ઉમદા વાયુઓનાં સંયોજનો : હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટોન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn) વાયુઓનાં રાસાયણિક સંયોજનો. રાસાયણિક ર્દષ્ટિએ આ છ વાયુઓ તદ્દન નિષ્ક્રિય છે તેમ માનવામાં આવતું, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહમાં મૂકવામાં આવ્યા છે. આ વાયુઓના અંત્ય કક્ષક-કોષમાં યુગ્મિત ઇલેક્ટ્રૉન અષ્ટક (ns2np6) હોય છે. હીલિયમમાં બે યુગ્મિત ઇલેક્ટ્રૉન (ls2) હોય છે. તેમના આ પ્રકારના વિશિષ્ટ ઇલેક્ટ્રૉન-વિન્યાસને નિષ્ક્રિયતાનું કારણ ગણીને રાસાયણિક સંયોજકતાના સિદ્ધાંતો રચવામાં તેમને ચાવીરૂપ લેખવામાં આવેલા. કેટલાંક અસ્થિર, માત્ર વર્ણપટમાં જ ઓળખાયેલાં હીલાઇડ જેવાં કે Pt3He, PdHe, HgHe વગેરે, કેટલાંક હાઇડ્રેટ (Xe·XH2O) તથા કેટલાંક પિંજર-સંકીર્ણો (cage complexes) જેવાં કે 3-ક્વિનૉલ – 1-આર્ગોન જાણીતાં છે, જે સાચા અર્થમાં રાસાયણિક સંયોજનો નથી, પણ વાન ડર વાલ આકર્ષણ વડે સ્થિરતા પ્રાપ્ત કરેલા પદાર્થો છે. આ વાયુઓના રાસાયણિક બંધ દ્વારા સંયોજનો બનવાં જોઈએ તેવો મત અમેરિકન વૈજ્ઞાનિક પોલિંગ, ઇટાલિયન વૈજ્ઞાનિક ડોડો વગેરે સતત પ્રદર્શિત કરતા રહેતા હતા. યોસ્ટ અને કેય નામના રસાયણજ્ઞોએ 1930ની આસપાસ Xe અને F2ને સાથે ગરમ કરી XeF2 બનાવ્યો હતો. પરંતુ તેને તેઓ શુદ્ધ રૂપે અલગ કરી શક્યા ન હતા. યુનિવર્સિટી ઑવ્ બ્રિટિશ કોલંબિયાના નીલ બાર્ટલેટે 1962માં Xe અને PtF6 વાયુઓના મિશ્રણને ગરમ કરીને XeF+[Pt2F11]– સૂત્ર ધરાવતા લાલ સ્ફટિકો મેળવ્યા.
તેથી ઉમદા વાયુશ્રેણીનું પ્રથમ સાચું રાસાયણિક સંયોજન બનાવવાનો યશ બાર્ટલેટને ફાળે જાય છે. આ શોધની જાહેરાતથી રસાયણ-જગતમાં જાણે વીજકંપ થયો અને આ વાયુઓનાં અન્ય સંયોજનોનું ઝડપથી સંશ્લેષણ થવા માંડ્યું. ‘નિષ્ક્રિય’ વાયુઓને હવે ‘ઉમદા’ વાયુઓ તરીકે ઓળખવામાં આવ્યા. આ તત્વોની રાસાયણિક સંયોજનો બનાવવાની શક્તિ અતિ સીમિત છે. તેમાં પણ ભારે વાયુઓ Kr, Xe અને સંભવત: Rn આવાં સંયોજનો આપે છે. વળી જે સ્થિર સંયોજનો બન્યાં છે તે પણ, મુખ્યત્વે, અતિ વિદ્યુત-ઋણ (electronegative) એવા ફ્લોરીન અને થોડેક અંશે ઑક્સિજન સાથે જ બનાવાયાં છે. ઉમદા વાયુઓનાં સંયોજનો બનાવવા માટે અંત્ય કક્ષકમાંના ઇલેક્ટ્રૉનને અયુગ્મિત કરી તેને ઉત્તેજિત ઊર્જાસ્તરમાં ચઢાવવાં જરૂરી બને છે. તેથી સંયોજનો બનાવવાનું વલણ તે માટે આપવી પડતી જરૂરી ઊર્જા ઉપર આધારિત હોય તે સ્વાભાવિક છે. આવી ઊર્જાનું મૂલ્ય પરમાણુક્રમાંક વધવા સાથે ઘટે છે. ક્રિપ્ટૉન માટેનું આ મૂલ્ય 9.7 eV છે, અને તે KrF2 સંયોજન આપે છે. ઝીનૉનમાં આ મૂલ્ય આથી પણ ઉંચું (8.3 eV) છે, જેથી તે વધુ સ્થિર અને વધુ મોટી સંખ્યામાં સાચાં સંયોજનો આપી શકે છે. રેડૉન તેથી પણ વધુ સ્થિર સંયોજન બનાવતું હશે, પરંતુ તેના બધા જ સમસ્થાનિકો કિરણોત્સર્ગી છે. આથી તેનાં સંયોજનોનો માત્ર પ્રદર્શક (tracer) અભ્યાસ જ સંભવી શકે છે. આ કારણે તેનાં સંયોજનો વિશે ઝાઝી માહિતી ઉપલબ્ધ નથી.
ઝીનૉનનાં સંયોજનો : ઉમદા વાયુઓમાં ઝીનૉનનાં, ખાસ કરીને ફ્લોરીન અને ઑક્સિજન સાથેનાં સંયોજનોનો સારા પ્રમાણમાં અભ્યાસ થયો છે. નિકલના બાબ જેવા બંધ ઉપકરણમાં Xe તથા F2ના મિશ્રણને ગરમ કરતાં XeF2, XeF4 અને XeF6 મળે છે, જેનું પ્રમાણ પ્રક્રિયકોના પ્રમાણ, પ્રક્રિયાનું તાપમાન અને દબાણ પર આધારિત છે.
Xe + F2 → XeF2
Xe + 2F2 → XeF4
Xe + 3F2 → XeF6
આ ત્રણે પ્રક્રિયાઓના સંતુલન અચળાંકો શોધવામાં આવ્યા છે. F2 : Xeના 20 : 1ના પ્રમાણમાં 300o સે. તાપમાને અને 50થી વધુ વાતાવરણના દબાણે, લગભગ સંપૂર્ણપણે XeF6 મળે છે. F2 : Xeના 2 : 1ના પ્રમાણમાં 400o સે.થી વધુ તાપમાને અને ઓછા દબાણે મુખ્યત્વે XeF2 મળે છે. F2 : Xeના 5 : 1ના પ્રમાણમાં 400o સે. તાપમાને અને 5-7 વાતાવરણના દબાણે XeF4 મળે છે, જેમાં F2, XeF6 અને XeF2ની અશુદ્ધિઓ હોય છે તે દૂર કરી અને શુદ્ધ XeF4 મેળવી શકાય છે. આ ત્રણે ફ્લોરાઇડ સ્થિર સ્ફટિકરૂપ હોય છે અને સામાન્ય તાપમાને પણ ઊર્ધ્વીકરણ પામે તેટલાં બાષ્પશીલ હોય છે. નિકલ કે મોનેલ ધાતુના વાસણમાં તેમને દીર્ઘકાળ સુધી સંગ્રહી શકાય છે. XeF4 અને XeF6 અલ્પ પ્રમાણમાં પાણીની હાજરીમાં પણ વિસ્ફોટ સાથે જલવિભાજન પામી XeO3 આપે છે, જ્યારે XeF2 પાણીમાં ખૂબ જ ધીમેથી વિભાજન પામે છે.
XeF2નાં જલીય દ્રાવણો ઑક્સિડેશન માટે ઉપયોગી છે. તે HClમાંથી Cl2, Ag(I)માંથી Ag(II), Ce(III)માંથી Ce(IV) આપે છે. બેઝની હાજરીમાં તેનું ઝડપથી વિઘટન થાય છે.
XeF2 રેખીય, XeF4 સમચોરસ અને XeF6 વિકૃત અષ્ટફલક સંરચના ધરાવે છે. આ ત્રણે ફ્લોરાઇડ સંયોજનો પ્રબળ ફ્લોરાઇડ-ગ્રાહક પદાર્થોની ઉપસ્થિતિમાં ફ્લોરીનકારકો (ફ્લોરો-લ્યુઇસ ઍસિડ) તરીકે કાર્ય કરે છે, જેમાં ફ્લોરાઇડ આયન આંશિક પ્રમાણમાં તબદીલ થાય છે અને Xe-યુક્ત ધનઆયનો આપે છે.
બાર્ટલેટે બનાવેલું ઝીનૉનનું પ્રથમ સંયોજન [XeF]+ [Pt2F11]– સૂત્ર પ્રમાણે દર્શાવી શકાય. XeF6, PtF5 અને SbF5 સાથે અનુક્રમે XeF5+·PtF6– અને 2XeF6·SbF5 બનાવે છે. બેન્ઝિન સાથે XeF2 ફ્લોરોબેન્ઝિન આપે છે. XeF4 ટોલ્યુઇન જેવા વિસ્થાપિત એરોમેટિક હાઇડ્રૉકાર્બનના વલયમાં ફ્લોરીન દાખલ કરવા માટે ઉપયોગી છે. XeF6 ફ્લોરાઇડ સ્વીકારી ફ્લોરો-લ્યુઇસ બેઝ તરીકે પણ વર્તે છે. આમ કરીને તે પોતાનો ઉપસહસંયોજન આંક (co-ordination number) છથી સાત કે આઠ સુધી વધારી શકે છે. આલ્કલી ધાતુ ફ્લોરાઇડ MF (LiF સિવાય) સાથે M+[XeF7]– અને M2+[XeF8]2– આપે છે. દા.ત.,
Xeનું સૌથી સ્થિર સંયોજન Cs2XeF8 400o સે.થી વધુ તાપમાને જ વિઘટન પામે છે. NaF સાથે NaXeF7 બનાવી શકાય છે, જેને ગરમ કરતાં XeF6 પુન: મેળવી શકાય છે. આમ શુદ્ધ XeF6 મેળવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઝીનોનનાં ઑક્સિફ્લોરાઇડ સંયોજનો જેવાં કે XeOF4, XeOF2, XeO2F2 વગેરે જાણીતાં છે. વળી XeO2F4 તથા XeO3F2 પણ કદાચ અસ્તિત્વ ધરાવતાં હશે. XeF6નું સાવચેતીપૂર્વક જલવિભાજન કરતાં XeOF4 બને છે. XeF6 અને ક્વાર્ટ્ઝ (SiO2) વચ્ચેની પ્રક્રિયાથી પણ તે બને છે.
2XeF6 + SiO2 → 2XeOF4 + SiF4
XeOF4 અને XeO3 વચ્ચેની પ્રક્રિયાથી XeO2F2 મળે છે. XeOF4 ક્વાર્ટ્ઝ કે પાયરેક્ષ કાચના પાત્રમાં વિઘટન પામે છે.
XeO4 + SiO2 → XeO3 + SiF4
XeOF4 ચોરસ શંકુ આકાર ધરાવે છે, જેમાં ઑક્સિજન પરમાણુ XeF4 સમચોરસને કાટખૂણે (C4v) આવેલ છે. કેટલાંક સંકીર્ણ ઑક્સોફ્લોરો ઋણાયન જાણીતાં છે, જેમ કે XeO3ની KF કે CsF સાથે પ્રક્રિયા કરવાથી MXeO3F ક્ષારો મળે છે, જેમાં [XeO3F]– ઋણઆયનો બહુલકરૂપે હોય છે.
ઝીનૉનના ટ્રાયૉક્સાઇડ XeO3, ટેટ્રૉક્સાઇડ XeO4 તથા આયનો જેવાં કે ઝેનેટ HXeO4– અને પરઝેનેટ XeO64– જાણીતાં છે. XeF4 કે XeF6નું સાવચેતીપૂર્વક સંપૂર્ણ જલવિભાજન કરતાં XeO3 (જલદ વિસ્ફોટક) મળે છે. XeO3 પાણીમાં દ્રાવ્ય છે અને દ્રાવણમાં મુક્ત અણુરૂપે હોય છે, જેથી દ્રાવણો વિદ્યુતનાં અવાહક છે. બાષ્પીભવન કરવાથી XeO3 પુન: મેળવી શકાય છે. XeO3 શંકુ આકારનો (C3V) છે. બેઝની ઉપસ્થિતિમાં XeO3માંથી ઝેનેટ આયનો HXeO4– મળે છે અને વધુ પ્રક્રિયા થતાં પરઝેનેટ આયન XeO64– મળે છે, જેમાંથી સ્થિર પરઝેનેટ Na4XeO4×8H2O, Ba2XeO6×1.5 H2O વગેરે અવક્ષિપ્ત કરી મેળવાયા છે.
XeO3 + OH– HXeO4–
2HXeO4– + 2OH– XeO64– + Xe + O2 + 2H2O
ઍસિડની હાજરીમાં પરઝેનેટ પુન: ઝેનેટ બને છે. XeO64– આયન ઉપરાંત HXeO63–, H2XeO62– અને H3XeO6– ઋણઆયનો પણ અસ્તિત્વ ધરાવે છે. બેરિયમ પરઝેનેટ ઉપર સાંદ્ર H2SO4ની પ્રક્રિયા વડે XeO4 મેળવી શકાય છે. તે ખૂબ અસ્થિર, વિસ્ફોટક વાયુ છે. તે ચતુષ્ફલક સંરચના (Td) ધરાવે છે.
ઉમદા વાયુઓનાં અન્ય સંયોજનો : Xe, F2 અને CCl4ના મિશ્રણમાં વિદ્યુતચાપ (electric discharge) પસાર કરવાથી XeCl2 બન્યાનો પુરાવો સાંપડ્યો છે. XeCl2, XeBr2 અને XeCl4 મોસબાઉર સ્પેક્ટ્રમિકીમાં તેમના 53129I અનુરૂપોના B-ક્ષયની નીપજરૂપે પારખવામાં આવ્યા છે. દા.ત., CH3Xe+ આયન સ્થિર પદાર્થ છે એવો પણ અહેવાલ છે. 1974માં Xe-N બંધ ધરાવતો FXeN(SO2F)2 પદાર્થ બનાવાયાની જાહેરાત થયેલી છે. Xe-Cl, Xe-C અને Xe-N બંધયુક્ત આ ત્રણ સંયોજનો ઝીનોનના રસાયણને વિસ્તૃત કરે છે. Kr અને F2ના મિશ્રણમાં પ્રવાહી ઑક્સિજનના તાપમાને (-1830 સે.) અને ઓછા દબાણે વિદ્યુતચાપ પસાર કરવાથી અથવા તેમના પર ઉચ્ચ ઊર્જાવાળા ઇલેક્ટ્રૉન કે પ્રોટૉનનો મારો ચલાવવાથી KrF2 મળે છે. ક્રિપ્ટૉનનું આ એક જ સંયોજન ચોક્કસપણે સાબિત થયું છે. તે સફેદ, અસ્થિર, બાષ્પશીલ ઘન પદાર્થ છે. તેને -400 સે.થી નીચેના તાપમાને દીર્ઘકાળ પર્યંત સંગ્રહી શકાય છે. તે પ્રબળ ફ્લોરીકારક છે. SbF5 સાથે તે KrF2·2SbF5 બનાવે છે કે જે કદાચ KrF+ [Sb2F11]– છે. પાણી સાથે તે ત્વરિત જલવિભાજન પામે છે.
2KrF2 + 2H2O → 2Kr + O2 + 4HF
તે રેખીય સંરચના ધરાવે છે.
KrF2નાં સંકીર્ણો XeF2–સંકીર્ણોને અનુરૂપ છે અને તેઓ F– સ્વીકારકો સાથેની પ્રક્રિયાથી કેટાયનિક જાતિ તરીકે ઉદભવે છે. દા.ત. [KrF]+[MF6]–, [Kr2F3]+[MF6]– (M = As, Sb) જાણીતાં છે જ્યારે 19F-nmr અને રામન સ્પેક્ટ્રમિકી દ્ધારા [KrF]+[MoOF5]– અને [KrF]+[WOF5]– પારખી શકાયાં છે. KrF+નાં નાઇટ્રાઇલ દાતાઓ સાથેનાં સંયોજનો પણ સંશ્લેષિત કરવામાં આવ્યાં છે. દા.ત., [RC º ≡ NKrF]+ (R = Me, CF3, C2H5, n-C3F5)
Kr−O બંધ ધરાવતું સંયોજન પણ બનતું હોવાનું નોંધાયું છે :
3KrF2 + 2B(OTeF5)3 → 3Kr(OTeF5)2 + 2BF3
Kr(OTeF5)2 → Kr + F5TeOOTeF5
બંધ પ્રકાર : ઉમદા વાયુઓનાં સંયોજનો બન્યાં તેથી સંયોજકતાના સિદ્ધાંતોમાં નવા ખ્યાલો દાખલ કરવા પડ્યા. આ સંયોજનો સહસંયોજક બંધ વડે રચાય છે તે તેમના ગુણધર્મો પરથી સ્પષ્ટ થાય છે. આવા બંધને સમજવા માટે ઝીનૉનના અંત્ય કક્ષકના આઠેય ઇલેક્ટ્રૉન અવકાશ-રાસાયણિક (stereochemical) ર્દષ્ટિએ સક્રિય છે તેમ ગણીને VSEPR સિદ્ધાંત (Valence Shell Electron Pair Repulsion Theory) અનુસાર ઝીનોનમાં જરૂરી ઇલેક્ટ્રૉનને અયુગ્મિત કરીને XeF2, XeF4, XeF6, XeOF4, XeO4, XeO3 વગેરે અણુઓની સંરચના સમજાવી શકાય છે. તે જ પ્રમાણે અણુકક્ષક સિદ્ધાંત અનુસાર તેમને ઇલેક્ટ્રૉન-ત્રુટીવાળા (electron-deficient) સંયોજનો ગણીને બહુકેન્દ્રીય બંધ રચીને તેમનો ઇલેક્ટ્રૉનવિન્યાસ સમજાવી શકાય છે.
પ્રવીણસાગર સત્યપંથી