ઊંદરી (favus) : માથાની ચામડીનો રોગ. માથાના વાળની આસપાસ ગંધક જેવાં પીળાં કે કેસરી (saffron) રંગનાં ટાંકણીની ટોચ જેવડાં ભીંગડાં કરતો ફૂગજન્ય રોગ. તે ટ્રાઇકોફાયટન શિન્લેની (Trichophyton schoenleini) નામની ફૂગથી, ખાસ કરીને રશિયનો, ઇટાલિયનો અને ભારતીયોમાં થાય છે. ક્યારેક તેનો ફેલાવો આખા શરીર તથા નખમાં પણ થાય છે. તેનાં ભીંગડાંને scutula કહે છે. તે જુદા જુદા આકારનાં હોય છે. ક્યારેક તે છૂટાંછવાયાં હોય છે અથવા ક્યારેક તે જાડા-પીળા પોપડા (crust) જેવાં હોય છે. તેમાંથી વિચિત્ર વાસ આવે છે. ચામડી પરનાં ભીંગડાં રકાબી જેવાં ગોળ હોય છે. તેની ધાર પરથી રોગનો ફેલાવો થાય છે. આવાં ભીંગડાં વર્તુળાકારે ગોઠવેલાં હોય છે અને તેમની આસપાસ લાલશ પડતો શોથજન્ય પરિવેશ (inflammatory halo) જોવા મળે છે. ઘણી વખત ઘણાં મોટાં ભીંગડાં પણ જોવા મળે છે. અસરગ્રસ્ત નખ બરડ અને ખરબચડા થઈ જાય છે. તેમનો રંગ બદલાય છે. નખની નીચે પણ ભીંગડાં જામે છે. માથાના વાળ સૂકા, ચમક વગરના, તાર જેવા તથા આસાનીથી ખરી પડે તેવા બરડ બની જાય છે. તેમની આસપાસ બાઝેલાં પીળા રંગનાં ભીંગડાંની નીચેની ચામડી ખરી જાય છે. ચામડી સુંવાળી, ચળકતી, પાતળી તથા કાગળ જેવી સફેદ થઈ જાય છે. તેની સારવાર માટે ગ્રિઝિયોફુલ્વિ તથા કૅટાકૉનેઝોલની ગોળીઓ ઉપયોગી છે.

અરુણકુમાર ગોવર્ધનપ્રસાદ અમીન