ઊંધાફૂલી : દ્વિદળી વર્ગમાં આવેલા બોરેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trichodesma indicum R. Br. (સં. અવાંકપુષ્પી, અધ:પુષ્પી, રોમાલુ; હિ. અંધાહુલી, ધ્વેટા કુલ્ફા, રત્મંડી; મ. છોટા ફુલવા; ગુ. ઊંધાફૂલી) છે.
ગુજરાતમાં Trichodesmaની ચાર જાતિઓ મળી આવે છે. ગુજરાતના પ્રખ્યાત વનસ્પતિવિદ જયકૃષ્ણ ઇંદ્રજીએ T. africanum R. Br. ફક્ત કચ્છમાં મળતી હોવાનું નોંધ્યું છે. જી. એલ. શાહ અને સૂર્યનારાયણે T. sedgwickianum Banerjee ડાંગમાંથી, T. zeylanicum R. Br. અને T. indicum R. Br. સપાટ ખેતરોમાંથી મળી આવતી હોવાનું નોંધ્યું છે.
તે ભારતના ઘણાખરા પ્રદેશોમાં અને હિમાલયમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળતી ઢલોમી (hispid), ટટ્ટાર અથવા ભૂપ્રસારી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના છોડ ચોમાસામાં 30 સેમી.થી 60 સેમી. પથરાતા હોય છે. તેનાં પર્ણો વિવિધ આકારનાં, સામાન્યત: અદંડી અને તલભાગેથી અર્ધ-પરિસ્તંભી (semi-amplexicaul) અથવા હૃદયાકાર (cordate), 2.5 સેમી.થી 10 સેમી. લાંબાં અને 0.6 સેમી.થી 5.0 સેમી. પહોળાં હોય છે. તેની ઉપરની સપાટી ર્દઢ લોમો વડે આવરિત હોય છે. પુષ્પો આછાં વાદળી, ગુલાબી કે સફેદ રંગમાં પરિવર્તન પામતાં, એકાકી અને કક્ષીય દંડ વડે ઊંધાં લટકતાં હોય છે. પુંકેસરોનાં પરાગાશયો શંકુ-આકારે પરાગાસનને ઘેરી વળે છે. ફળ પિરામિડીય, 4-શિરાઓવાળું અને વર્ધનશીલ વજ્ર વડે આવરિત હોય છે. કાષ્ઠફલિકાઓ (nutlets) 4 હોય છે. પ્રત્યેક કાષ્ઠફલિકા એકબીજમય હોય છે.
આ જાતિ આર્થિક હેતુઓ માટે T. sedgwickianum syn. T. amplexicauleથી ઓળખવી મુશ્કેલ છે; કેમ કે, બંનેનાં સ્થાનિક નામો સરખાં હોય છે.
તેનાં પર્ણો અને પુષ્પો ખાદ્ય છે. છોડ પ્રશાંતક (emollient) અને મૂત્રલ ગુણધર્મો ધરાવે છે અને પ્રશાંતક પોટીસ બનાવવામાં ઉપયોગી છે. મૃતગર્ભના નિકાલ માટે વૈદ્યો તેની ભલામણ કરે છે. તે સર્પવિષમાં ઉપયોગી છે. પર્ણોનો આસવ વિશોધક (depunative) ગણાય છે. મૂળને કચરીને બનાવેલો મલમ સાંધાઓના સોજા ઉપર લગાડવામાં આવે છે. મૂળનો ઉપયોગ મરડા અને તાવમાં પણ થાય છે. પુષ્પો સ્વેદજનક (sudorific) તરીકે વપરાય છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
શોભન વસાણી
બળદેવભાઈ પટેલ