ઍડવોકેટ જનરલ : રાજ્ય સરકારના કાયદા અંગેના સર્વોચ્ચ સલાહકાર તથા વરિષ્ઠ સરકારી વકીલ. ભારતના બંધારણની કલમ 165 (1) મુજબ દરેક સંલગ્ન રાજ્ય માટે તેમની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં નિર્દિષ્ટ લાયકાત તથા અનુભવ ધરાવતી વ્યક્તિની આ પદ પર રાજ્યપાલ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે અને રાજ્યપાલ ઇચ્છે ત્યાં સુધી તે પોતાના પદ પર ચાલુ રહી શકે છે. આમ આ પદને કોઈ વયમર્યાદા લાગુ પડતી નથી. આ પદ પર નિમાયેલી વ્યક્તિ માટે મહેનતાણું નક્કી કરવાનો અધિકાર રાજ્યપાલને હોય છે. બંધારણની કલમ 165 (1) મુજબ વડી અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક માટેની પાત્રતા ધરાવતી વ્યક્તિની ઍડવોકેટ જનરલના પદ પર નિયુક્તિ થઈ શકે છે. આ લાયકાતનાં બે ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યાં છે : (1) તે ભારતનો નાગરિક હોવો જોઈએ, (2) ઓછાંમાં ઓછાં દસ વર્ષનો ન્યાયિક અધિકારીના પદનો અનુભવ અથવા કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ઓછાંમાં ઓછાં દસ વર્ષ સુધી વકીલાતનો અનુભવ.

રાજ્યપાલ દ્વારા નિર્દેશિત અથવા સોંપાયેલી બાબતો અંગે રાજ્યસરકારને સલાહ આપવી, રાજ્ય સરકાર વતી દીવાની તથા ફોજદારી દાવા ચલાવવા અને રાજ્યને લગતાં વૈધાનિક કાર્યો પૂરાં કરવાં તે ઍડવોકેટ જનરલનાં મુખ્ય કાર્યો છે. બંધારણની કલમ 177 મુજબ રાજ્યની વિધાનસભામાં તે હાજર રહી શકે છે, તેની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે તથા વિધાનસભાને સંબોધન કરી શકે છે, પરંતુ વિધાનસભામાં મતદાનનો અધિકાર ધરાવતા નથી.

રાજ્યની કોઈ પણ અદાલતમાં દાવો ચલાવવા તેઓ ઉપસ્થિત રહી શકે છે તેમજ ફોજદારી દાવાની બાબતમાં રાજ્યની કોઈ પણ ફોજદારી અદાલતમાં વકીલપત્ર વિના તે કામ ચલાવી શકે છે. ભારતીય ફોજદારી ધારા(Cr. P. C.)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ખાસ કિસ્સામાં રાજ્યની વડી અદાલતમાં આરોપી સામે તેઓ ફોજદારી ગુનો દાખલ કરી શકે છે તથા દાખલ કરવામાં આવેલો કોઈ પણ મુકદ્દમો રાજ્ય સરકાર વતી તે પાછો પણ ખેંચી શકે છે.

વ્યાવસાયિક અથવા અન્ય પ્રકારની ગેરવર્તણૂક માટે રાજ્યના વકીલ મંડળ(Bar Council of the State)ની શિસ્તવિષયક સમિતિએ કોઈ વકીલને શિક્ષા ફરમાવી હોય ત્યારે વાજબી કિસ્સાઓમાં તેના નિર્ણય પર ફેરતપાસ કરાવવા માટે ઍડવોકેટ જનરલ દેશની સર્વોચ્ચ અદાલતમાં યાચિકા દાખલ કરી શકે છે.

1908ના ભારતીય દીવાની ધારા(CPC, 1908)ની કલમ 91ની જોગવાઈ મુજબ જાહેર જનતાને અસર કરતા અથવા તેની સંભાવના ધરાવતા જાહેર ઉપદ્રવ કે અન્ય ગેરકાયદેસર કૃત્યોના કિસ્સામાં ઍડવોકેટ જનરલ અદાલત પાસે દાદ માગીને યોગ્ય જાહેરનામું તથા મનાઈહુકમ (declaration and injunction) અથવા સંજોગોને ઉચિત રાહત અપાવી શકે છે. વળી આ કલમમાં એવી પણ જોગવાઈ છે કે બે અથવા વધુ નાગરિકો અદાલતની પૂર્વસંમતિ લઈને આ પ્રકારની દાદ મેળવી શકે છે.

1908ના ભારતીય દીવાની ધારાની કલમ 92 મુજબ પારમાર્થિક અથવા ધાર્મિક હેતુસર જાહેર હિતને અનુલક્ષીને રચવામાં આવેલા ટ્રસ્ટની ચોક્કસ (express) અથવા વિધિપ્રસ્થાપિત (constructive) જોગવાઈઓનું ઉલ્લંઘન થતું હોય ત્યારે અથવા આવા ટ્રસ્ટના ઇષ્ટ સંચાલન માટે ન્યાયાલયના હુકમ કે માર્ગદર્શનની જરૂર જણાય ત્યારે ઍડવોકેટ જનરલ ન્યાયાલય સમક્ષ દાદ માગી શકે છે.

1973ના ન્યાયાલયોના તિરસ્કારને લગતા કાયદા(Contempt of Courts Act 1973)ની કલમ 15 હેઠળની જોગવાઈઓ મુજબ નીચલા ન્યાયાલયના તિરસ્કારના કિસ્સામાં ઍડવોકેટ જનરલની દરખાસ્ત (motion) પર વડી અદાલત દ્વારા કાર્યવાહી થઈ શકે છે. વળી બે અથવા વધુ નાગરિકો પણ ઍડવોકેટ જનરલની લેખિત પૂર્વસંમતિથી આવી દરખાસ્ત રજૂ કરી શકે છે. ગુજરાત રાજ્યની સ્થાપના(1960)થી 2000 સુધી સતત ચાલીસ વર્ષ સુધી જે. એસ. ઠાકોરે આ પદ પર કાર્ય કર્યું હતું, જે એક વિક્રમ ગણવામાં આવે છે.

ભારતના બંધારણની કલમ 165 મુજબ રાજ્યપાલ ઇચ્છે તો તે વધારાના ઍડવોકેટ જનરલ(Additional Advocate General)ની નિમણૂક કરી શકે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે