ઋષભદેવપ્રાસાદ : ભરૂચ જિલ્લાના કાવી ગામમાં પ્રસિદ્ધ જૈન મંદિર. 1592માં ખંભાતના નિવાસી નાગર વણિક બડુઆએ બંધાવેલો ‘સર્વજિત’ નામનો ઋષભદેવપ્રાસાદ સ્થાનિક લોકોમાં તો ‘સાસુનું દેરાસર’ને નામે ઓળખાય છે. રચના પરત્વે આ મંદિર શત્રુંજયના આદિનાથ દેરાસરને મળતું છે. એમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, સભામંડપ અને બાવન દેરી ધરાવતી ભમતી છે. ગર્ભગૃહ પર ઉત્તુંગ રેખાન્વિત શિખર છે. ગભારામાં મૂળનાયક ઋષભદેવની પરિકરયુક્ત ભવ્ય પ્રતિમા સ્થાપેલી છે. મંદિરની બહાર રાયણવૃક્ષની રચના કરી તેની નીચે આદીશ્વરનાં પગલાં સ્થાપ્યાં છે.
પ્રવીણચંદ્ર પરીખ