ઉર્વશી(3) (1961) : હિન્દી કાવ્યનાટક. લેખક રામધારીસિંહ દિનકર (1908-1974). આ કૃતિને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં શૈલીનો નવીન પ્રયોગ છે, તેથી એ કૃતિ બહુચર્ચિત રહી છે. ઋગ્વેદના દશમા મંડળમાં ઉર્વશી-પુરુરવા-સંવાદ નિરૂપાયો છે. કાલિદાસ તથા રવીન્દ્રનાથ ટાગોરે પણ એને આધારે પોતાની લાક્ષણિક શૈલીમાં કૃતિઓ રચી છે. આ કથાનકને દિનકરજીએ નવીન રૂપમાં પ્રસ્તુત કર્યું છે. કર્તાએ આ રચનામાં ઉર્વશી-પુરુરવાના પ્રેમપ્રસંગનું, પ્રેમ અને કામની શાશ્વત સમસ્યાનું દર્શન તથા મનોવિજ્ઞાનને આધારે વિશ્લેષણ કર્યું છે.

સમગ્ર રચના પાંચ અંકોમાં વહેંચાયેલી છે. પ્રથમ અંકમાં નટ-સૂત્રધારના સંવાદ પછી ગીત ગાતી ગાતી અપ્સરાઓ પ્રવેશે છે. તેમની પરસ્પર વાતચીત દ્વારા પુરુરવા તરફ ઉર્વશીનું પ્રબળ આકર્ષણ તથા પ્રણયની વ્યાકુળતાનું નિદર્શન કર્યું છે. બીજા અંકમાં પતિપ્રેમથી વંચિત ઓશિનરીનો આક્રોશ અસહાય ઉપાલંભરૂપે પ્રગટ થયો છે. બંને અંકમાં પત્ની તથા પરકીયાના ભેદાભેદની ચર્ચા તથા માતૃત્વના ગૌરવની સ્થાપનાનો આધાર પૂર્ણાંશે ભારતીય છે. ત્રીજા અંકમાં ગંધમાદન પર્વત પર વિહાર કરતાં ઉર્વશી તથા પુરુરવાનો સંવાદ છે. ત્રીજા અંકમાં કવિ ફરી ભારતીય ભૂમિકા તરફ વળે છે. એમાં ઉર્વશીના પુત્ર આયુનું પાલનપોષણ કરનારાં ચ્યવન-સુકન્યા દંપતીના ગૃહસ્થજીવનના માધ્યમ દ્વારા પ્રેમ તથા સંન્યાસની સમતુલા જાળવી છે. પાંચમા અંકમાં વિશ્વમના દ્વારા પુરુરવાના સ્વપ્નની વ્યાખ્યા, પુરુરવાના સંન્યાસ લેવાના તથા આયુના રાજ્યારોહણના પ્રસંગનું નિરૂપણ થયું છે. ઓશિનરી કુલવધૂ તથા માતા તરીકે પોતાના કર્તવ્યનું સમુચિત પાલન કરે છે તે દર્શાવ્યું છે.

અહીં એ સ્પષ્ટ છે કે ‘ઉર્વશી’ના વસ્તુ-સંવિધાનમાં પ્રથમ બે અંકમાં માત્ર સૂચનો છે. ઉર્વશી તથા પુરુરવાનો પરસ્પર પ્રેમ તથા મિલનોત્સુકતાની માહિતી આપણને અન્ય પાત્રો દ્વારા જ પ્રાપ્ત થાય છે. ત્રીજા અંકમાં બંને પહેલી વાર પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે, પણ અહીં એ બંને નાયકનાયિકા ન રહેતાં સનાતન નર તથા નારીનાં પ્રતીકો બને છે. ચોથા અંકમાં પણ ઉર્વશી સંબંધી કથાસૂત્રોનો વિકાસ અન્ય વ્યક્તિઓ દ્વારા થાય છે. નાટ્યર્દષ્ટિએ કવિને પાંચમા અંકમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. સ્વપ્નફળ વિશે સાંભળીને પુરુરવાનું આશ્ચર્યવિમૂઢ થવું, ઉર્વશીના પુત્ર આયુની સાથે સુકન્યાનો આકસ્મિક પ્રવેશ તથા શાપને પરિણામે ઉર્વશીનું તત્કાળ પ્રસ્થાન, આયુનું રાજતિલક અને રાજા દ્વારા પ્રવ્રજ્યા ધારણ કરવી એ બધા પ્રસંગો ત્વરિત ગતિથી બને છે અને કાર્યવેગ અંત સુધી જળવાઈ રહે છે.

‘ઉર્વશી’માં વસ્તુ, ચરિત્ર તથા પ્રકાર બધાંમાં દ્વંદ્વાત્મકતા કુશળતાથી નિરૂપાઈ છે. પાંચે અંકોમાં એક જ કામચેતનાની પરસ્પરવિરોધી ધારાઓ સ્પષ્ટ રૂપે ર્દષ્ટિએ પડે છે. પ્રેમની ઊર્ધ્વગતિ ઓશિનરી દ્વારા આલેખાઈ છે. એ અહમને પૂર્ણત: વિગલિત કરીને કુલવધૂ તથા માતાના ધર્મનું પાલન કરે છે અને અંતમાં એ બધું ગુમાવતી હોવા છતાં પણ પૂર્ણ રહે છે. શૃંગારનું સામંજસ્યકારી રૂપ, પતિપત્નીના એકાત્મભાવ પર આધારિત પ્રેમ ચ્યવન તથા સુકન્યાના ગૃહસ્થજીવનમાં મૂર્તિમંત થયો છે. સુકન્યા માને છે કે નારીજીવનની સાર્થકતા પત્ની તરીકેના ગૌરવ પર આધારિત છે. શૃંગારની પ્રવૃત્તિપ્રધાન ચેતનાનું પ્રતીક પુરુરવા છે, જે બધા ભોગો ભોગવ્યા પછી પણ ખાલીપો અનુભવે છે. કામચેતનાનાં પહેલાં બે રૂપો ભારતીય પાર્શ્વભૂમિ પર આધારિત છે અને એ નારીના ર્દષ્ટિબિંદુને રજૂ કરે છે. ત્રીજું રૂપ આધુનિક મનોવિજ્ઞાન અનુસાર છે, જે પુરુષના મનોવ્યાપારનું દર્શન કરાવે છે.

‘ઉર્વશી’નાં બધાં મુખ્ય પાત્રોનું વ્યક્તિત્વ દ્વિસ્તરીય છે. પુરુરવા સુખની ઇચ્છા પણ સેવે છે અને તેનાથી આગળ જવાનો પ્રયત્ન પણ કરે છે. એ રીતે એ પ્રાચીન તેમ આધુનિક પણ છે. ઉર્વશી અપ્સરા છે, પણ એનામાં જગત અને જીવનનું સ્પંદન વિશેષ છે. એ વિશ્વપ્રિયાનું પ્રતીક હોવાની સાથે-સાથે એક વ્યક્તિની પ્રિયા પણ છે, જે ગર્ભ ધારણ કરીને મા બને છે. ત્રીજા અંકમાં એ સનાતન નારીનું પ્રતીક બનીને ભાવનાઓથી ઊછળે છે અને રહસ્યમયતા ધારણ કરે છે.

ચન્દ્રકાન્ત મહેતા