ઊ થાં (U Thant) (જ. 22 જાન્યુઆરી 1909, પૅન્ટાનો; અ. 25 નવેમ્બર 1974, ન્યૂયૉર્ક સિટી) : મ્યાનમારના મુત્સદ્દી, બૌદ્ધ ધર્મના સંનિષ્ઠ અનુયાયી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના ત્રીજા મહામંત્રી (1962-71). રંગૂન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન દેશના પછી થનાર પંતપ્રધાન ઊ નુ સાથે પરિચય. પિતાના મૃત્યુને લીધે અભ્યાસ અધૂરો મૂકીને 1928માં પોતાના વતનમાં અંગ્રેજી અને ઇતિહાસના શિક્ષક થયા. 1931માં તે જ શાળાના મુખ્ય શિક્ષક નિમાયા. વૃત્તપત્રો માટે રાજકીય હેવાલ લખવાની શરૂઆત આ અરસામાં કરી. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન મ્યાનમાર પર જાપાનનો કબજો થયા પછી 1942માં દેશની શિક્ષણવ્યવસ્થાની પુનર્રચના કરવા માટે લશ્કરી શાસકોએ નીમેલી સમિતિના મંત્રીપદે નિમાયા. 1943-47 દરમિયાન ફરી શાળાના મુખ્ય શિક્ષક બન્યા. દેશની સ્વાધીનતા ચળવળના બે અગ્રગણ્ય નેતાઓ ઊ નુ તથા જનરલ ઑગસાનના સૂચનથી સરકારી નોકરીમાં જોડાયા. 1947માં ડિરેક્ટર ઑવ્ પ્રેસ, 1948માં આકાશવાણીના નિયામક તથા 1949માં માહિતીખાતાના મંત્રીપદે કાર્ય કર્યું. 1952-53 દરમિયાન રાષ્ટ્રસંઘમાં દેશના પ્રતિનિધિ તરીકેની ફરજો અદા કરી. 1953-57 દરમિયાન તેમના દેશના પંતપ્રધાન ઊ નુના સચિવપદે કાર્ય કર્યું. 1957માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મ્યાનમારના કાયમી પ્રતિનિધિ નિમાયા. 1959માં રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના ઉપાધ્યક્ષપદે ચૂંટાયા.

ઊ થાં

રાષ્ટ્રસંઘના મહામંત્રી દાગ હૅમરશોલ્ડનું અકસ્માતમાં મૃત્યુ થતાં નવેમ્બર 1961માં ઊ થાં તે સંસ્થાના કાર્યકારી મહામંત્રી તથા નવેમ્બર 1962માં કાયમી મહામંત્રીના પદે નિમાયા. ડિસેમ્બર, 1966માં આ પદે પાંચ વર્ષ માટે તેમની ફરી વરણી થઈ. 1971ના અંતમાં આ પદ પરથી નિવૃત્ત થયા. રાષ્ટ્રસંઘના મહામંત્રીપદ પર નિમાયેલા તેઓ પ્રથમ એશિયાવાસી હતા. સંસ્થાના ઇતિહાસના અત્યંત કપરા સમયે તેઓ સંસ્થાને ટકાવી રાખવામાં તથા કેટલીક જટિલ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલની શોધ દરમિયાન કુશળ નેતૃત્વ પૂરું પાડવામાં તેમણે દાખવેલી કુનેહ તથા દીર્ઘર્દષ્ટિ તેમને ચિરસ્મરણીય બનાવે છે. ક્યૂબામાં રશિયાની મિસાઇલો ઉતારવાથી સર્જાયેલ કટોકટી (1962), કૉંગોમાં આંતરવિગ્રહની કટોકટી (1963), સાયપ્રસનો આંતરવિગ્રહ (1964), ભારત-પાકિસ્તાન યુદ્ધ (1965) વગેરે પ્રસંગો તેનાં ર્દષ્ટાંતો છે. 1973માં તેઓ વર્લ્ડ ફેડરેશન ઑવ્ યુનાઇટેડ નૅશન્સ ઍસોસિયેશનના પ્રમુખ ચૂંટાયા.

1974માં ન્યૂયૉર્ક ખાતે તેમનું અવસાન થયા પછી તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર અંગે દેશની સરકાર અને વિદ્યાર્થીવર્ગ વચ્ચે તીવ્ર સંઘર્ષ થયો. દેશમાં વ્યાપક તોફાનો થયાં, માર્શલ લૉ જાહેર કરાયો અને ઘણા મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ થઈ.

વિકાસશીલ દેશોના વિકાસની આગેકૂચ તથા સામાજિક ન્યાયની સમસ્યાઓની બાબતમાં તેમણે સક્રિય રસ લીધો હતો. તેઓ ઊંડી ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા.

પોતાની ભાષામાં તેમણે લખેલા ગ્રંથોમાં ‘હિસ્ટ્રી ઑવ્ સિટીઝ’, ‘ધ લીગ ઑવ્ નૅશન્સ’, ‘બર્માની શિક્ષણવ્યવસ્થા’, ‘બીજા વિશ્વયુદ્ધ પછીનો દેશનો ઇતિહાસ’ (ત્રણ ખંડ), ‘ટોવર્ડ વર્લ્ડ પીસ’, ‘વ્યૂ ફ્રૉમ ધ યુનાઇટેડ નૅશન્સ’ મુખ્ય છે. આમાંનું છેલ્લું પુસ્તક તેમના અવસાન પછી 1978માં પ્રકાશિત થયું હતું. તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકેના તેમનાં અનુભવો તથા સંસ્મરણો અંકિત થયાં છે. ઉપરાંત 1957-63 દરમિયાન તેમણે આપેલાં વ્યાખ્યાનો તથા લખેલા નિબંધો પણ ગ્રંથસ્થ થયેલાં છે.

1949માં ચીનની નવી સરકારને માન્યતા આપનાર બ્રહ્મદેશ વિશ્વનો પ્રથમ બિનસામ્યવાદી દેશ હતો. આ નિર્ણયમાં ઊ થાંની ભૂમિકા અગત્યની રહી હતી તેમ મનાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે