ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર, 4. ટર્મિસ બૅન્ગ્લોરેન્સિર, 5. ટર્મિસ આસામેન્સિસ વગેરે. ટર્મિટિડી કુળ ઉપરાંત ઊધઈમાં બીજાં બે મુખ્ય કુળો છે – કેલોટર્મિટિડી (સૂકા લાકડાને કોરતી ઊધઈ) અને રહાઇનોટર્મિટિડી (ભૂગર્ભીય અને રાફડો બનાવતી ઊધઈ).

ખેતીપાક, જંગલનાં સૂકાં કે લીલાં લાકડાં તેમજ તેમની બનાવટોને નુકસાન પહોંચાડનાર ઊધઈ સંઘજીવી (social) અને બહુજીવી (polymorphic) છે. તે રંગે પીળાશ પડતી સફેદ હોય છે અને અપૂર્ણ રૂપાન્તરણ(incomplete metamorphosis)થી જીવન-વિકાસ સાધે છે. ઊધઈની વસાહતમાં નર, માદા ઉપરાંત રક્ષકો અને શ્રમિકો(soldiers and workers)ની જાતો જોવા મળે છે. આમાં માત્ર નર અને માદા જ પ્રજનનક્ષમતા ધરાવે છે. રક્ષક અને શ્રમિક વંધ્ય અગર અક્રિયાશીલ પ્રજનન-અંગો ધરાવે છે. નર અને માદા ઊધઈમાં શીર્ષ મોટું, સ્પર્શકો (antennae) ટૂંકા અને આંખો સંયુક્ત હોય છે. વંધ્ય પ્રાણીઓમાં આંખો હોય તો તે સાદાં નેત્રકો (ocelli) રૂપે હોય છે. રક્ષકમાં અધોજમ્ભ (Mandibles) મોટા અને મજબૂત હોય છે, જ્યારે શ્રમિકોમાં તે ટૂંકા હોય છે.

શીર્ષ અને મુખાંગો : શીર્ષના ભાગમાં આંખ, સ્પર્શક અને ચાર જોડ મુખાંગો હોય છે, જે મુખ્યત્વે કરડીને ટુકડા કરવા માટે વિકસેલા હોય છે. પૃષ્ઠ ઓષ્ઠ (labrum) પૃષ્ઠ ભાગમાં આવેલું ફલક જેવું અંગ છે. અધોજમ્ભ (mandible) જાડા કાયટિનના બનેલા છે, જે તેની દંતુરિત સપાટી મારફત ખોરાકને કાપી ભરડી ભૂકો કરે છે. પ્રથમ જમ્ભ સંવેદી હોઈ ખોરાકને ઓળખવામાં અને તેને પકડી અધોજમ્ભ પાસે લાવવામાં મદદ કરે છે. તેનો જમ્ભમૃષ (maxillary palp) પાંચ વેઢાવાળો હોઈ, તેના છેડા સંવેદી છે. વક્ષજમ્ભ(labium)ની જોડ વક્ષભાગમાં એકબીજા સાથે ચુસ્ત જોડાઈ પાતળા ફલક જેવી રચના કરે છે. આ ફલકને અગ્રચિબુક (prementum), ચિબુક (mentum) અને અધોચિબુક (sub mentum) તરીકે ઓળખવામાં આવે છે. અગ્રચિબુકમાંથી સંવેદશીલ જિહિવકા અને પરજિહિવકા (glossa and paraglossa) નામનાં અંગો વિકસેલાં હોય છે. ચિબુકના ભાગમાંથી ત્રણ વેઢાવાળું વક્ષજમ્ભમૃષ નીકળે છે. આ વક્ષજમ્ભની સપાટી ઉપર કંઠનળીમાંથી ઊપસેલો નળાકાર ભાગ જોવા મળે છે, જેને અધોજિહવા (hypopharynx) કહે છે. સુવિકસિત લાળગ્રંથિની નલિકા અને સંગ્રહાશય અધોજિહવામાં ખૂલે છે.

ઉરસ : ત્રણ ખંડોનું બનેલું હોય છે – અગ્ર ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ર્ચ ઉરસ (prothorax, mesothorax and metathorax). અગ્ર ઉરસ શીર્ષપ્રદેશ કરતાં સહેજ સાંકડું હોય છે અને તેની સાથે હાલી શકે તેમ જોડાયેલું હોય છે. મધ્ય અને પશ્ચ ઉરસ પ્રદેશો પહોળા હોય છે. આ ત્રણેય ખંડોમાંથી ચલન-પાદ(locomotary/walking legs)ની એક એક જોડ નીકળે છે. દરેક પગની પહેલી કડી, જે કક્ષ (coxa) તરીકે ઓળખાય છે તે, મજબૂત હોય છે. માત્ર પ્રજનન-શક્તિ ધરાવનાર નર અને માદા સંવનનકાળ દરમિયાન બેજોડ પાંખો ધરાવે છે, જે એકસરખી (સમપક્ષી) અને થોડો સમય ટકનારી (ભંગુરપક્ષ) હોય છે.

ઉદર : ઉદરપ્રદેશ 10 ખંડોવાળો બહિર્ગોળ હોય છે. તેનો પશ્ચ પ્રદેશ અલ્પવિકસિત હોય છે. પુચ્છ શૂળો (anal cerci) ટૂંકાં હોય છે. પ્રજનનશક્તિ ધરાવનાર ઊધઈના ઉદરમાં જ પ્રજનન-અંગો વિકાસ પામે છે. વંધ્ય ઊધઈમાં પ્રજનન-અંગો હોતાં નથી અગર અણવિકસિત હોય છે.

પોષણ : દરેક પ્રકારનું લાકડું, વનસ્પતિનાં તમામ અંગો, ઘાસ-ઢોરનું છાણ વગેરે પદાર્થોમાંથી ઊધઈ પોષણ-તત્વો મેળવે છે. ઊધઈના આંતરડામાં સહજીવી જીવન વિતાવતા પ્રજીવો અગર બૅક્ટેરિયાની મદદથી વનસ્પતિ કે કાષ્ઠમાં રહેલા સેલ્યુલોઝ અગર લિગ્નિનનું ગ્લુકોઝમાં રૂપાન્તર કરવું ઊધઈને માટે શક્ય બને છે. ટર્મિટિડી કુળની ઊધઈમાં પ્રજીવોને બદલે સહજીવી બૅક્ટેરિયા સેલ્યુલોઝ વગેરેનું પાચન શક્ય બનાવે છે. ઊધઈ હંમેશાં અંધારામાં જ રહેવાનું પસંદ કરતી હોઈ શ્રમિક ઊધઈ ખોરાક મેળવવા માટે બહાર જવું હોય ત્યારે પણ માટીની નળીઓ બનાવી તેમાંથી અવર-જવર કરે છે. આથી ઘરમાં ભીંત ઉપર કે ઝાડના થડ ઉપર આવી નળીઓ (ભૂંગળીઓ) ઘણી વાર જોવા મળે છે.

ઊધઈના રાફડા : ઊધઈની કેટલીક જાતો જમીનની અંદર માળા (Nest) જેવા રાફડા બનાવે છે, જે બહારથી જોઈ શકાતા નથી. કેટલીક જાતો જુદા જુદા આકાર અને કદના રાફડા જમીન ઉપર બનાવે છે. આફ્રિકામાં ઊધઈના રાફડા 9 મીટર ઊંચા પણ જોવા મળે છે. રાફડામાં નાનામોટા ખંડો હોય છે; ખાસ પ્રકારની ગુહાઓ પણ હોય છે; જેમકે, રાજા અને રાણી માટે ‘શાહી ખંડ’ (Royal Chamber), ઈંડાં અને શિશુ(nymph)ના ઉછેર માટે બાહ્યગૃહો (nurseries) તથા આહારયોગ્ય ફૂગના ઉછેર માટે ફૂગના બગીચાઓ (fungus gardens) વગેરે. જમીન ઉપરના રાફડાની રચના વરસાદના સીધા પાણીથી રક્ષણ મળે તેવી રીતની બનાવવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં સૂર્યકિરણોને અનુલક્ષીને રાફડાની પહોળી કે સાંકડી બાજુ નક્કી કરી રાફડા બંધાય છે. જુદી જુદી પ્રજાતિની ઊધઈ તેની લાક્ષણિકતા મુજબના રાફડા (termite moulds) તૈયાર કરે છે. આ રાફડા બનાવનાર શ્રમિકો મોટેભાગે અંધ હોય છે અને ખુલ્લામાં આવ્યા સિવાય અંદર રહી વિશિષ્ટ આકાર અને કદના રાફડા રચે છે. માનવજાતને માટે આવી રીતે સ્થાપત્ય તૈયાર કરવું શક્ય બન્યું નથી. રાફડામાં વપરાયેલી માટી કરતાં રાફડો બન્યા પછીની માટી ઘણી મજબૂત હોય છે; કારણ કે, માટીમાં ઊધઈની ગ્રંથિઓનો સ્રાવ પણ ભળેલો હોય છે.

ઊધઈની જાતો : અ. રાણી; આ. પુખ્ત (જનક) માદા – પાંખો સાથે; ઇ અને ઈ. રક્ષક; ઉ અને ઊ. શ્રમિક; ઋ. રક્ષક (નાસુટી)

નાસુટીટર્મિસ (Nasute-termes) : આ પ્રજાતિની ઊધઈમાં શીર્ષના ર્દઢકો (sclerides) આગળ લંબાઈને નાકના જેવું નાળચું બનાવે છે. બીજી વિશિષ્ટતા એ છે કે તે ઝાડ ઉપર ડાળીઓથી બનતા ખૂણામાં મોટેભાગે ગોળ માળા બનાવે છે. લાકડું કોરી ખાઈને બહારની સપાટી પાતળી અને ભૂકો થઈ જાય તેવી બરડ બનાવી દે છે. ત્રિનિદાદમાં નાસુટીટર્મિસ ઊધઈ ઘાસનાં મેદાનોમાં જમીન પર માળા બનાવે છે.

રાફડામાં સહજીવન : ઊધઈના રાફડા બીજાં પ્રાણીઓને રાફડાની અંદર કે બહારની દીવાલમાં આશ્રયસ્થાન પૂરું પાડે છે. રાફડાની અંદર તમરાં (beetles), મોલો (એફિડ-Aphids), માખી, આઇસોપોડ્સ, કોલેમ્બોલા, થાઇસેન્યુરા (શ્રેણીનાં પ્રાણીઓ), કાનખજૂરા, છછુંદર, ગરોળી, ઉંદર, નોળિયો, વંદા, વીંછી વગેરે સહજીવી (symbotic) તરીકે જીવન વિતાવે છે. બહારની બાજુમાં રાફડાનાં નાનાંમોટાં પોલાણોમાં વિવિધ પક્ષીઓ કે કાચિંડા આશ્રયસ્થાન પામે છે. આ પ્રાણીઓ રાફડાની અંદરના ઊધઈનાં ઈંડાં અને બચ્ચાંનું ભક્ષણ કરી નભતાં હોય છે.

ઊધઈનું જીવનચક્ર : ઊધઈમાં મોટાભાગનાં બચ્ચાં વંધ્ય અને શ્રમિક તરીકે વિકાસ પામી શ્રમજીવી જીવન વિતાવે છે; થોડાંકનો વિકાસ રક્ષકો તરીકે થાય છે. રાફડામાં શ્રમિકો અને રક્ષકોની સંખ્યા સારા એવા પ્રમાણમાં ઉત્પન્ન થયા બાદ રાફડામાં વિકસતાં કેટલાંક બચ્ચાં ખાસ પ્રકારનો ખોરાક તથા ફેરોમોન્સની અસર હેઠળ બદામી રંગની એકસરખી બે જોડ પાંખોવાળાં કુંવર-કુંવરીમાં વિકસે છે. ચોમાસાનો પ્રથમ સારો વરસાદ થતાં સંધ્યાસમયે જમીનમાંથી મોટી સંખ્યામાં કુંવર-કુંવરી (નર-માદા) બહાર આવી બત્તીની આજુબાજુ ઊડતાં જોવા મળે છે. ક્યારેક રાત્રે વરસાદ પડ્યા બાદ સવારે પાંખોવાળી નર-માદા ઊધઈ મોટી સંખ્યામાં હવામાં ઊડતી જોવા મળે છે. પક્ષીઓ અને કાચિંડા વગેરેને તેથી સુલભ આહાર મળી જાય છે. બચી ગયેલી નર-માદા ઊધઈમાં થોડા સમયના ઉડ્ડયન પછી પાંખો ખરી પડે છે અને નર-માદાની જોડી બનાવી જમીનમાં પ્રવેશ કરે છે અને પ્રજનન શરૂ કરે છે. માદા શરૂઆતમાં અફલિત અંડ મૂકે છે; જેમાંથી શ્રમિકો પેદા થાય છે. ઈંડાંમાંથી પંદરેક દિવસમાં સેવન બાદ બચ્ચાં નીકળે છે; જેમને રાજા-રાણી ખોરાક ખવરાવી ઉછેરે છે. બચ્ચાંમાંથી મોટાભાગનાં શ્રમિકો અને થોડાંક રક્ષકોમાં પરિણમે છે. આ જાતિઓ વંધ્ય અને પાંખો વિનાની (sterile and apterous races) હોય છે. રાફડાના શાહી ખંડમાં રાજા-રાણીની પ્રજનન એ જ પ્રવૃત્તિ હોય છે. આમ છતાં રાફડાની સમગ્ર વસ્તી ઉપર રાણીનું નિયંત્રણ રહે છે. રાણીનું શરીર તેના શરીરમાં પ્રજનન-અવયવોનો વિકાસ થતાં અનેકગણું વિસ્તૃત બને છે. પુખ્ત રાણીનું શરીર 5થી 8 સેમી. લાંબું અને 1 સેમી. જેટલું જાડું થાય છે. રાણીના શરીરમાં લાખોની સંખ્યામાં ઈંડાં વિકસે છે, જેમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો પેદા થાય છે અને રાફડાની કામગીરીનું કાર્ય ઉપાડી લે છે. રાફડામાં રક્ષક કરતા રક્ષકોમાં મુખ્ય બે પ્રકારો જોવા મળે છે. એક પ્રકારમાં રક્ષકોનાં જડબાં (અધોહનુ) મોટાં અને મજબૂત હોય છે. બીજા પ્રકારમાં રક્ષકોના શિરનો મધ્યભાગ લંબાઈને સૂંઢ જેવો બનેલો હોય છે. પહેલા પ્રકારના રક્ષકો જડબાંની મદદથી અથવા દુર્ગંધવાળું પ્રવાહી બહાર કાઢી (repellant) દુશ્મનને આવતાં અટકાવે છે. બીજા પ્રકારના સૂંઢવાળા રક્ષકો રાફડાની દીવાલમાં પડેલાં છિદ્રોમાં પોતાનું અણીદાર માથું નાખી છિદ્રો પૂરી દુશ્મનને રાફડામાં પ્રવેશતાં અટકાવે છે. શ્રમિકો રાણીએ મૂકેલાં ઈંડાં યોગ્ય જગ્યાએ ખસેડવાનું, બચ્ચાંની માવજત રાખવાનું તથા બચ્ચાં, રાણી અને રાજાને યોગ્ય ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તેઓ રાફડાની સફાઈ પણ રાખે છે.

ભૌગોલિક વહેંચણી : ઉત્તર અને દક્ષિણ ધ્રુવના અતિશીત પ્રદેશો સિવાય બધા પ્રદેશોમાં ઊધઈ જોવા મળે છે. ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં તે વધુ પ્રમાણમાં પ્રસરેલી હોય છે. આફ્રિકામાં તે સવિશેષ જોવા મળે છે. ટર્મિટિડી કુળની ઊધઈ મુખ્યત્વે ભારત, દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રદેશો અને આફ્રિકામાં થાય છે. ભારતમાં 270 જેટલી ઊધઈની જાતો જોવા મળે છે. તે પૈકી 30થી 40 જાતની ઊધઈ ખેતી, માનવીય રહેઠાણો તેમજ લાકડાંની બનાવટોને નુકસાન પહોંચાડે છે. તેમાંથી એન્ડોટર્મિસ મેક્રોટર્મિસ અને માઇક્રોટર્મિસ કુળની ઊધઈ રાફડામાં ફૂગનો ઉછેર કરે છે. તે માટે રાફડામાં તે ખાસ ખંડો (galleries & chambers) બાંધે છે. આ ઉપરાંત ઉષ્ણકટિબંધના ટાપુઓમાં તેમજ દરિયાકાંઠાના પ્રદેશોમાં ક્રિપ્ટોટર્મિસ અને ઑસ્ટ્રેલિયા, ચીન, ઇન્ડોનેશિયા અને અમેરિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં હેટરોટર્મિસ, કોપોટર્મિસ વગેરે પ્રજાતિની ઊધઈ સવિશેષ જોવા મળે છે.

ઊધઈનું નિયંત્રણ : ખેતી, માનવ-વસવાટ, વન-પર્યાવરણ વગેરે ક્ષેત્રોમાં ઊધઈ દ્વારા અપાર નુકસાન થતું હોવાથી તેના નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવાં પડે છે. જમીન ઉપર રાફડા બાંધતી ઊધઈનો નાશ કરવા રાફડા શોધી કાઢી, તેમના ઉપરનો ભાગ તોડી નાંખી, તેમના દેખાતાં કાણાંની જગ્યાએ મોટું કાણું પાડી કાર્બન ડાઇસલ્ફાઇડ, ક્લોરોફૉર્મ કે પેટ્રોલ જેવા વાયુરૂપી ઝેરને રાફડા દીઠ 250થી 400 મિલી. રેડી રાફડા બંધ કરી દેવાથી રાણી, રાજા અને બીજી બધી ઊધઈ નાશ પામે છે. મિથાઇલ બ્રોમાઇડ જેવા ઝેરથી ભરેલી નાની કાચની શીશીઓ રાફડામાં મૂક્યા પછી, તેને ભાંગી નાંખવાથી ઊધઈનો અસરકારક રીતે નાશ થઈ શકે છે. ઑર્ગેનો ક્લોરિન કંપાઉન્ડ ગ્રૂપના રાસાયણિક જંતુનાશકો પૈકી એન્ડ્રિન 0.03 %, આલ્ડ્રિન 0.05 %, ક્લોરડેન 1.0 %, ડીડીટી 0.2 %, બીએચસી 0.06 %થી 0.125 %, 0.2 % ડીલડ્રિનમાંથી કોઈ 10થી 20 લિટર જેટલા પ્રમાણમાં પાણીમાં ભેળવી રાફડામાં રેડવાથી પણ ઊધઈનો નાશ થાય છે.

જમીનની અંદર રાફડા બાંધનાર ઊધઈનો નાશ કરવો મુશ્કેલ હોય છે; કારણ કે તેના રાફડા શોધી કાઢવા મુશ્કેલ હોય છે. એક તો ઊધઈનાં ભૂગર્ભીય રહેઠાણ સેંકડો મીટર સુધી જમીનમાં ફેલાયેલાં હોય છે. કેટલીક જાતિઓમાં રાજા-રાણીના ખંડો 15 મીટરથી વધુ ઊંડાઈ સુધી જોવા મળે છે. રાજા-રાણીના ખંડોનો આમ નાશ કરવો મુશ્કેલ છે જ, તે ઉપરાંત રાજા-રાણીનો કોઈ ઉપાયે નાશ થાય તો ઊધઈના રાફડામાં સ્યુડરગેટ્સ જેવાં ડિમ્ભોમાંથી, પરિસ્થિતિ મુજબ નવાં રાજા-રાણી ઉત્પન્ન કરવાની ક્ષમતા ઊધઈમાં છે જ. આ જ કારણથી ઊધઈનું નિર્મૂલન કરવું અશક્ય નહિ તો કપરું તો છે જ.

ઊધઈના પ્રકાર અને જે વસ્તુનું ઊધઈ સામે રક્ષણ મેળવવાનું હોય તેને અનુરૂપ ઉપાયો યોજવા પડે છે; જેમ કે –

1. ફળઝાડની વાડીઓ માટે નવું વાવેતર કરતાં પહેલાં ખાડાઓમાં 0.2 % ડીલડ્રિન અથવા ક્રૂડ-ઑઇલ અને થોડુંક આર્સેનિક માટી સાથે ભેળવી રોપા રોપવાથી ઊધઈ સામે રક્ષણ મળે છે.

2. 1 % ડીલડ્રિનનું દ્રાવણ વૃક્ષોના છોડ ઉપર છાંટવાથી ઊધઈ સામે રક્ષણ મળે છે.

3. 0.5 % ડીલડ્રિન સિંચાઈ વખતે પાણી સાથે આપવાથી મૂળનું ઊધઈ સામે રક્ષણ થાય છે.

4. મકાનોમાં થતા ઊધઈના ઉપદ્રવ માટે મકાન બાંધતી વખતે પાયામાં અને ત્યારબાદ ફ્લોરિંગ પહેલાં 2થી 3 ફીટની ઊંડાઈ સુધી આલ્ડ્રિન કે ડીલડ્રિન પાણી સાથે ભેળવી ખાડાઓમાં નાંખવાથી ઊધઈનું નિયંત્રણ થાય છે. આ દવાની અસર તેની સાંદ્રતા મુજબ રહે છે. ગૅમેક્સિન અને ડીલડ્રિનનું મિશ્રણ પણ વાપરી શકાય છે.

5. કબાટ, અભરાઈ વગેરે ઉપર દર અઠવાડિયે ગૅમેક્સિન કે બીએચસીની બનાવટ છાંટવાથી પણ ઊધઈનું નિયંત્રણ થાય છે. 0.5 % BHC અને ડીલડ્રિન છાંટવાથી ઊધઈની ગૅલરી(ટનલ)નો નાશ થઈ શકે છે.

પરબતભાઈ ખી. બોરડ

બી. એચ. પટેલ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

રાવજીભાઈ છોટાભાઈ પટેલ

જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ

રા. ય. ગુપ્તે