ઋતુસ્રાવ કષ્ટદાયી

January, 2004

ઋતુસ્રાવ, કષ્ટદાયી (dysmenarrhoea) : દુખાવા સાથે થતો ઋતુસ્રાવ. તેને કષ્ટાર્તવ અથવા દુરઋતુસ્રાવ પણ કહે છે. પહેલાંનાં વર્ષોમાં ઋતુસ્રાવ સમયના દુખાવાનું કારણ નીચલા જનનમાર્ગમાં અવરોધ (obstruction) થાય છે એવું મનાતું હતું. તેથી 1832માં મેકિન્ટોશે ગર્ભાશયગ્રીવા(cervix)ની નલિકાને પહોળી કરીને કેટલાક કિસ્સાઓમાં તેની સફળતાપૂર્વક સારવાર કરી હતી. તેનાં કારણોના અજ્ઞાનને લીધે અંડગ્રંથિ કાઢી નાખવા સુધીની શસ્ત્રક્રિયાઓ સૂચવાઈ હતી. દુખાવાનો અનુભવ વ્યક્તિગત હોય છે અને તેથી તેની તીવ્રતા જાણવી અઘરી બને છે. તે ઉપલા સામાજિક અને આર્થિક વર્ગની બેઠાડુ જીવન જીવતી, આર્થિક મહત્વ ધરાવતી અને દુખાવા માટે ઓછી સહનશીલતા ધરાવતી, સ્ત્રીઓમાં જોવા મળે છે. ઘરે કે કામ કરવાના સ્થળે દુ:ખ હોય, લૈંગિક (sexual) ઇચ્છાઓ અપૂર્ણ રહી હોય, નોકરી છૂટવાનો કે પરીક્ષામાં નિષ્ફળ જવાનો ભય હોય અથવા અન્ય માનસિક તણાવ હોય તો કષ્ટદાયી ઋતુસ્રાવ થાય છે. જોકે તેનું નવસંભાવ્ય પ્રમાણ (incidence) ઘટતું જાય છે. 20 વર્ષથી નાની છોકરીઓમાં કોઈ પણ રોગ ન હોય તોપણ તે થાય છે અને તેને પ્રારંભિક (primary) કષ્ટદાયી ઋતુસ્રાવ કહે છે. મોટી ઉંમરની સ્ત્રીઓમાં તે જનનાંગોના વિવિધ રોગોની સાથે આનુષંગિક (secondary) રૂપે પણ થાય છે.

પ્રારંભિક કષ્ટદાયી ઋતુસ્રાવ : ઋતુસ્રાવઆરંભ(menarche)થી કે આરંભનાં 1-2 વર્ષ પછી ઋતુસ્રાવ-સમયે દુખાવો થાય છે. તેનાં કારણો સમજવા વિવિધ ધારણાઓ (hypothesis) સૂચવવામાં આવેલી છે. પરંતુ તેમાંની એક પણ ધારણા બધા જ દર્દીઓમાં સાચી પુરવાર થાય એમ બન્યું નથી. ઘણા કિસ્સાઓમાં અંદરના અવયવો અલ્પવિકસિત (hypoplastic) હોય છે. ગર્ભાશયના સ્નાયુઓ ઓછા વિકસિત હોય છે અને તે ઘણી વખત આગળ કે પાછળ વળી જાય છે (ante or retroflexion), અથવા તે અપવિકસિત (maldeveloped) પણ હોય છે. તે દુખાવાનું કારણ હોવાનું મનાય છે. કેટલાક કિસ્સાઓમાં પ્રોજેસ્ટેરોનની અધિકતાને કારણે ગર્ભાશયની અંદરની દીવાલ વધુ પડતી જાડી થઈ જાય છે અને ગર્ભાશયનાં આકુંચનો (contractions) અનિયમિત બને છે; તેથી દુખાવો ઊપડે છે. કેટલાક દર્દીઓમાં માનસિક કારણો, સ્થાનિક પૂર્વત્રિકાસ્થિ ચેતાશોથ (presacral neuritis) અથવા કલામય (membranous) કષ્ટદાયી ઋતુસ્રાવના દર્દીમાં ગર્ભાશયી અંત:કલા(endo-metrium)ના નાના ટુકડા બહાર નીકળવાને કારણે દુખાવો ઊપડે છે એવું મનાય છે. જોકે મોટાભાગના કિસ્સાઓમાં અલ્પવિકસિત ગર્ભાશય અને માનસિક તણાવ તો જોવા મળે જ છે. ક્યારેક લોહીના ગઠ્ઠા કે ગર્ભાશયમાંનો કોઈ બાહ્ય પદાર્થ પણ દુખાવો કરે છે. દુખાવાની તીવ્રતા 18-24 વર્ષની વયે સૌથી વધુ હોય છે અને 30 વર્ષની ઉંમરે કે પ્રથમ સગર્ભાવસ્થા પછી તે શમી જાય છે. દુખાવો ઋતુસ્રાવના થોડા કલાક પહેલાં કે આગલે દિવસે શરૂ થઈને પ્રથમ દિવસે વધી જાય છે તથા તે પછી ઘટે છે. ઋતુસ્રાવના 45 દિવસ અગાઉનો દુખાવો આનુષંગિક પ્રકારનો હોય છે. ક્યારેક ઉબકા અને ઊલટી થાય છે. ફીકાશ તથા પરસેવો થાય છે. પેટના નીચલા ભાગમાં ચૂંક ઊપડે છે અથવા કમરના પાછલા-નીચલા ભાગમાં સતત પીડા થાય છે. અલ્પવિકસિત ગર્ભાશયને કારણે ઋતુસ્રાવનું પ્રમાણ ઓછું હોય છે.

સ્ત્રીઓનું પ્રજનનતંત્ર : (1) યોનિદ્વારપટલ, (2) યોનિ, (3) ગર્ભાશયગ્રીવા, (4) ગર્ભાશય, (5) ગર્ભાશયાંત: કલા, (6) અંડનળી, (7) અંડગ્રંથિ, (8) આદિપુટિકા, (9) ગ્રાફિયન પુટિકા, (10) અંડકોષમોચન, (11) અંડકોશ, (12) પીતપિંડ

સારવાર રૂપે પોષક ખોરાક, કબજિયાત હોય તો જુલાબ, રોજિંદા કામ કરવા માટે પ્રોત્સાહન, એસ્પેરીન જેવા પીડાનાશકો, ચૂંકરોધી (antispasmodic) દવાઓ, અંડગ્રંથિમાંથી અંડકોષ છૂટું પડતું રોકવા ગર્ભનિરોધક ગોળીઓ (અંત:સ્રાવી સારવાર), મનશ્ચિકિત્સા વગેરેનો પ્રયોગ થાય છે. કેટલાક કિસ્સામાં ગર્ભાશયગ્રીવાની નલિકા પહોળી કરવાની, પૂર્વત્રિકાસ્થિ ચેતાને કાપવાની કે પાછળ વળી ગયેલા ગર્ભાશયને આગળની બાજુ વાળવાની શસ્ત્રક્રિયા સૂચવાય છે.

આનુષંગિક કષ્ટદાયી ઋતુસ્રાવ : જનનાંગો અને શ્રોણિ(pelvis)ના રોગોને કારણે ગર્ભાશયી અંત:કલામાં લોહીનો ભરાવો (congestion) થાય છે અને તે ઋતુસ્રાવ થવાના લગભગ 1 અઠવાડિયાથી પેટ કે કમરના પાછલા ભાગમાં ધીમો અને સતત દુખાવો કરે છે. શ્રોણિમાં થયેલી ગાંઠ, શ્રોણીય ચેપ, ગ્રંથિસ્નાયુતા (adenomyosis), ગર્ભાશયી અંત:કલા વિસ્થાન(endometriosis), અંડનળીઅંડગ્રંથિશોથ (salpingo-oopheritis) જેવા વિવિધ રોગો દુખાવો ઉત્પન્ન કરે છે. પીડાકારક મૂળ રોગની સારવાર ઉપયોગી રહે છે.

શિલીન નં. શુક્લ

કલ્પના દવે