એળુતચન, કે. એન. (જ. 21 મે 1911, ચેરપાલચેરી, કેરળ; અ. 28 ઑક્ટોબર 1981, કેરાલા) : કેરળના પ્રખ્યાત સંસ્કૃત કવિ. તેમને તેમની સંસ્કૃત કૃતિ ‘કેરળોદય:’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમણે મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ.એ.ની અને મલયાળમ સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી. કેટલીક છૂટીછવાઈ નોકરી કર્યા બાદ તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં મલયાળમના અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાંથી 1971માં નિવૃત્ત થયા.

તેમણે સંખ્યાબંધ સંશોધનો અને શૈક્ષણિક અધ્યયનો કર્યાં છે. તેઓ કાલિકટ યુનિવર્સિટી ખાતે મલયાળમ વિભાગના મુલાકાતી પ્રાધ્યાપક નિમાયા હતા. તેઓ કેરળ સાહિત્ય અકાદમી સાથે પણ સંકળાયેલા હતા.

તેમણે સંખ્યાબંધ કૃતિઓ પ્રગટ કરી છે. તેમના નિબંધસંગ્રહ ‘મુત્તમ પવિળવુમ’ને 1976માં કેરળ સાહિત્ય અકાદમી એવૉર્ડ આપવામાં આવ્યો છે તેમણે કેટલીક તમિળ અને હિંદી કૃતિઓના મલયાળમમાં અનુવાદ કર્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કેરળોદય:’, તેનું રચનાવિધાન, ભાષા પરનું પ્રબળ પ્રભુત્વ, જોરદાર નિરૂપણ અને પરંપરાગત તથા અદ્યતન તત્વોના સુભગ મિશ્રણ – આવાં કારણોથી આધુનિક સંસ્કૃત સાહિત્યમાં મહત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા