ઋતુમૂર્તિ : મલયાળમ નાટક. મલયાળમ નાટ્યકાર અને કવિ એમ. પી. ભટ્ટતિરિપાદે (જ. 1908) આ નાટક વીસમી સદીના પાંચમા દાયકામાં રચ્યું હતું. સામાજિક પ્રશ્નો ચર્ચતાં આધુનિક મલયાળમ નાટકોમાં તે અગ્રગણ્ય છે. નિર્દય સામાજિક પરંપરાએ લાદેલા કુરિવાજોની ભીંસમાં પિલાતી નામ્બુદિરિ સ્ત્રીઓની કરુણ દુર્દશાનું તેમાં તાશ ચિત્ર છે. નામ્બુદિરિ કન્યા વયમાં આવતાં ઋતુમતિ-રજસ્વલા થતી ત્યારે તેમને ઘરની બહાર કે કોઈને મળવા જવા દેવામાં આવતી નહોતી. ઘરની ચાર દીવાલો વચ્ચે તેમને બળજબરીથી કેદીની માફક પુરાઈ રહેવું પડતું. પડદાની અંદરના નરકને સર્જતી આ કુપ્રથાનું હૃદયભેદક ચિત્ર સામાજિક ક્રાંતિનું પ્રેરક બન્યું. રંગભૂમિ પર ભજવાતા આ નાટકે સમાજમાં હાહાકાર સર્જ્યો હતો.

અક્કવુર નારાયણન્