ઉલટકંબલ (ઓલટકંબલ) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ambroma augusta Linn. f. (હિં. ઉલટકંબલ; બં. સનુકપાસી, ઓલટકંબલ; અં. કેવિલ્સકૉટન, પેરીનિયલ ઇંડિયન હેમ્પ) છે. કડાયો, સુંદરી, મરડાશિંગી અને મુચકુંદ આ વનસ્પતિનાં સહસભ્યો છે. તે મોટો, ઝડપથી વિસ્તરતો રોમિલ ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તે પંજાબ અને ઉત્તર પ્રદેશથી શરૂ થઈ પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં 1,200 મી.ની ઊંચાઈ સુધી અને દ્વીપકલ્પીય ભારત(peninsular India)માં થાય છે. તે શોભન વનસ્પતિ તરીકે પણ ઉગાડવામાં આવે છે. તેનાં મૂળ ભૂમિમાં લગભગ 1.5 મી.ની ઊંડાઈ સુધી મળી આવે છે. નીચેનાં પર્ણો હૃદયાકાર ત્રિ-થી પંચખંડીય, સાદાં અને ઉપરનાં પર્ણો અંડ-ભાલાકાર (ovate-lanceolate) અને અખંડિત હોય છે. તેમની પર્ણકિનારી દંતુર (serrate) હોય છે અને પર્ણની ઉપરની સપાટી રોમિલ હોય છે. પુષ્પો મોટાં, લગભગ 2.5 સેમી. વ્યાસવાળાં અને પીળાં, જાંબલી કે ઘેરા લાલ રંગનાં હોય છે. પાંચ પાંખડીઓમાંથી એક ચમચા જેવી હોય છે. દસ પુંકેસરો પૈકી પાંચ વંધ્ય અને પાંચ ફળાઉ હોય છે. ફળ પ્રાવર પ્રકારનું પંચકોણીય, પ્રતિપિરામિડી (obpyramidal), સપક્ષ (winged) અને આશરે 4.0 સેમી. લાંબું હોય છે. બીજ નાનાં, કાળાં અને રેશમી રોમો દ્વારા આવરિત હોય છે.

કૃષિમાં આ વનસ્પતિની ઊંચાઈ 1.8 મી.થી 3.6 મી.ની હોય છે, પરંતુ તેની વન્ય સ્થિતિમાં તે ઘણી વાર 9.0 મી. જેટલી ઊંચાઈએ પહોંચે છે. આર્થિક રીતે વધારે ઊંચી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. તેના દંશીરોમો દ્વારા સંવેદી વ્યક્તિઓને ત્વકશોથ (dermatitis) થતો હોવાથી તેનું કેટલીક વાર વાવેતર રોકવામાં આવે છે.

તે ફળાઉ, ઊંડી, જલોઢ (alluvial) અને સારી નિતારવાળી મૃદામાં થાય છે. તે હિમસંવેદી અને પ્રકાશાપેક્ષી (light demander) છે. જથ્થા કરતાં સુ-વિતરિત (well-distributed) વરસાદ વધારે મહત્વનો છે. પ્રસર્જન બીજ અથવા કટકારોપણ દ્વારા થાય છે. કેટલીક વાર મૂળ-અંત:ભૂસ્તારી(root-suckers)નો પ્રસર્જનમાં ઉપયોગ થાય છે. બીજ તેમની જીવનશક્તિ અત્યંત ઝડપથી ગુમાવતાં હોવાથી તેમની અંકુરણક્ષમતા ઓછી હોય છે. 28o સે. તાપમાનવાળા પાણીમાં 15 મિનિટ માટે તાજાં બીજને ડુબાડી રાખ્યા પછી વાવવામાં આવે છે. અંકુરણ માટેનું અનુકૂલતમ તાપમાન 32o સે. છે. પ્રતિ હેક્ટરે 24 કિગ્રા. જેટલાં બીજ વાવેતર માટે જરૂરી હોય છે. વરસાદ આવતાં પહેલાં તેની વાવણી કરવામાં આવે છે. કૌવચ (Mucuna spp.), ચોળા (Vigna sinensis Eudl.) વગેરે સારાં લીલાં ખાતરો ખેડ વખતે મિશ્ર કરાય છે. બીજ સીધેસીધાં વાવવામાં આવે છે કે ક્યારીઓમાં તૈયાર કરેલા રોપાઓનું આરોપણ કરવામાં આવે છે.

પ્રકાંડ રેસાઓ ઉત્પન્ન કરે છે અને તેની લણણી પુષ્પનિર્માણ દરમિયાન જુલાઈ અને ડિસેમ્બરની વચ્ચે વાવેતર પછી 100 દિવસોથી 120 દિવસોમાં કરવામાં આવે છે. પ્રથમ લણણી પછી બીજી લણણી નવા પ્રકાંડોની વૃદ્ધિ થતાં કરવામાં આવે છે. જાડો રેસો મેળવવા 6થી 7 માસે લણણી કરાય છે. નવી શાખાઓ મેળવવા પ્રકાંડને જમીનના સમતલેથી 25 સેમી. ઊંચે કાપવામાં આવે છે. જોકે વર્ષમાં ચાર વાર લણણી લઈ શકાય છે, પરંતુ સામાન્ય રીતે બે વાર કે કેટલીક વાર એક જ વાર લણણી લેવામાં આવે છે. પ્રકાંડનું 7થી 15 દિવસ માટે અપગલન (retting) કર્યા પછી તેને ધોઈને પછાડવામાં આવે છે; તેથી તે નરમ બને છે અને તંતુગુચ્છો (strands) છૂટા પડે છે. તેના અતિ-શુષ્કન(over-drying)થી તંતુ બરડ બને છે. રેસાનું ઉત્પાદન આબોહવાકીય, ભૌમિક અને કેટલાંક અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે. તેનું સરેરાશ ઉત્પાદન 735 કિગ્રા.થી 990 કિગ્રા./હેક્ટર જેટલું થાય છે.

યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલ રેસો સૂક્ષ્મ, સફેદ, આછા પીળા રંગથી સોનેરી બદામી રંગનો, ચળકતો, મૃદુ, નરમ, દેખાવે રેશમ જેવો અને મજબૂત હોય છે. તેની લંબાઈ 3.2 મિમી.થી 6.4 મિમી. જેટલી હોય છે. (શણ : 1.6 મિમી.થી 3.2 મિમી.) અને તાર(staple)ની લંબાઈ 1.2મી.થી 2.4 મી. (શણ : 1.8 મી.થી 2.4 મી. ) અને સેલ્યુલોસ 75 %થી 78 % હોય છે. કાંતણ માટેના રેસાના ગુણધર્મો લણણી અને અપગલનના સમય ઉપર કેટલેક અંશે આધારિત હોય છે. શણ (Corchorus capsularis Linn.) કરતાં તેનો રેસો વધારે રુક્ષ (harsh) અને અંબાડી(Hibiscus cannabinus Linn.)ને મળતો આવે છે. જોકે શણ કરતાં મજબૂતાઈની ર્દષ્ટિએ તે નીચલી કક્ષાનો અને કાંતવા માટે મુશ્કેલરૂપ હોય છે; પરંતુ સારા શણ સાથે તેને મિશ્રિત કરી કંતાન બનાવવામાં આવે છે. તેનો કોથળા અને સૂતળી બનાવવામાં પણ ઉપયોગ થાય છે. તે ભાંગ કે અળસીના રેસાની અવેજીમાં વપરાય છે. તેના રેસાઓ દોરડાં, સાદડીઓ, મત્સ્યન (fishing) માટેની જાળી અને કોથળીઓ બનાવવામાં ઉપયોગી છે. બનાવટી વાળ બનાવવા તેને રંગવામાં આવે છે.

મૂળનો ઉપયોગ ઘણા જૂના સમયથી ઔષધ તરીકે થાય છે. વ્યાપારિક ઔષધ અનેક પાર્શ્વમૂળો ધરાવતા કાષ્ઠીય મૂળનું બનેલું હોય છે. તેનો પુરવઠો પશ્ચિમ બંગાળ, આસામ અને સિક્કિમ દ્વારા પૂરો પાડવામાં આવે છે. શુષ્ક મૂળ 0.5 મિમી.થી 1.0 મિમી. જાડાં અને પુષ્કળ તંતુમય હોય છે અને બદામી છાલ ધરાવે છે. મૂળ ઉપર તાજો કાપ મૂકતાં જાડા ગુંદર જેવા પદાર્થનો સ્રાવ થાય છે. છાલની બાહ્ય સપાટી બદામી રંગની અને ઊભી કરચલીઓવાળી હોય છે અને નાની ગાંઠો જેવાં ચિહ્નો ધરાવે છે. તેની અંદરની સપાટી આછી પીળી અને ઊભી રેખિત (striate) હોય છે. મૂળની છાલ સ્વાદરહિત, ચીકણી, ગંધવિહીન અને સખત હોવા છતાં બરડ હોતી નથી. ઠંડા પાણીમાં 3–4 દિવસ રાખતાં તે ચીકણો શ્લેષ્મ (mucilage) ઉત્પન્ન કરે છે; જેનું નિષ્કર્ષણ કરવામાં આવે છે.

આ ઔષધ ગર્ભાશય માટે પુષ્ટિકારક અને આર્તવજનક (emmenagogue) છે. તે ગર્ભાશય ઉપર આકુંચક (contractile) સક્રિયતા દાખવે છે અને કૃચ્છ્રાર્તવ (dysmenorrhoea), અનાર્તવ (amenorrhoea), વંધ્યત્વ અને અન્ય ઋતુસ્રાવ સંબંધી રોગોની ચિકિત્સામાં તેનો ઉપયોગ છે. ચૂર્ણિત મૂળ ગર્ભસ્રાવક (abortifacient) અને પ્રતિજનનક્ષમતા(anti-fertility)કારક તરીકે વર્તે છે. મૂળના પેટ્રોલિયમ-ઈથરનો નિષ્કર્ષ ઉંદરોને 50 મિગ્રા/કિગ્રા.(શરીરનું વજન)ની માત્રામાં આપતાં તે પ્રતિ-ગર્ભસ્થાપન અને ગર્ભપાત-પ્રેરક સક્રિયતા દર્શાવે છે. આલ્કોહૉલીય અને ક્લૉરોફૉર્મ-નિષ્કર્ષો ગર્ભપાત-પ્રેરક સક્રિયતા પુષ્કળ પ્રમાણમાં દર્શાવે છે. મૂળના આલ્કોહૉલીય નિષ્કર્ષો ઍસિટિકોલાઇન જેવી ક્રિયાશીલતા દાખવે છે, જેની તુલના અલગીકૃત રેખિત કે અરેખિત સ્નાયુઓ ઉપર કોલાઇનની અસર સાથે થઈ શકે. મૂળનો જલીય નિષ્કર્ષ ઑક્સિટોસીય અસર દર્શાવે છે. દુગ્ધસ્રાવી (lactating) શ્ર્વેત ઉંદરો ઉપર તેની દુગ્ધપોષી (galactotrophic) અસર હોય છે. મૂળમાં એબ્રોમિન, કોલાઇન, બીટેઇન β-સિટોસ્ટેરૉલ, સ્ટીગ્મેસ્ટૅરૉલ, ફ્રાઇડેલીન અને સ્થાયી તેલ હોય છે.

પર્ણો ગર્ભાશય સંબંધી રોગો, મધુપ્રમેહ, સંધિવા અને માથાના વાયુવિવરશોથ (sinusitis) સહિતના દુખાવાની ચિકિત્સામાં ઉપયોગી છે. તાજાં પર્ણો અને શાખાઓનો ઠંડો જલીય ક્વાથ શામક (demulcent) હોય છે અને પરમિયા(gonorrhoea)માં ખૂબ અસરકારક હોય છે. તેનો આલ્કોહૉલીય નિષ્કર્ષ પણ સક્રિય ગણાય છે. પર્ણોમાં ટૅરેક્સેરૉલ અને તેનો ઍસિટેટ, β-સિટોસ્ટેરૉલ ઍસિટેટ, એક એલિફૅટિક (aliphatic) આલ્કોહૉલ (C32H66O), ઑક્ટાકોસેનૉલ, અને ફૅટી ડાયોલની લાંબી શૃંખલાનું મિશ્રણ હોય છે.

પ્રકાંડની છાલ β-સિટોસ્ટેરૉલ અને ફ્રાઇડેલીન ધરાવે છે. તેના અંત:કાષ્ઠ(heartwood)માં β-સિટોસ્ટેરૉલ અને ઑક્ટાકોસેન-1, 28-ડાયોલની હાજરી નોંધાઈ છે.

બીજમાં સ્થાયી તેલ (20.2 %) હોય છે. આ તેલમાં લિનોલેઇક ઍસિડ પુષ્કળ હોય છે, જેનું ધમનીકાઠિન્ય(arteriosclerosis)ના નિયંત્રણમાં પોષણકીય મૂલ્ય મહત્વનું છે, કારણ કે તે રુધિરમાં કૉલેસ્ટેરૉલનું પ્રમાણ ઘટાડે છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ