ઉમદા વાયુઓ

January, 2004

ઉમદા વાયુઓ (noble gases) : આવર્તક કોષ્ટકના શૂન્ય (હવે 18મા) સમૂહમાં આવેલાં વાયુરૂપ રાસાયણિક તત્વો. અંગ્રેજ વૈજ્ઞાનિકો રેલે અને રામ્સેના પ્રયત્નોથી આ વાયુઓ [હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટૉન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn)] શોધાયા હતા. હીલિયમ પૃથ્વી પર શોધાયા પહેલાં તેની હાજરી સૂર્યમાં સાબિત થઈ હતી. પૃથ્વીના વાતાવરણમાં તેમનું કુલ પ્રમાણ આશરે 1 % જેટલું છે. વાતાવરણમાં 10 લાખ ભાગે He 5.2, Ne 18, Ar 9300, Kr 1.0 અને Xe 0.08 ભાગ હોય છે. Rn વિકિરણધર્મી છે અને વાતાવરણમાં તે હોતો નથી. લાંબા સમય સુધી આ તત્વોનાં સંયોજનો બનાવી શકાયાં ન હોઈ તેમને નિષ્ક્રિય (inert) વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા. છેલ્લાં થોડાં વર્ષોમાં Kr, Xe અને Rnના ફ્લોરિન અને ઑક્સિજન સાથેનાં સ્થાયી સંયોજનો મેળવી શકાયાં છે. તેથી તેમને નિષ્ક્રિય કહેવાં તે યોગ્ય નથી. આ તત્વોના અણુઓ એકપરમાણુક (monatomic) છે અને તેમના પરમાણુઓની અંત્ય કક્ષામાં આઠ (ns2np6) (Heમાં બે) ઇલેક્ટ્રૉન રહેલાં છે. આ વાયુઓ ઘણા ઉપયોગી સાબિત થયા છે.

પ્રવીણસાગર સત્યપંથી