ઍડમ્સ, જેન (જ. 6 સપ્ટેમ્બર 1860, સિડરવિલ, ઇલિનોય; અ. 21 મે 1935, શિકાગો) : 1931નું શાન્તિનું નોબેલ પારિતોષિક (નિકોલસ બટલરની સાથે) મેળવનાર અમેરિકી સમાજસુધારક, સામાજિક કાર્યકર તથા શાંતિનાં ચાહક. ગરીબો, મજૂરો અને હબસીઓના પ્રશ્નો હાથમાં લઈને તેમણે હલ હાઉસ નામની સંસ્થાની શિકાગોમાં સ્થાપના કરી હતી. સમાજસુધારણાના કાર્ય દ્વારા બાળકો માટેની અદાલત, ઘર બાંધવાના કાર્યનું નિયમન, સ્ત્રીઓ માટે દિવસના આઠ કલાકની મજૂરી, કારખાનાની તપાસ અને કારીગરો માટે વળતર વગેરે સુધારાઓ કરાવ્યા. સ્ત્રીઓ માટે મતાધિકારની તરફેણ કરીને તેમણે કાળા લોકો તેમજ અમેરિકામાં સ્થળાંતર કરીને આવેલાઓની સામાજિક-આર્થિક સ્થિતિ વિશે સંશોધન કરાવ્યાં અને તેમને ન્યાય મળે તે માટે સતત પ્રયત્નો કર્યા. સામાજિક કાર્યની 1910ની સર્વપ્રથમ રાષ્ટ્રીય પરિષદના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. 1912માં તેમણે થિયોડોર રૂઝવેલ્ટના પ્રગતિશીલ પક્ષને ટેકો આપ્યો હતો. 1915માં હેગ ખાતે મળેલી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદનાં તેઓ પ્રમુખ બન્યાં જેના આધારે મહિલાઓના શાન્તિ અને સ્વાતંત્ર્ય સંઘ(લીગ)ની સ્થાપના કરવામાં આવી હતી.

જેન ઍડમ્સ

1881માં ઇલિનૉઇસમાંની રૉકફોર્ડ ફીમેલ સેમિનરીમાંથી તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1981માં પિતાના અવસાન બાદ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ 1881-83 દરમિયાન નિષ્ક્રિય રહ્યાં. 1887-88માં લંડનની મુલાકાત દરમિયાન સમાજસુધારણાનાં કાર્યો પ્રત્યે રુચિ પેદા થઈ અને અમેરિકા પાછા ગયા પછી ત્યાં સુધારક પ્રવૃત્તિઓના શ્રીગણેશ કર્યા, જેના માટે શિકાગો ખાતે અલાયદા મકાનની ખરીદી કરી જેને ‘હલ હાઉસ’ નામ આપવામાં આવ્યું અને તેમાં 1889માં રહેવા ગયા જ્યાં સમાજસુધારણાની ઘણી બધી પ્રવૃત્તિઓ વિસ્તરી. સમય જતાં ‘હલ હાઉસ’ તેમની વૈવિધ્યપૂર્ણ સામાજિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું. તેમણે મજૂર વર્ગ સાથે પણ કામ કર્યું હતું. અમેરિકામાં મજૂરો અને મહિલાઓના કામની શરતોમાં સુધારા થાય તે માટે તેમણે કરેલ કામ નોંધપાત્ર ગણાય છે. 1920માં અમેરિકામાં સિવિલ લિબર્ટિઝ યુનિયનની સ્થાપનામાં તેમણે અગ્ર ભૂમિકા ભજવી હતી.

તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ડેમૉક્રસી ઍન્ડ સોશ્યલ એથિક્સ’ (1902), ‘ન્યુઅર આઇડિયલ્સ ઑવ્ પીસ’ (1907) તથા ‘ટ્વેન્ટી ઇયર્સ ઍટ હલ હાઉસ’ (1910) મુખ્ય છે.

દેવવ્રત  પાઠક