ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ

January, 2004

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ (જ. 25 માર્ચ 1844, સાગાન; અ. 10 ઑક્ટોબર 1930, બર્લિન) : વિખ્યાત જર્મન વર્ગીકરણવિજ્ઞાની. તેમણે 1866માં બ્રેસ્લો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી ચાર વર્ષ અધ્યાપનકાર્ય કર્યું; 1871માં મ્યૂનિકના વનસ્પતિવિજ્ઞાન વિભાગના વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં નિયુક્તિ મેળવી; 1878માં કીલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું; 1884માં બ્રેસ્લોના વનસ્પતિઉદ્યાનના નિયામક થયા અને અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું. તેઓ 1889થી 1921 સુધી પ્રખ્યાત બર્લિન વનસ્પતિ-સંગ્રહાલયના અધ્યક્ષપદે રહ્યા અને તેના ઉદ્યાનને વિશ્વમાં પ્રથમ સ્થાન અપાવ્યું. તેમણે 1905માં ભારતની ધરતી ખૂંદીને ભારતીય વનસ્પતિઓ એકત્ર કરી હતી. તે અનુભવને આધારે તેમણે Das Plfanzenreich નામના ગ્રંથનું સંપાદન કર્યું. વનસ્પતિઓની ઓળખ માટે તેમણે મૌલિક વર્ગીકરણ-પદ્ધતિનો ઉપયોગ કર્યો.

તેમણે કાર્લ એ. ઈ. પ્રેન્ટલ(1849-1893)ના સહકારથી સમગ્ર વિશ્વની વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતા Die Naturlichen Pflanzen Familien નામના ગ્રંથના 20 ભાગ (1887-1899) પ્રકાશિત કર્યા, જેમાં તેમણે વનસ્પતિઓની સચિત્ર ઓળખ-પદ્ધતિ આપી છે. તેમની વર્ગીકરણ-પદ્ધતિ યુરોપ અને ઉત્તર અમેરિકામાં અત્યંત પ્રચલિત થઈ. આ વર્ગીકરણ-પદ્ધતિનું બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ જેટલું જ મહત્વ છે. તેમની પદ્ધતિ જાતિવિકાસી (phylogenetic) વર્ગીકરણ-પદ્ધતિઓની દિશામાં પ્રથમ સોપાન સમાન ગણવામાં આવે છે.

તેમણે આદ્ય અને ઉદવિકસિત સ્થિતિઓ વચ્ચેની સ્પષ્ટતાઓ દર્શાવી છે. તેમની પદ્ધતિનાં ખાસ લક્ષણો આ પ્રમાણે છે : (1) તેમણે એકદળી વનસ્પતિઓને દ્વિદળી વનસ્પતિઓ પહેલાં મૂકી, (2) પોએસી કુળ કરતાં ઑર્કિડેસી કુળ વધારે ઉદવિકસિત ગણવામાં આવ્યું છે, અને (3) નિલંબ શૂકી (catkin) પ્રકારનો પુષ્પવિન્યાસ ધરાવતી અદલા (Amentiferae) વનસ્પતિઓને દલપુંજ ધરાવતી એકલિંગી પુષ્પોવાળી વનસ્પતિઓ કરતાં આદ્ય કક્ષાની ગણી છે.

તેમણે ‘Flora of Brazil’, ‘Monograph of Flowering Plants’, ‘The Natural Plant Families’ વગેરે ગ્રંથો લખ્યા છે. તેમણે ગીલ્ડા સાથે ‘Syllabus der Pflanzenfamilien’ (1892) નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં કેટલાક ફેરફારો સાથે આ વર્ગીકરણ-પદ્ધતિ દર્શાવાઈ છે. તેમણે 1880થી જીવનના અંત સુધી ‘બૉટેનિકલ ઇયર બૂક’નું સંપાદન કર્યું હતું.

તેમના મત પ્રમાણે આવૃતબીજધારીઓનો અશ્મીભૂત અનાવૃતબીજધારીઓના અજ્ઞાત અને પરિકાલ્પનિક વર્ગક- (taxon)માંથી બહુજાતિવિકાસી (polyphyletic) ઉદભવ થયો છે અને શરૂઆતથી ઘણી સમાંતર શ્રેણીઓ અસ્તિત્વમાં આવી છે.

એમ. આર. ચિંચલીકર

જિજ્ઞા ત્રિવેદી