ઉર : સુમેરનું પૂર્વકાલીન નગરરાજ્ય. તે ઇરાકમાં ફરાત નદીની દક્ષિણે દશ કિલોમિટર દૂર ખંડેર રૂપે આવેલું છે. બાઇબલમાં એને ઇબ્રાહીમનું મૂલસ્થાન ગણાવ્યું છે. ઉરમાં થયેલા ઉત્ખનનથી હજારો કબરો હાથ લાગી છે. આ કબરોમાંથી પ્રાપ્ત ચીજવસ્તુઓમાં સોનાની ચીજો મોટા પ્રમાણમાં મળી છે. આ ઉપરાંત કંગન, કુંડલ, હાર જેવા ધાતુના અલંકારો મળ્યા છે. એક કબરમાંથી 74 શબ હાથ લાગ્યાં છે. કબરોના અભ્યાસથી જીવન અને મૃત્યુ સંબંધી અદભુત રહસ્યોનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. તે ઉપરથી માનવબલિદાનની અને પરલોક વિશેની માન્યતાની જાણકારી પ્રાપ્ત થાય છે. ઉરમાંથી પ્રાપ્ત અવશેષોમાં આ શબ પ્રાચીન કાળનાં છે. તે પરથી અનેક વિભૂતિઓની અને એમના સમયની સંસ્કૃતિ તથા ઐશ્વર્યની જાણકારી પ્રાપ્ત થાય છે. ઈસુ પૂર્વેની ચોથી સદી પછી ઉરના પ્રથમ રાજ્યવંશનો પ્રારંભ થાય છે. સમ્રાટ નેબુકદ્રેઝરે ઉરમાં ઝિગુરાત નામનું પર્વતમંદિર બંધાવ્યું હતું. અહીં ઘણાં મંદિરો હતાં, જેનો અવારનવાર વિધ્વંસ થયો હતો અને પાછળથી જીર્ણોદ્ધાર પણ થયો હતો.

રસેશ જમીનદાર