ઉપાધ્યાય, પુષ્પલાલ

January, 2004

ઉપાધ્યાય, પુષ્પલાલ (જ. 17 ઑક્ટોબર  1906, લાઇમાકુરી, લક્ષ્મીપુર, આસામ ; અ. 30 ડિસેમ્બર 1989) : નેપાળી કવિ. તેમની રચના ‘ઉષામંજરી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે શોણિતપુર (આસામ), વારાણસી તથા જનકપુર(નેપાળ)માં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ પણ સ્વાતંત્ર્ય-આંદોલન દરમિયાન થયો. તેમનાં કાવ્યો જુદાં જુદાં સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થયાં હતાં. વળી આકાશવાણી પરથી પણ તે પ્રસારિત થતાં હતાં. થોડો સમય તેઓ ‘પ્રભાત’ તથા ‘બ્રહ્મપુત્ર’ નામક 2 સાહિત્યિક સામયિકના સંપાદક પણ રહ્યા. નેપાળની જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પુરસ્કૃત કૃતિ ‘ઉષામંજરી’માં વિવિધ વિષયનાં 28 કાવ્યો છે. રાષ્ટ્રપ્રેમ-દેશદાઝ, પ્રકૃતિ, લોકસંઘર્ષ, પદદલિતોની પીડા જેવા કાવ્યવિષયો તેમાં આલેખાયા છે. કાવ્યોની અનન્ય સ્વાભાવિકતા તથા ભાવનાઓનું ઊંડાણ તથા સચ્ચાઈ – એ આ કૃતિની બે મુખ્ય વિશેષતા છે. તેમની કવિતા છંદોબદ્ધતા-લયાત્મકતા તથા અનુભવસમૃદ્ધિને કારણે સૌંદર્યસંતર્પક બની છે.

મહેશ ચોકસી