ્રુઆરી 1870 પેજિંગ, વિયેના; અ. 28 મે 1937, ઓનર્ડીન, સ્કૉટલૅન્ડ) : વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપક. તેમણે વિયેના મેડિકલ સ્કૂલમાંથી 1895માં તબીબી પદવી પ્રાપ્ત કરી હતી. પ્રારંભમાં આંખના રોગોના નિષ્ણાત તરીકે, પછી સામાન્ય સેવાઓ આપતા ડૉક્ટર તરીકે અને ત્યારબાદ સાઇકિયાટ્રિસ્ટ તરીકે વિયેનામાં સેવાઓ આપી હતી. 1902માં ફ્રૉઇડના આમંત્રણથી તેઓ ‘વિયેના સાઇકોઍનલિટિક સોસાયટી’ના સભ્ય થયા. 1910માં ઍડલર તે મંડળના પ્રમુખ થયા, પરંતુ ફ્રૉઇડ સાથે મહત્વની સૈદ્ધાંતિક બાબતોમાં મતભેદ પડતાં 1911માં ઍડલરે તેમના કેટલાક સાથીઓ સાથે એ સંસ્થા છોડી દીધી. ઍડલરે પોતાના અભિગમ મુજબની નવી સંસ્થા ‘ધી સોસાયટી ફૉર ઇન્ડિવિડ્યુઅલ સાઇકૉલોજી’ની સ્થાપના કરી.
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ઍડલરે ઑસ્ટ્રિયન લશ્કરમાં તબીબી સેવાઓ આપી હતી. વિશ્વયુદ્ધ પછીના ગાળામાં તેમણે વિયેનામાં અનેક વ્યાખ્યાનો આપ્યાં અને બાળકો અંગેનાં અનેક માર્ગદર્શન કેન્દ્રો સ્થાપ્યાં. 1926માં તેમણે પ્રથમ વાર અમેરિકાની મુલાકાત લીધી. 1927માં કોલમ્બિયા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે તેમની નિમણૂક થઈ અને 1932માં ન્યૂયૉર્કની ‘લોંગ આઇલૅન્ડ કૉલેજ ઑવ્ મેડિસિન’માં તેઓ ‘મેડિકલ સાઇકૉલોજી’ના પ્રોફેસર થયા. 1935માં અમેરિકામાં સ્થાયી વસવાટ સ્વીકાર્યો. વ્યાખ્યાનો માટેના એક પ્રવાસ દરમિયાન તેમનું મૃત્યુ થયું.
ફ્રૉઇડે અચેતન મનને મહત્વ આપ્યું હતું, ઍડલરે ચેતન મનને મહત્વ આપ્યું. શારીરિક કે જૈવીય પ્રેરણાને ફ્રૉઇડે અગ્રિમતા આપી હતી, ઍડલરે સામાજિક પ્રેરકોને મૂળભૂત પ્રેરકો (motives) તરીકે સ્વીકાર્યા છે. મનુષ્યના વર્તનનાં પ્રેરક બળો તરીકે ભાવિ લક્ષ્યો ફ્રૉઇડની ર્દષ્ટિએ બિલકુલ મહત્વનાં નથી, પરંતુ ઍડલર તો મનુષ્યના વર્તન માટે ભાવિ લક્ષ્યોને ખૂબ જ મહત્વ આપે છે. સ્વપ્નો અચેતન મનની સામગ્રી ઉપર પ્રકાશ પાડે છે તેવો ફ્રૉઇડનો મત હતો. અસ્વીકાર્ય ઇચ્છાઓની તૃપ્તિ તરીકે સ્વપ્નોનો વિચાર કરવાને બદલે ઍડલરે સમસ્યા-ઉકેલ પ્રત્યેના વિશિષ્ટ પ્રકારના પ્રયત્નો તરીકે સ્વપ્નો અંગેનો વિચાર કર્યો. ફ્રૉઇડે પોતાના વિચારતંત્રમાં જાતીય વૃત્તિને જેટલું મહત્વ આપ્યું છે તેટલું મહત્વ ઍડલરે તેમના વિચારતંત્રમાં જાતીય વૃત્તિને આપ્યું નથી. માનવ-વર્તન કાર્યકારણના નિયમને સંપૂર્ણ રીતે અધીન છે તેવું સ્વીકારીને મનોવિજ્ઞાનમાં ફ્રૉઇડે સંપૂર્ણ નિયતિવાદ(determinism)નો સ્વીકાર કર્યો હતો. વારસો, વાતાવરણ, ભૂતકાળના અનુભવો વગેરેનું મનુષ્યના વર્તનનો ઘાટ ઘડવામાં નિર્ણાયક પ્રદાન છે, તે બાબત ઍડલર સ્વીકારતા હોવા છતાં વ્યક્તિમાં સર્જનાત્મક સ્વતત્વ(creative self)નો સ્વીકાર કરીને ઍડલરે એમ દર્શાવ્યું કે પોતાની પરિસ્થિતિની મર્યાદામાં રહીને પણ સર્જનાત્મક સ્વતત્વને લીધે વ્યક્તિ પોતાની પરિસ્થિતિમાંથી ઉદભવતા વિકલ્પોમાંથી મુક્ત પસંદગી કરી શકે છે. ઍડલર આ રીતે ફ્રૉઇડના સંપૂર્ણ નિયતિવાદનો અસ્વીકાર કરે છે. તે અર્થમાં ઍડલરને માનવવાદી, એટલે કે અસ્તિત્વવાદી મનોવિજ્ઞાનના પુરોગામી તરીકે ઓળખાવી શકાય. ફ્રૉઇડના મત મુજબ અચેતન સ્મૃતિઓ, ઇચ્છાઓ વગેરેને શોધવાનું માનસોપચારનું લક્ષ્ય છે, જ્યારે ઍડલરની ર્દષ્ટિએ સામાજિક હિતને અભિવ્યક્ત કરતી વ્યક્તિની વિશિષ્ટ જીવનશૈલી-(style of life)ને વિકસાવવાનો માનસોપચારનો હેતુ છે. ઍડલરનું મનોવિજ્ઞાન ‘વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાન’ તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એટલો જ કે તેમાં તમામ માનસિક ઘટનાઓનું વ્યક્તિની અંદર સુસંગત રીતે એકીકરણ થાય છે તેવું તેમાં સ્વીકારવામાં આવે છે, પરંતુ વ્યક્તિને એક અનન્ય, સમષ્ટિરૂપ અને એકમ તરીકે, સમજવાનો ઍડલરનો આ અભિગમ મૂળભૂત રીતે સામાજિક પણ છે, કારણ કે તમામ માનવપ્રવૃત્તિઓની ઉપયોગિતાનું તેમની ર્દષ્ટિએ સામાજિક ભાવના કે સામાજિક હિત અંગેની અભિરુચિ(social interest)ના ધોરણે જ મૂલ્યાંકન થઈ શકે છે. ઍડલર મનુષ્યો વચ્ચે પરસ્પર સહકાર, પ્રેમ અને સદભાવને મહત્વ આપે છે અને સામાજિક ભાવનાની ઊણપને લીધે માનસિક કે સામાજિક વિકૃતિઓ ઉદભવે છે તેવું દર્શાવે છે. આમ ફ્રૉઇડના જૈવીય (biological) અભિગમ કરતાં ઍડલરનો આ સામાજિક અભિગમ તદ્દન ભિન્ન છે. સર્જનાત્મક સ્વતત્વ અને સામાજિક ભાવનાનો સ્વીકાર કરતાં હોવાથી ફ્રૉઇડ કરતાં ઍડલર મનુષ્યસ્વભાવ વિશે વધુ આશાવાદી છે.
1907માં ઍડલરે અવયવોની ખામી કે અધૂરા વિકાસના સંદર્ભમાં ઉદભવતી અલ્પતા કે લઘુતાની લાગણી(organ inferiority)નું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. આ પ્રકારની નબળાઈ અનુભવતી વ્યક્તિ જરૂરી પ્રયત્નો કરીને કે નબળાઈના ક્ષેત્રનો વિકલ્પ શોધીને તેને પહોંચી વળવાની પૂરક પ્રવૃત્તિ (compensation) કરે છે. કેટલીકવાર વ્યક્તિ આવી પૂરક પ્રવૃત્તિનો અતિરેક (overcompensation) પણ કરે છે. સામાન્ય પૂરક પ્રવૃત્તિ કે તેનો અતિરેક બંને સાધારણ પ્રક્રિયાઓ છે, વિકૃત પ્રક્રિયાઓ નથી. પરંતુ અવયવોની ખામી કે નબળાઈને લીધે વ્યક્તિને કાયમી અસહાયતા, નિષ્ફળતા કે લઘુતાની લાગણી થાય અને તેને આવી લાગણી સફળતા, સ્પર્ધા કે સિદ્ધિ માટે બિલકુલ પ્રેરિત કરે જ નહિ તો તેવી દશાને ઍડલર ‘લઘુતાગ્રંથિ’ (inferiority complex) તરીકે ઓળખાવે છે. જોકે લઘુતાની સામાન્ય લાગણીઓ તો વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં પ્રેરણા પૂરી પાડે છે. 1910માં ઍડલરે માત્ર અવયવોની ખામી સાથે સંકળાયેલી લઘુતાની લાગણીને બદલે લઘુતાની સર્વસામાન્ય લાગણી ઉપર ભાર મૂક્યો. કલ્પિત કે વાસ્તવિક કોઈ પણ કારણે ઉદભવેલી આવી લઘુતાની લાગણી ઍડલરની ર્દષ્ટિએ મનોવિકૃતિ તરીકે ગણાવી શકાય નહિ. બીજા સાથેની તુલનામાં વ્યક્તિ જુદે જુદે તબક્કે જુદાં જુદાં ક્ષેત્રોમાં પોતાની નબળાઈ કે પોતાના અસામર્થ્યનો અનુભવ કરે તે તદ્દન સ્વાભાવિક છે. પોતાનાથી શક્ય તેવા પ્રયત્નો કરીને આવી લાગણી તેને સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરી શકે છે. ઍડલરે સ્પષ્ટ કર્યું કે લઘુતાની લાગણીઓને પહોંચી વળવા માટે વ્યક્તિ પ્રેરાય છે અને સાથે સાથે ચઢિયાતાપણાનું કે ઉત્તમતાનું લક્ષ્ય (goal of superiority) પણ વ્યક્તિને પ્રેરે છે. આ બંને એક જ પ્રેરક બળનાં બે પરિમાણો છે.
ઍડલરના મત મુજબ વાસ્તવ(reality)નું વ્યક્તિ કેવું અર્થઘટન કે પ્રત્યક્ષીકરણ કરે છે તે બાબત તેના વર્તનને ઘડવામાં મહત્વની છે. વ્યક્તિ જે ભાવિ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માગે છે, તે એક અર્થમાં કલ્પિત લક્ષ્યો (fictional goals) છે, કારણ કે તે લક્ષ્યો વર્તમાનમાં વાસ્તવિક અસ્તિત્વ ધરાવતાં નથી. તેમ છતાં ભાવિ લક્ષ્યોની કલ્પના ઘણી રીતે વ્યક્તિને સક્રિય કરે છે. વ્યક્તિનું અત્યારનું વર્તન તેનાં કલ્પિત ભાવિ લક્ષ્યોથી અર્થયુક્ત બને છે તે બાબત ઍડલર સ્પષ્ટ કરે છે. ફ્રૉઇડની ર્દષ્ટિએ વર્તન ભૂતકાળનાં કારણોનું પરિણામ છે. ઍડલરના મત મુજબ, વર્તન ભાવિ લક્ષ્યોથી ઘડાય છે. ફ્રૉઇડની કારણલક્ષી (causal) સમજૂતીને સ્થાને ઍડલર હેતુલક્ષી (teleological) સમજૂતીને મૂકે છે.
ઍડલરના મંતવ્ય અનુસાર સફળતાની કે ઉત્કૃષ્ટતાની ઝંખના (striving for superiority) એ માનવવર્તનનું એકમાત્ર પ્રભાવક પ્રેરકબળ છે. સફળતા, ઉત્તમતા, પૂર્ણતાની આ ઝંખના જન્મજાત (innate) છે તેવું દર્શાવીને ઍડલર કબૂલે છે કે શરૂઆતમાં આ ઝંખના સુષુપ્ત હોય છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના સંજોગો અનુસાર તેને મૂર્ત કરે છે. જોકે ઍડલર સ્પષ્ટ કરે છે કે બીજા ઉપર સરસાઈ ભોગવીને કે સત્તા સ્થાપીને પોતાની અંગત સફળતાને જ સર્વોપરિ ગણવાની પ્રવૃત્તિ ન્યૂરોટિક કે મનોવિકૃતિસ્વરૂપ ગણાય. વ્યક્તિગત પૂર્ણતાને બદલે સામાજિક હિતથી પ્રેરાયેલી સામાજિક પૂર્ણતાની ઝંખના દ્વારા જે વર્તન ઘડાય તે જ માનસિક સ્વાસ્થ્યને વ્યક્ત કરનારું ગણાય. સમાજને તેની પૂર્ણતા તરફ દોરી જવામાં મદદરૂપ થવાની તે વ્યક્તિની ઇચ્છા કે પ્રવૃત્તિને ઍડલર સામાજિક ભાવના કે સામાજિક અભિરુચિ (social interest) તરીકે ઓળખાવે છે.
ઉત્તમતા, સરસાઈ કે સફળતાનું લક્ષ્ય વ્યક્તિ પોતાના જીવનમાં જે રીતે મૂર્ત કરે છે તેને ઍડલર વ્યક્તિની જીવનશૈલી (style of life) તરીકે ઓળખાવે છે. વ્યક્તિની જીવનશૈલી તેના વિશિષ્ટ સંજોગોથી ઘડાય છે. ઍડલર સ્પષ્ટ કરે છે કે જે વ્યક્તિની જીવનશૈલીમાં સામાજિક ભાવના કે સમાજના હિત સાથેની નિસ્બત પ્રભાવક છે, તે જ વ્યક્તિની જીવનશૈલી સામાજિક રીતે ઉપયોગી છે. તેથી વિપરીત હોય તેવી જીવનશૈલી નાદુરસ્ત (unhealthy) અને અયોગ્ય છે. પોતાની વ્યક્તિગત સફળતા કે ઉત્તમતાના લક્ષ્યને સામાજિક ભાવનાનો અનાદર કરીને પણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ અભિમાની અને સત્તાખોર બની જાય છે. તે ગુરુતાગ્રંથિ(superiority complex)નો ભોગ બને છે.
દરેક મનુષ્યમાં સદભાવ, સહકાર અને અન્ય સાથે સંવાદિતા સાધવાની જરૂરિયાત મૂળભૂત છે તેવું ઍડલર માને છે. તેને ‘સામાજિક ભાવના’ કે ‘સામાજિક હિતમાં અભિરુચિ’ એ રીતે ઓળખાવી શકાય છે. સાથે સાથે દરેક મનુષ્યમાં ઉત્તમતા, સફળતા કે પૂર્ણતા પ્રાપ્ત કરવાની ઝંખના પણ મૂળભૂત અને જન્મજાત છે તેવું ઍડલર સ્વીકારે છે. એક બાજુ સરસાઈ ભોગવવાની, સફળતા મેળવવાની કે પૂર્ણતા સિદ્ધ કરવાની સ્વાભાવિક પ્રભાવક પ્રેરણા મૂળભૂત છે અને બીજી બાજુ સામાજિક ઉત્કર્ષ કે પૂર્ણતા સાથેની નિસ્બત પણ તેમની ર્દષ્ટિએ મૂળભૂત છે. તેથી જ ઍડલરે બીજા લોકો ઉપર સત્તા જમાવનારા લોકો કે બીજા પાસેથી બધું પ્રાપ્ત કરનારા લોકોની અથવા તો સમસ્યાને ટાળીને તેનાથી દૂર ભાગતા લોકોની જીવનશૈલીને દોષયુક્ત ગણી છે.
ઍડલરે સર્જનાત્મક સ્વતત્વનો ખ્યાલ રજૂ કર્યો છે. આ ખ્યાલ દ્વારા ઍડલર એવું સૂચવે છે કે દરેક વ્યક્તિના વ્યક્તિત્વમાં એક એવું મુક્ત (free) તત્વ છે કે જેને લીધે વ્યક્તિ જુદી જુદી જીવનશૈલીઓ વચ્ચે મુક્ત પસંદગી કરી શકે છે. વ્યક્તિઓ વચ્ચેના તફાવતોના મૂળમાં પણ વ્યક્તિની સર્જકશક્તિની વિભેદક અભિવ્યક્તિ જોવા મળે છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિનું સર્જનાત્મક વ્યક્તિત્વ સામાજિક ભાવનાવાળી જીવનશૈલીની પસંદગીમાં વ્યક્ત થાય છે. ગુરુતાગ્રંથિવાળી કે લઘુતાગ્રંથિવાળી જીવનશૈલી કે સામાજિક ભાવના વગરની જીવનશૈલી ઍડલરના મત મુજબ વિકૃત ગણાય છે.
જીવનશૈલીના ઉદભવ પાછળ પ્રવર્તમાન પરિબળોમાં કુટુંબમાં બાળકોનો જન્મક્રમ (birth-order), બાળકને થતા શરૂઆતના અનુભવોની સ્મૃતિઓ અને સ્વપ્નો અંગેનાં સંશોધનોને ઍડલર અગ્રિમતા આપે છે. વ્યક્તિની જીવનશૈલી અને સમસ્યા-ઉકેલની રીતો ઉપર આ બાબતોનો અભ્યાસ પ્રકાશ પાડે છે તેવું ઍડલર દર્શાવે છે.
શાંતિલાલ છ. કાનાવાલા