ઍડમ્સ, જૉન (જ. 30 ઑક્ટોબર 1735, ક્વીત્સી, મૅસેચૂસેટ્સ; અ. 4 જુલાઈ 1826, ક્વીન્સી, માસાટુસેટસ, યુ. એસ.) : અમેરિકાના રાજકારણી અને બીજા પ્રમુખ (1797-1801). તે ખેડૂતના પુત્ર હતા. તેમણે હાર્વર્ડ ખાતે અભ્યાસમાં નામના કાઢી. 1758માં તે ‘બાર’માં પ્રવેશ્યા. તેમને વિવિધ વસાહતો પ્રત્યે સમભાવ હતો; તેમણે ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામે કાયદા સામેના વિરોધની 1765માં આગેવાની લીધી. 1774માં તેમને પ્રથમ ‘કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસ’માં પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા. તેમણે વૉશિંગ્ટનને ‘કમાન્ડર ઇન ચીફ’ તરીકે ચૂંટવાની દરખાસ્ત મૂકી તથા ‘સ્વાતંત્ર્યની ઘોષણા’ અંગેની ચર્ચામાં અગ્રેસર બની રહ્યા.

1777માં તે કૉંગ્રેસમાંથી નિવૃત્ત થયા અને નવા પ્રજાસત્તાક તરફથી તે ફ્રાન્સ તથા હોલૅન્ડ ખાતે કમિશનર તરીકે નિયુક્તિ પામ્યા; 1785-88 દરમિયાન તે ઇંગ્લૅન્ડ ખાતે મંત્રી તરીકે નિમાયા. 1789માં તે વૉશિંગ્ટનના શાસન હેઠળ ઉપ-પ્રમુખ બન્યા. 1792માં તે ફરી ચૂંટાયા અને સમવાયતંત્રવાદીઓ(federalists)એ તેમને 1796માં પ્રમુખ તરીકે પસંદ કર્યા. 1800માં તે ફરીથી ચૂંટણી લડ્યા, પણ હારી ગયા અને નિવૃત્ત થઈ ક્વીત્સી ખાતે રહેવા લાગ્યા.

મહેશ ચોકસી