ઋષભ વૈશ્વામિત્ર

January, 2004

ઋષભ વૈશ્વામિત્ર : વૈદિક ઋષિ અને વિશ્વામિત્રના એકસો પુત્રોમાંના મધુચ્છંદા આદિ પાછલા પચાસમાંનો એક પુત્ર. ઐતરેય બ્રાહ્મણ(7-3-5)માં તેના નામનો ઉલ્લેખ છે. ઐતરેય બ્રાહ્મણના શુન:શેપ આખ્યાનમાં શુન:શેપ દેવોના પાશમાંથી મુક્ત થયો ત્યારે ઋષિ વિશ્વામિત્રે મધુચ્છંદા આદિ પુત્રોના સાક્ષ્યમાં તેને પોતાના જ્યેષ્ઠ પુત્ર તરીકે સ્વીકારી દેવરાત નામ આપ્યું. તે પ્રસંગમાં વિશ્વામિત્રે બોલાવેલા પુત્રોમાં મધુચ્છંદા, ઋષભ, રેણુ અને અષ્ટક એ ચાર પુત્રોનાં નામોનો ઉલ્લેખ છે. મધુચ્છંદા આદિ વૈશ્વામિત્રોએ શુન:શેપને પોતાના જ્યેષ્ઠ ભ્રાતા તરીકે સ્વીકાર્યો હતો.

ઋકસંહિતાનું તૃતીય મંડલ કુલમંડલ છે એ સર્વવિદિત છે. વિશ્વામિત્રકુલના પુરુષો તેના ઋષિઓ છે. તેનાં તેર અને ચૌદ એ બે સૂક્તો ઋષભ વૈશ્વામિત્ર ઋષિનાં છે; તેરમું સૂક્ત સાત અનુષ્ટુપ ઋચાઓનું અગ્નિદેવતાક સૂક્ત છે. તેમાં યજ્ઞમાં નિમંત્રિત દેવોને લઈ યજમાનની યજ્ઞશાળામાં આવનાર અગ્નિની સ્તુતિ છે. અગ્નિષ્ટોમમાં આહવનીય અગ્નિ પ્રદીપ્ત કરવા સારુ આજ્યાહુતિ આપતાં આ સૂક્ત ભણાય છે. અહીં અગ્નિને ઋતનો પાલક, યજ્ઞોનો નિયામક, સર્વ પ્રકારનાં ધનધાન્યનો દાતા અને યાજકો વડે ભણાતા ઉક્થમંત્રોનો રક્ષિતા કહ્યો છે. ચૌદમું ‘આહોતા’ એ સૂક્ત સાત ત્રિષ્ટુપ મંત્રોનું અગ્નિદેવતાક સૂક્ત છે. આ પ્રાતરનુવાકનું સૂક્ત છે. તેમાં પ્રભાતે પ્રદીપ્ત થતા જ્વાલામય અગ્નિનું મનોહારી વર્ણન છે. અંતરીક્ષમાંથી વાયુના માર્ગે આવતી દેવીઓ ઉષા અને રાત્રી તથા ભૂમિ પરથી ઊર્ધ્વમાર્ગે પ્રજ્વલિત થતા અગ્નિનું અહીં કાવ્યમય વર્ણન છે. મિત્ર, વરુણ અને વિશ્વેદેવા: અગ્નિની સ્તુતિ કરે છે એમ કહી ઋષિ અગ્નિ દેવોમાં શ્રેષ્ઠ અને યજ્ઞનો પુરોહિત છે એમ સૂચવે છે.

નટવરલાલ યાજ્ઞિક