ઍઝટેક સંસ્કૃતિ : ઉત્તર અમેરિકાની સંસ્કૃતિઓમાંની એક. તેનો આરંભ 1168ના અરસામાં અને અંત 1525ના અરસામાં થયો હતો.
ઓલ્મેક, ઝોપોટેક, મીક્સટેક, ટોલ્ટેક, ટોટોનેક, હુઆસ્ટેક જેવી પ્રાક્-ઍઝટેક સંસ્કૃતિઓ મેક્સિકી અખાત અને પ્રશાંત મહાસાગર વચ્ચે અસ્તિત્વ ધરાવતી હતી. બારમી સદીના ત્રીજા ચરણમાં ઉત્તર-પશ્ચિમ તરફથી તેનોકાસ (ઍઝટેક) જાતિ અનાહોક સરોવરમાં પ્રવેશી. જમીનવિહોણા અને મિત્રવિહોણા અલ્પસંખ્ય ઍઝટેક લોકો ભટકતા ભટકતા આખરે ટેક્સકોકો સરોવરની આસપાસના નાનકડા ટાપુઓ ઉપર સ્થિર થયા અને ઈશ્વર-ભીરુ ઍઝટેકોએ 1325માં નગર-રાજ્યનો પ્રારંભ કર્યો, અને બે સદીમાં તો સમગ્ર મેક્સિકોના અધિપતિ બની ગયા. દેવપ્રધાન ઍઝટેક સામ્રાજ્યે ઘણાં મંદિરપ્રધાન શહેરો બાંધ્યાં.
સમાજ : ઍઝટેક સમાજના પાયામાં સામાન્ય માનવી (macehualli) હતો, જે ખેડૂત હતો, સાથે યોદ્ધો પણ હતો. મધ્યમ ઊંચાઈ, શરીરે હૃષ્ટપુષ્ટ, વિશાળ કપાળ, પરિશ્રમી, સશક્ત, લાંબા હાથ અને કાળા ખરબચડા વાળ ધરાવતા દાઢીવિહોણા અને શ્યામરંગી પુરુષો ઠીંગણી, સશક્ત, મજબૂત બાંધો અને આકર્ષક દેખાવ ધરાવતી, સ્પેનિયાર્ડને લાયક સ્ત્રીઓ. પહેરવેશ સાદો અને પ્રસંગોચિત. સ્ત્રીઓ મોભાદાર વસ્ત્રો પહેરતી જે રંગ, પ્રકાર અને પદ્ધતિમાં વૈવિધ્યપૂર્ણ હતાં.
ભાષા : ઍઝટેકની ભાષા હતી નહુઆટલ. તેમણે તે શોધી ન હતી તથા તેમણે તેને પૂર્ણ રૂપ પણ આપ્યું ન હતું. કારણ કે બીજાં જૂથો પણ આ ભાષા બોલતાં હતાં. પરંતુ ઍઝટેકોએ ભાષાને વ્યાપક રીતે સ્થળ-કાળમાં વિસ્તારી. નહુઆટલ જીવંત ભાષા છે; આજે હજારો લોકો તે ભાષા બોલે છે અને તેમાં ગ્રંથો લખાયા છે. નહુઆટલ ચિત્રાત્મક (graphic) અને લવચિક (elastic) સ્વરૂપની છે.
જીવન : ઍઝટેકોની જાતિપ્રથા જડ ન હતી. છોકરો વીસનો અને છોકરી સોળની થાય ત્યારે લગ્ન કરતાં. વૃદ્ધાઓ લગ્ન નક્કી કરતી હતી. લગ્નના પ્રતીક તરીકે વર-કન્યાનાં કપડાંને ગાંઠવામાં આવતાં. કુંવારા રહેવા પર ઇન્કા સમાજની જેમ અહીં પ્રતિબંધ ન હતો. આર્થિક બાબતો અને રાંધણકાર્યને કારણે પુરુષ માટે કુંવારાં રહેવું શક્ય ન હતું. લગ્ન પછી બંને પોતાનું રહેઠાણ બાંધતાં. મકાનો સામાન્યત: ડાળીઓ અને ઘાસનાં બનાવતાં.
મકાઈ એમનો મુખ્ય ખોરાક હતો. મંદિરપ્રધાન શહેરોનું અર્થતંત્ર મકાઈ-પાક-આધારિત હતું. આમ, મકાઈ ઍઝટેકોની જીવાદોરી હતી. અર્થાત્ મેક્સિકોમાં સ્થિર વસવાટ શક્ય બન્યો મકાઈથી. ત્રણ હજાર વર્ષ સુધી મકાઈ-સંસ્કૃતિનું પ્રભુત્વ રહ્યું. ઍઝટેક જૂથો મકાઈ-ખેતરમાં પરસ્પરને સહાય કરતાં. સ્ત્રીઓ બધું વણકરી કામ કરતી. પુરુષ તેમાં માથું મારતો ન હતો. વણાટકામ, ખેતી અને મકાનબાંધકામ સાથે માટીકામ ઍઝટેક સંસ્કૃતિની વિશિષ્ટતા હતી. તેઓ વિવિધ પ્રકારનાં માટીનાં વાસણો બનાવતા. હાટમાં ચીજવસ્તુઓ વેચતા-ખરીદતા. ઉત્સવી મનોરંજન અને પવિત્ર વિધિવિધાન તાણાવાણા જેમ વણાયેલાં હતાં.
પંચાંગ : વીસ દિવસનો એક એવા અઢાર મહિનાનું ઍઝટેક પંચાંગ હતું. પ્રત્યેક મહિનાને પોતાનો ઉત્સવ અને વિધિ હતાં. મહિનાઓનાં વર્ણનાત્મક નામો હતાં. પ્રથમ મહિનો પાણી, બીજો માનવ-અસ્થિ, ત્રીજો ઉપવાસ, ચોથો અનાજોત્સવ, પાંચમો વર્ષાને માનવબલિદાન, સાતમો મીઠાનૃત્ય, આઠમો અન્નકૂટોત્સવ, નવમો પુષ્પોદભવ, દશમો ફળપ્રાપ્તિ, અગિયારમો સાવરણી અને બારમો લશ્કર, તેરમો મહિનો દેવોનું પૃથ્વી-અવતરણ, ચૌદમો વર્ષાદેવ, પંદરમો બ્રહ્મચર્ય, સોળમો યુદ્ધધ્વજ, સત્તરમો વર્ષાગમન અને અઢારમો શિયાળો – આમ અઢારેય મહિના કોઈ ને કોઈ કાર્ય સાથે સંકળાયેલા હતા. ઉત્સવ, બલિદાન, કે મિજબાની કોઈ ને કોઈ પ્રકારે તેની સાથે સંકળાયેલાં હોય. બારમી ફેબ્રુઆરીથી પ્રથમ માસ શરૂ થાય અને અઢારમો મહિનો છઠ્ઠી ફેબ્રુઆરીએ પૂરો થાય. શેષ પાંચ દિવસ નિષ્ક્રિય ગણાતા અને લોકો પણ બધી રીતે નિષ્ક્રિય રહેતા. પ્રત્યેક દિવસ માટે અલગ ચિહનો હતાં. દા.ત., પ્રથમ માટે વાંદરો, પાંચ માટે ઘુવડ, સાત માટે ગતિ, તેર માટે કૂતરો વગેરે. આમ પંચાંગ ઍઝટેક પ્રજાના દરેક કાર્ય સાથે અવિશ્લેષ્ય રીતે સંકળાયેલું હતું.
ઍઝટેક સંસ્કૃતિ સંગીત-નૃત્ય સાથે સંકળાયેલી છે. આ સંગીતનો લય સક્ષમ પણ આરોહ-અવરોહનો અભાવ. ખંજરી, તંબૂરો, શંખ, ઢોલ વગેરે વાજિંત્રોનો ઉપયોગ કરતા. એમની રમતો જાદુઈ અને વૈધિક હતી. દડાનો ઉપયોગ થતો. ચોરી ગુનો ગણાતો. મંદિર-લૂંટ મોટો ગુનો. ઍઝટેક પ્રજા હળીમળીને રહે તેવી ન્યાય-વ્યવસ્થા હતી. ખોરાક, પહેરવેશ, જાતીય સંબંધ વગેરેના વિધિનિષેધ હતા.
સરકાર : ઍઝટેક સરકાર ચૂંટાયેલી રાજાશાહી સ્વરૂપની હતી. રાજા સાર્વભૌમ ન હતો. જમીન તેની માલિકીની ન હતી. અર્થાત્ સિદ્ધાન્તમાં ઍઝટેક સરકાર લોકશાહી સ્વરૂપની હતી. પ્રત્યેક કુટુંબ ભૂમિ-સમાજનું સભ્ય. કુટુંબોનું જૂથ જાતિનું સ્વરૂપ ધારણ કરતું. દરેક જાતિને પોતાની સમિતિ અને ચૂંટાયેલો વડો હોય. ચૂંટાયેલા વડામાંથી વયોવૃદ્ધ કે અનુભવી કે શાણા ગણાતા માણસને આંતર-સમિતિના સભ્ય તરીકે પસંદ કરાતો. સમિતિ રાજ્યના વડાના સલાહકાર તરીકે કાર્ય કરતી. નવ રાજાઓનાં નામ પ્રાપ્ત છે, જેમાં મોક્ટેઝુમા (1503–1520) છેલ્લો શાસક હતો. તે અર્ધ-દેવતા ગણાતો ચૂંટાયેલો હોવા છતાં, તેણે દૈવીપણું ધારણ કરેલું હતું. તે પુરોહિત, લશ્કરનો કમાન્ડર, રાજ્યનો વડો અને કુશળ યોદ્ધો હતો. સફળ રાજનીતિજ્ઞ મોક્ટેઝુમા 371 શહેરોમાંથી ખંડણી મેળવતો હતો.
ઍઝટેક પ્રજા લડાયક હતી. મોજશોખની ચીજોની ત્યાં અછત હતી. આથી તે લોકો આક્રમણ કરીને કપાસ, પક્ષીપીંછાં, સોનું, રબર, ચોકલેટ વગેરે મેળવતા. પરિણામે વિજયથી વેપાર વધતો. ઍઝટેક ઇજનેરીનો શ્રેષ્ઠ નમૂનો ભેજવાળી જમીન ઉપરના એમના પુલ છે. એના બે હેતુ : વ્યવહાર અને પાણી-નિકાલ સરળ બનાવવાં. શહેરોમાં ચોગાન એમની બીજી વિશેષતા. મંદિરોનાં નિર્માણ એમનું આગવું લક્ષણ, કારણ કે ઍઝટેક ઈશ્વરભીરુ પ્રજા હતી.
સ્થાપત્ય : ઍઝટેક સ્થાપત્ય આક્રમણોથી નાશ પામ્યું, પણ પુરાવિદોના પ્રયાસોથી એ વિશે ઘણું જાણી શકાયું છે. એમનાં નગરો આયોજિત હતાં, જેમાં માનવસુવિધા, વાહનવ્યવહારની સગવડ અને પાણીનિકાલની વ્યવસ્થા મહત્વનાં લક્ષણો હતાં. આરોગ્ય-વ્યવસ્થા સુંદર હતી. જાહેર પાયખાનાં બધે જોવા મળતાં. કાપડ રંગવામાં પેશાબનો ઉપયોગ કરતા. મંદિરપ્રધાન નગરો ઍઝટેક સંસ્કૃતિના નગર-આયોજનના અને સ્થાપત્યકલાના શ્રેષ્ઠ નમૂના હતા. ઍઝટેકનું શિલ્પ કલાના ક્ષેત્રે ઉત્તમ પ્રદાન છે. મહોરાંની કલા સુંદર હતી. શિલ્પ-સ્થાપત્ય સાથે સંકળાયેલું હતું. એમનું શિલ્પ-સ્થાપત્ય વ્યવહારુ અને હેતુપૂર્ણ હતું. ધાતુકામમાં ઍઝટેકો પ્રવીણ હતા. સોનીઓની શ્રેણી હતી. ઍઝટેકનું પીંછાંકામ ધ્યાનપાત્ર છે.
ધર્મ અને યુદ્ધ : ઍઝટેક સંસ્કૃતિમાં ધર્મ અને યુદ્ધ અવિભાજ્ય હતાં. તે કુદરતને ખોળે બેઠેલી પ્રજા હતી. સૂર્યપૂજા ઍઝટેક ધર્મનું મુખ્ય પાસું હતું. ચાર દિશાના ચાર દેવો હતા. વ્યક્તિગત દેવ, છોડના દેવ, પ્રત્યેક ઉત્સવના દેવ, મહિનાના દેવ એમ ઍઝટેક સંસ્કૃતિ દેવપ્રધાન અને દેવપ્રભુત્વવાળી હતી. પુરોહિત ધર્મગુરુ હતા. એમનું શરણું જરૂરી હતું. સનાતન યુદ્ધ ઍઝટેક સંસ્કૃતિનું બીજું મહત્વનું અંગ હતું. એમને મન કાયમી શાંતિ ભયજનક હતી.
રસેશ જમીનદાર