ઋતુસ્રાવચક્ર (menstrual cycle) : ચક્રીય નિયમિતતાથી ગર્ભાશયની અંદરની દીવાલની વૃદ્ધિ થવી અને ત્યારબાદ તેનું વિઘટન થતાં તેના ભાગોનું લોહીની સાથે બહાર વહી જવું તે. આ સમગ્ર યોજના પ્રતિમાસ પીયૂષિકા(pituitary)ગ્રંથિ અને અંડગ્રંથિ-(ovary)ના અંત:સ્રાવોની અસર હેઠળ થાય છે. ઋતુસ્રાવચક્ર ફક્ત માનવસ્ત્રી અને ઉત્ક્રાંતિ પામેલા વાનરની માદામાં જ જોવા મળે છે. 10થી 16 વર્ષની ઉંમરે ઋતુસ્રાવઆરંભ (menarche) થાય છે. ભારતમાં સરેરાશ 13.5 વર્ષે, પશ્ચિમ યુરોપમાં 13 વર્ષે અને ઉત્તર અમેરિકામાં 12.5 વર્ષે તેનો આરંભ થાય છે. શહેરી વસ્તી અને ઉપલા સામાજિક સ્તરોમાં તે વહેલું શરૂ થાય છે. ઋતુનિવૃત્તિકાળ (menopause) 45થી 52 વર્ષની વયે થાય છે. ઋતુસ્રાવઆરંભથી ઋતુનિવૃત્તિકાળ વચ્ચે લગભગ નિયમિતપણે દર 28 દિવસે ઋતુસ્રાવ થાય છે અને સગર્ભા અને સ્તન્યપાન ન કરાવતી (lactating) સ્ત્રીઓમાં તથા કેટલાક વિકારોમાં આ ચક્રીય યોજનામાં વિક્ષેપ પડે છે. જોકે 3થી 5 અઠવાડિયાંના નિયમિત રૂપે થતા ઘટનાચક્રોને પણ સામાન્ય ગણવામાં આવે છે. ઋતુસ્રાવચક્રમાં ગર્ભાશયની અંદરની દીવાલ(ગર્ભાશયાંત:કલા, endometrium)ની ત્રણ અવસ્થાઓ હોય છે. પ્રથમ 4 દિવસમાં 2/3થી 3/4 જેટલી વૃદ્ધિ પામેલી ગર્ભાશયાંત:કલા વિઘટિત થઈને લોહીની સાથે બહાર વહી જાય છે. તેને ‘ઋતુઅવસ્થા’ અથવા ‘ઋતુસ્રાવ-અવસ્થા’ કહે છે. ક્યારેક ઋતુઅવસ્થા 2થી 7 દિવસની પણ હોય છે. તેને શરૂઆતમાં ગર્ભાશયગ્રીવાનો શ્લેષ્મ (cervical mucus), લોહી અને શ્વેતકોષોવાળું ગુલાબી પ્રવાહી બહાર આવે છે. બીજા અને ત્રીજા દિવસે લોહી, ગર્ભાશયાંત:કલાના વિઘટિત ટુકડા, જીવાણુઓ અને 50 % સ્ત્રીઓમાં લોહીના નાના ગઠ્ઠા બહાર વહે છે. આશરે 35થી 45 મિલી. જેટલું લોહી વહી જાય છે, જેથી મહિનાભરમાં દરરોજનાં 0.6થી 0.7 મિગ્રા. જેટલા લોહની સરેરાશ જરૂરિયાત વધે છે. જો લોહીના ગઠ્ઠા મોટા હોય તો તે વધુ પડતો રુધિરસ્રાવ સૂચવે છે અને તેને વિષમ ગણવામાં આવે છે. ઋતુસ્રાવ-અવસ્થા પછીના લગભગ 10 દિવસ ગર્ભાશયાંત:કલા ફરીથી વૃદ્ધિ પામે છે. તેને વર્ધન-અવસ્થા (proliferative stage) કહે છે. બીજો ઋતુસ્રાવ શરૂ થાય તેના બરાબર 14 દિવસ પહેલાં અંડગ્રંથિમાંથી અંડકોષ (ovum) છૂટો પડે છે. (જુઓ અંડકોષજનન, ગુ.વિ. ખંડ 1, પૃ. 763; અંડકોષમોચન, ગુ.વિ. ખંડ 1, પૃ. 764 અને અંત:સ્રાવી ગ્રંથિતંત્ર, ગુ.વિ. ખંડ 1, પૃ. 744-755) તેને અંડકોષમોચન કહે છે. અંડકોષમોચન સાથે વર્ધન-અવસ્થા પૂરી થાય છે. જો અંડકોષ ફલિત થાય તો ગર્ભાશયાંત:કલા ફલિતાંડને સ્વીકારવા તૈયાર થાય છે. જો અંડકોષ ફલિત થયો ન હોય તો ‘સ્રાવ-અવસ્થા’ને અંતે ફરીથી ઋતુસ્રાવ થાય છે. તેથી ઋતુસ્રાવને ક્યારેક ‘હતાશ ગર્ભાશયનું રુદન’ પણ કહે છે. અંડકોષમોચન અને ઋતુસ્રાવ-અવસ્થાની વચ્ચેના 14 દિવસના ગાળાને ‘સ્રાવ-અવસ્થા’ (secretory phase) કહે છે. તે સમયે ગર્ભાશયાંત:કલાની વૃદ્ધિ પામેલી ગ્રંથિઓમાંથી સ્રાવ થતો હોય છે. ઋતુસ્રાવચક્રમાં જેમ ગર્ભાશયાંત:કલામાં ચક્રીય ફેરફારો થાય છે તેમ અંડગ્રંથિમાં પણ ચક્રીય ફેરફારો થાય છે. (જુઓ આકૃતિ અને ‘અંત:સ્રાવી ગ્રંથિતંત્ર’, ગુ.વિ. ખંડ 1, પૃ. 840). પીયૂષિકાગ્રંથિનો અંડપુટિકા ઉત્તેજી અંત:સ્રાવ (follicular stimulating hormone, FSH) અંડગ્રંથિમાં કોઈ એક આદિપુટિકા(primodial follicle)ને ગ્રાફિયન પુટિકા રૂપે વિકસાવવામાં મદદ કરે છે. વિકસિત ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ છૂટો પડે ત્યારે તે પીતપિંડ(corpus luteum) રૂપે અંડગ્રંથિમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્રાવોનું ઉત્પાદન કરે છે. પીયૂષિકાગ્રંથિનો પીતપિંડકારી અંત:સ્રાવ (luteinizing –
hormone, LH) પીતપિંડના કાર્યનું નિયમન કરે છે. અંડકોષ ફલિત ન થાય તો પીતપિંડ અવલોપન પામીને શ્વેતપિંડ (corpus albicans) બને છે અને ત્યારે તેના અંત:સ્રાવો બનતા અટકી જાય છે. આમ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ઊણપ થતાં ઋતુસ્રાવ થાય છે. આવી રીતે અંડગ્રંથિના અંત:સ્રાવો ગર્ભાશયાંત:કલાના ઋતુસ્રાવચક્રનું નિયમન કરે છે અને પીયૂષિકાગ્રંથિ તેના અંત:સ્રાવો દ્વારા અંડગ્રંથિચક્રનું નિયમન કરે છે. મગજમાં નીચે આવેલું અધશ્ચેતક (hypothalamus) FSH અને LHના વિમોચનકારી અંત:સ્રાવો (RH), અનુક્રમે FSHRH અને LHRH ઉત્પન્ન કરીને પીયૂષિકાગ્રંથિનું નિયમન કરે છે. (જુઓ અંત:સ્રાવી ગ્રંથિતંત્ર, ગુ.વિ. ખંડ 1, પૃ. 840.) પ્રત્યેક ઋતુસ્રાવચક્રમાં એક અંડકોષ છૂટો પડે છે; પરંતુ ઋતુસ્રાવઆરંભનાં પ્રથમ 23 વર્ષો અને 40 વર્ષની વય પછી અંડકોષ છૂટો પડતો નથી. આને નિરંડકોષી (anovulatory) ઋતુસ્રાવચક્ર કહે છે. તેમાં ઇસ્ટ્રોજનનું લોહીમાં પ્રમાણ ઘટે એટલે ઋતુસ્રાવ થાય. તેમને અને સામાન્ય ઋતુસ્રાવચક્રોને એકબીજાથી અલગ તારવી શકાતાં નથી. ઋતુસ્રાવવાળી સ્ત્રીને ધાર્મિક કારણોસર ઘણી વખત અશુદ્ધ કે અપવિત્ર ગણવામાં આવે છે. તેથી તે શરમ, અકળામણ કે વિરોધ(resentment)નું કારણ પણ બને છે. કુમારિકાઓને ઋતુસ્રાવચક્ર શરૂ થાય તે પહેલાં યોગ્ય સમયે તેની સમજણ આપવી જરૂરી ગણાય છે. આ તેનો ‘સ્ત્રીપણા’માં પ્રવેશ છે તેવું સમજાવવું જરૂરી છે. ઋતુસ્રાવ સમયે અડચણ ન પડે તે માટે ગડી પાડેલ ચોખ્ખા રૂ-કાપડની થોકડી (pad) કે યોનિસ્થિત ચૂષક (absorbant) ટેમ્યુન પહેરવામાં આવે છે. સામાજિક રિવાજોને કારણે તે સમય પુરુષ સાથેનો લિંગીય સંસર્ગ અટકાવવામાં આવે છે, પરંતુ તે માટે પૂરતાં તબીબી કારણો નથી એવું ઘણા માને છે. જ્યારે અન્ય કારણોસર ઋતુસ્રાવનો સમય બદલવો જરૂરી હોય ત્યારે તેને મોડો કરવો વધુ સલાહભર્યું ગણાય છે. તે માટે અપેક્ષિત ઋતુસ્રાવના દિવસથી 3થી 6 દિવસ અગાઉ પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનની ગોળીઓ અપાય છે.
મૂકેશ બાવીસી
શિલીન નં. શુક્લ