ઍડમ્સ, જૉન કોચ (જ. 5 જૂન 1819, કૉર્નવેલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ) : અંગ્રેજ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. નેપ્ચ્યૂનગ્રહના અસ્તિત્વની આગાહી કરનાર બે ખગોળશાસ્ત્રીઓમાંના એક. ઍડમ્સે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ આ જ વિશ્વ વિદ્યાલયમાં ફેલો, ટ્યૂટર અને છેવટે ખગોળશાસ્ત્ર અને ભૂમિતિના પ્રાધ્યાપક બન્યા (1859). 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક તરીકે પણ કામ કર્યું. ખગોળશાસ્ત્રી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે જોયું કે યુરેનસની ગતિમાં વિક્ષોભ થતા જણાયા. આથી તેમને લાગ્યું કે બીજો કોઈ ગ્રહ યુરેનસની ગતિ અને સ્થિતિ પર અસર કરતો હોવો જોઈએ. 1843માં આ અજ્ઞાત ગ્રહનું સ્થાન અને અન્ય વિગતો મેળવવા માટે તેમણે કાર્ય શરૂ કર્યું અને 1845માં પૂરું કર્યું અને તેની વિગતો ઇંગ્લૅન્ડની રોયલ એસ્ટ્રૉનોમી પર મોકલી, જેનો યોગ્ય પ્રતિભાવ ન મળ્યો. લગભગ આ સમયગાળા દરમિયાન ફ્રેંચ ખગોળશાસ્ત્રી યુ. જે. જે. લેવેરીયરે પણ નેપ્ચ્યૂનની આગાહી કરતાં તારણો જર્મનીની બર્લિન વેધશાળામાં જૉન ગેલેને મોકલ્યાં (23 સપ્ટેમ્બર 1846) અને આગાહી કરેલા સ્થાને નેપ્ચ્યૂન જણાયો. આમ નેપ્ચ્યૂન ગ્રહનું અસ્તિત્વ શોધવાનું શ્રેય ઍડમ્સ જૉન કોચ અને યુ. જે. જે. લેવેરીયર બંનેને આપવામાં આવે છે. આ ઉપરાંત ઍડમ્સે લીઓમીડ ઉલ્કા વર્ષા અંગે અને ચંદ્રની ગતિ અંગે અને પાર્થિવ (terrestrial) ચુંબકત્વ પર પણ કાર્ય કર્યું હતું.

શિવપ્રસાદ મ. જાની