ઋષભદેવ : જૈન ધર્મના વર્તમાન અવસર્પિણી કાળચક્રના ચોવીસ તીર્થંકરોમાં આદ્ય તીર્થંકર. જૈન પૌરાણિક માન્યતા અનુસાર ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા હતા. તેમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી હતી. પ્રાચીન કુલવ્યવસ્થામાં માનવસમૂહના મુખ્ય નાયકને કુલકર કહેવામાં આવતા. આવા સાત કે ચૌદ કુલકરો થઈ ગયા. તેમાં અંતિમ કુલકર નાભિના પુત્રરૂપે ઋષભદેવનો જન્મ થયો હતો. તેમનાં માતાનું નામ મરુદેવી હતું. ઋષભદેવ ગર્ભમાં આવતાં માતા મરુદેવીને ચૌદ વિશિષ્ટ સ્વપ્નોનાં દર્શન થયાં હતાં. ઋષભદેવનો જન્મ ચૈત્ર કૃષ્ણ અષ્ટમીના દિવસે અયોધ્યા નગરીમાં થયો હતો. સ્વપ્નમાં પ્રથમ જોયેલા વૃષભના કારણે તેમનું નામ ઋષભ રાખવામાં આવેલું. તત્કાલીન રિવાજ અનુસાર તેમનાં લગ્ન સુનન્દા અને સુમંગલા સાથે થયાં હતાં. તેમને સુમંગલાથી ભરત તથા બ્રાહ્મી અને સુનંદાથી બાહુબલિ તથા સુંદરી નામક બે પુત્ર – બે પુત્રી તથા ત્યારબાદ સુમંગલાથી બીજા અઠ્ઠાણું પુત્રો જન્મ્યા હતા. અંતિમ કુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપી ઋષભદેવને રાજા બનાવ્યા હતા. આમ સૌપ્રથમ કુલકર-વ્યવસ્થામાં પરિવર્તન થયું અને ઋષભદેવ પ્રથમ રાજા બન્યા. ઋષભદેવે અનેક વર્ષો સુધી રાજ્ય કર્યું અને મનુષ્યોને જીવનોપયોગી પ્રવૃત્તિઓનું શિક્ષણ આપ્યું. ઉત્તરાવસ્થામાં પછીથી થયેલ ચક્રવર્તી સમ્રાટ પુત્ર ભરતને રાજશાસન સોંપી સ્વયમેવ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, પ્રથમ પ્રવ્રજિત બન્યા – એ પણ ચૈત્ર કૃષ્ણાષ્ટમીનો જ દિવસ હતો. એક હજાર વર્ષની સાધનાને અંતે ફાગણ વદ અગિયારસના દિવસે પુરિમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં વટવૃક્ષ તળે ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – એ પાંચ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. તૃતીય આરાનાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા ત્યારે માઘ કૃષ્ણાત્રયોદશીના દિવસે અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવ નિર્વાણ પામ્યા.

વૈદિક ધર્મ-સાહિત્યમાં પણ ભગવાન ઋષભદેવનું નામ છેક ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ ભાગવતમાં તો તેમને વિષ્ણુના અવતાર તરીકે માનવામાં આવ્યા છે. ભાગવતના પંચમ સ્કંધના પ્રથમ છ અધ્યાયોમાં ઋષભદેવનું વિસ્તૃત ચરિત્ર વર્ણવાયું છે, જેમાં ઋષભદેવનો વંશ, માતા-પિતાનાં નામ, તપશ્ચર્યા આદિનું વર્ણન મળે છે જે સર્વથા જૈન પરંપરાને મળતું આવે છે. શિવ મહાપુરાણમાં ઋષભદેવને શિવના અઠ્ઠાવીસ યોગાવતારોમાં આઠમા અવતાર ગણવામાં આવ્યા છે. શિવ સાથેનું ઋષભનું સામ્ય પણ આશ્ચર્યજનક છે. આમ શ્રમણ અને બ્રાહ્મણ બન્ને પરંપરાઓમાં ભગવાન ઋષભદેવ આદિપુરુષ તરીકે બહુમાન્ય છે. જેમ દુષ્યંતના પુત્ર ભરત પરથી તેમ ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરતના નામ પરથી આર્યાવર્તનું નામ ભારત પડ્યું હોવાનું પણ બંને પરંપરામાં નોંધાયું છે.

રમણિકભાઈ મ. શાહ