ઋતુસંહાર : મહાકવિ કાલિદાસરચિત ઊર્મિકાવ્ય. તેના છ સર્ગોમાં કુલ 144 શ્લોકો છે. તેમાં અનુક્રમે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એ છ ઋતુઓનું સુંદર કવિત્વમય વર્ણન પ્રાપ્ત થાય છે. વિભિન્ન ઋતુચિત્રોનો આ આલેખ પ્રકૃતિની માનવમન ઉપર થતી અસર વ્યક્ત કરે છે, જેમાં સૃષ્ટિસૌંદર્ય અને માનવહૃદયની ઊર્મિઓનું સુભગ સંયોજન સધાયું છે. વિવિધ ઋતુઓનો પ્રભાવ કવિએ જુદી જુદી કવિયુક્તિઓ યોજીને નિરૂપ્યો છે અને તેમાં શૃંગારરસનો ક્રમિક પરિપોષ સાધી વસંતમાં પરાકાષ્ઠા વર્ણવી છે. તેનાં પ્રકૃતિચિત્રો અત્યંત રૂઢ ને પ્રચલિત હોવા છતાં, તેમાં જણાતી નિરીક્ષણની તાજગી તથા કવિનો પ્રકૃતિપ્રેમ રોજિંદી ઘટનાને અસાધારણ સૌંદર્ય બક્ષે છે.
તપસ્વી નાન્દી