ઉમર અલીશા (જ. 28 ફેબ્રુઆરી 1885 પેથાપુરમ્; અ. 23 ફેબ્રુઆરી 1945 નરસાપુરમ્) : તેલુગુ લેખક. મોહિઉદ્દીન અને ચાંદબીબીના પુત્ર. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે તેલુગુમાં લગભગ પચાસ પુસ્તકો લખ્યાં છે. સોળ વર્ષની ઉંમરથી જ તેમણે લેખનની શરૂઆત કરેલી અને અઢાર વર્ષની વયે તેમનું ‘મણિમાલા’ નાટક પ્રગટ થયું હતું. તે સ્વતંત્રમિજાજી હતા, તેથી કદી કોઈની નોકરી કરેલી નહિ. 1934માં તે અખિલ ભારતીય શાસન પરિષદના સભ્યપદે નિમાયા હતા અને તે સંસ્થાના આજીવન સભ્ય રહેલા. 1939માં ઇન્ટરનૅશનલ અકાદમી ઑવ્ અમેરિકાએ તેમને ડી. લિટ્ની ઉપાધિ અર્પી સન્માનિત કર્યા હતા. ઉમર અલીશા પ્રભાવશાળી વક્તા હતા અને ભાષા પર તેમને પૂરો કાબૂ હતો.

તેમનાં નાટકોમાં ‘મણિમાલા’, ‘મહાભારત કૌરવરંગમુ’, ‘અનસૂયાદેવી’ અને કાવ્યોમાં ‘ઉમરખૈયામ’, ‘પૈગમ્બર મુહમ્મદનું જીવન’, ‘સૂફી વેદાંતદર્શન’, ‘સર્ગમાતા’, ‘બર્હિણીદેવી’, ‘શ્રીમદ્ વાલ્મીકિ રામાયણ’ (વાલ્મીકિ રામાયણનો અનુવાદ) નોંધપાત્ર છે.

ઉમર અલીશાની કવિતા રસવાહી, મનોહર અને પ્રવાહી છે. આ મુસલમાન કવિએ તેલુગુ સાહિત્યની અપૂર્વ સેવા કરી છે.

કૃષ્ણવદન જેટલી