ઋક્ પ્રાતિશાખ્ય

January, 2004

ઋક્ પ્રાતિશાખ્ય : ઋગ્વેદના ઉચ્ચારણ ઇત્યાદિના નિયમોને લગતો વ્યાકરણગ્રંથ. વૈદિક મંત્ર અને બ્રાહ્મણની ભાષા ને પરિભાષાના ગ્રહણસૌકર્ય સારુ શિક્ષા, કલ્પ આદિ જે શાસ્ત્ર રચાયાં તે વેદાંગ કહેવાયાં. પ્રાતિશાખ્ય એ શિક્ષા વેદાંગનું સહકારી શાસ્ત્ર છે. વર્ણ, સ્વર, સંધિ આદિ વ્યાકરણનાં અંગોની ચર્ચા પ્રાતિશાખ્યમાં છે એ પૂરતું તે વ્યાકરણ પણ છે. શાખા અનુસાર વૈદિક મંત્રોનાં ઉચ્ચારણો અંગેનું શાસ્ત્ર હોવાથી તે પ્રાતિશાખ્ય કહેવાયું. વસ્તુત: પ્રાતિશાખ્ય જે તે વેદની સમાન પાઠ અને કલ્પવાળી શાખાઓના સમૂહરૂપ ચરણો કે પરિષદોએ નિશ્ચિત કરેલા ઉચ્ચારણ-નિયમોનું શાસ્ત્ર છે. આ કારણે તે પાર્ષદ કે પારિષદના નામે પણ ઓળખાય છે.

ઋક્ પ્રાતિશાખ્ય શૌનકરચિત છે. શૌનકે ઋ. પ્રા.ના એક સૂત્રમાં યાસ્કનો નામોલ્લેખ કર્યો છે. તેથી યાસ્કનો સમય એ ઋ. પ્રા.ની પૂર્વસીમા ગણાય. ઋ. પ્રા.માં ઋગ્વેદના શાકલશાખીય ચરણાંતર્ગત શૈશિરીય ઉપશાખાની સંહિતાનું સાંગોપાંગ વર્ણન છે. ઋ.પ્રા.ના ત્રણ અધ્યાયો છે. પ્રત્યેક અધ્યાય છ છ પટલોમાં વહેંચાયેલો છે. પટલમાં પણ પ્રાય: પાંચ પદ્યોના વર્ગો છે. ઋ. પ્રા.નાં સૂત્રો પદ્યાત્મક છે. સૂત્રો સંપૂર્ણ પદ્ય કે પદ્યખંડનાં બનેલાં છે. પટલાત્મક વિભાગો અધિક પરિચિત છે. પટલાનુક્રમે પ્રથમ પટલમાં સંજ્ઞાપરિભાષા, દ્વિતીયમાં સ્વરસંધિ, તૃતીયમાં ઉદાત્તાદિ સ્વર, ચતુર્થમાં વ્યંજનસંધિ, પંચમ પટલમાં નતિ સંધિ, ષષ્ઠ પટલમાં અભિનિધાન સ્વરભક્તિ આદિ, સપ્તમ, અષ્ટમ અને નવમ પટલોમાં પ્લુતિ અને દીર્ઘત્વ, દશમ અને એકાદશ પટલમાં ક્રમપાઠ, દ્વાદશમાં નામ આખ્યાત ઉપસર્ગ નિપાત આદિ પદો તેમજ પદાન્તે કે પદાદિમાં ન આવનાર વર્ણોનું નિરૂપણ, ત્રયોદશ પટલમાં વર્ણોત્પત્તિ અને વર્ણસ્વરૂપ, ચતુર્દશમાં ઉચ્ચારણદોષ, પંચદશમાં વેદાધ્યયનપદ્ધતિ અને અંતિમ ત્રણ પટલોમાં છંદોવર્ણન એ પ્રમાણે વિષયનિરૂપણ છે.

આરંભમાં બે વર્ગોમાં નિર્ભુજ, પ્રતૃહણ્ણ આદિ સંજ્ઞાઓ, ગુરુત્વ-લઘુત્વ સામ્ય આદિ વર્ણસ્વભાવ, પદક્રમ આદિનું મંત્રજ્ઞાનમાં મહત્વ અને સ્વર-વ્યંજન વર્ણોનું નિરૂપણ છે. આ બે વર્ગોને કેટલાક પૂર્વાચાર્યોએ ઋ. પ્રા.ના અંતર્ગત ગણ્યા નથી. આમ છતાં કેટલાંક આંતરપ્રમાણોથી એમ લાગે છે કે એ શૌનકની કૃતિ હશે. ઉવ્વટે આ વર્ગદ્વય પર ટીકા કરી હતી. વિષ્ણુમિત્રની વર્ગદ્વયવૃત્તિ છે. પ્રથમ પટલમાં સમાનાક્ષર, સંધ્યક્ષર, સ્વર, વ્યંજન, સ્પર્શ, વર્ગ, અંત:સ્થ, ઉષ્મ વર્ણ, અઘોષ, સોષ્મ અનુનાસિક, હ્રસ્વ, દીર્ઘ અક્ષર, ગુરુ આદિ સંજ્ઞાવિધાન, વર્ણસ્થાન, યમ, પ્લુત સ્વર, વર્ણોચ્ચારણકાલ આદિ સંજ્ઞાઓનું વિધાન છે.

દ્વિતીય પટલમાં સંહિતાનું સ્વરૂપ, સંહિતાને લીધે થતી અનુલોમ અને પ્રતિલોમ સ્વરવ્યંજનસંધિઓ, પ્રશ્લિષ્ટ ક્ષૈપ્ર પદવૃત્તિ ઉદગ્રાહ ભુગ્ન અભિનિહિત આદિ સંધિઓ તથા પ્રકૃતિભાવ નિપાતન વિવૃતિ આદિનું નિરૂપણ છે. તૃતીય પટલમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સ્વરોનું ઉચ્ચારણ, સંધિજ સ્વરિત, પ્રચય, જાત્યસ્વરિત પરિગ્રહ, અવગ્રહ, સ્વરોચ્ચારણના કેટલાક દોષ, કમ્પ આદિનું નિરૂપણ છે. ચતુર્થ પટલમાં અવશંગમ વશંગમ અંત:પાત આદિ આસ્થાપિત સંધિઓ, નિયત પ્રશ્નિત આદિ વિસર્ગસંધિ, રેફસંધિ, અકામ નિયત વ્યાપન્ન વિક્રાન્ત અન્વક્ષરવક્ત્ર આદિ સંધિઓ, વિસર્ગસંધિનાં નિપાતનસ્થળો, આન્પદ અને અન્ય નકાર સંધિઓ, શૌદ્ધાક્ષર સંધિ આદિનું નિરૂપણ છે. પંચમ પટલમાં નતિ સંધિઓ નિરૂપાઈ છે. ષષ્ઠ પટલમાં ક્રમ અભિનિધાન યમ આદિ વર્મદ્વિરુક્તિ, સ્વરભક્તિ, ધ્રુવ આદિનું નિરૂપણ છે. સપ્તમ પટલમાં સામવશ એટલે કે પ્લુતિસંધિનું નિરૂપણ છે. અષ્ટમ પટલમાં અન્ત:પાદ દીર્ઘત્વ તેમજ છંદોના દશમ, એકાદશ, દ્વાદશ હ્રસ્વ સ્વરો ક્યાં ક્યાં દીર્ઘ થાય છે તે, પાદમાં અક્ષર ઘટતાં કરાતો અંતર્વિભાગ આદિ વિષયો નિરૂપાયા છે. નવમ પટલમાં પૂર્વપદાન્ત હ્રસ્વનો દીર્ઘભાવ અને અવગ્રહરહિત સ્થળોમાં હ્રસ્વનો દીર્ઘભાવ નિરૂપાયા છે. આ ત્રણ પટલો પ્લુતિપટલ કહેવાય છે. દશમ અને એકાદશ એ બે ક્રમપટલો કહેવાય છે. તેમાં મંત્રના ક્રમપાઠ અંગેના નિયમો આપવામાં આવ્યા છે : એક-બે, બે-ત્રણ – એમ બે-બે પદોથી આરંભી અર્ધી ઋચાએ ક્રમ સમાપ્ત કરવો, પછી મંત્રના બીજા અર્ધભાગનો એ જ રીતે ક્રમપાઠ કરવો, ક્રમપદોની સંધિ કરવી, અવસાને ન આવી શકે એવાં પદોનું પરિગણન, ઇતિ શબ્દસહિત પદની ઉપસ્થિતિ અને તે વિનાના પદની સ્થિત સંજ્ઞા અને બીજા ક્રમપાઠવિષયક નિયમો આ બે પટલોમાં આપવામાં આવ્યા છે. દ્વાદશ પટલમાં મંત્રપદો વિશેની એક વિશેષ વાત કહેવાઈ છે. પદારંભે ન આવી શકે તેવા અને પદાન્તે ન આવે તેવા વર્ણોનું પરિગણન, નામ આદિ પદોનું નિરૂપણ વગેરે આ પટલમાં કહેવાયું છે. ત્રયોદશ પટલમાં વર્ણોચ્ચારમાં ઉપયુક્ત બાહ્ય પ્રયત્ન, અનુસ્વાર, યમવર્ણ, સાંહિતિક દીર્ઘ આદિ વિષયોની ચર્ચા છે. ચર્તુદશ પટલમાં વર્ણોચ્ચારમાં સ્થાન, વર્ગ, પ્રયત્ન, હ્રસ્વદીર્ઘ આદિ સ્વરના ઉચ્ચારણમાં થતા દોષ, અનુનાસિક ઉચ્ચારણમાં દોષ વગેરે અનેક પ્રકારના દોષોનું નિરૂપણ છે. પંચદશ પટલમાં વેદાધ્યયનપદ્ધતિ નિરૂપાઈ છે. ગુરુ અને શિષ્યે અધ્યયન કરતાં કઈ રીતે રહેવું, કયા નિયમો પાળવા વગેરે વિગતો અહીં અપાઈ છે. ષોડશ, સપ્તદશ અને અષ્ટાદશ પટલમાં છંદોનું વર્ણન છે. ષોડશ પટલમાં ગાયત્રી આદિ સાત મુખ્ય છંદો અને અતિચ્છંદો વર્ણવાયા છે. સપ્તદશપટલમાં નિચૃત્, સ્વરાટ્ આદિ કેટલાક વિશેષોનું નિરૂપણ છે. અષ્ટાદશ પટલમાં પ્રગાથ છંદોનું વર્ણન છે. અને અક્ષરસંજ્ઞા, લઘુગુરુ, એક છંદમાંથી બીજા છંદમાં પરિણતિ આદિ વિષયો નિરૂપાયા છે.

નટવરલાલ યાજ્ઞિક