ઉનગાવા : કૅનેડાના ઈશાન ખૂણે આવેલો દ્વીપકલ્પ. તે હડસન ઉપસાગર અને પશ્ચિમે આવેલા જેમ્સ ઉપસાગર વચ્ચે છે. તેની પૂર્વ દિશામાં લેબ્રેડોરના કાંઠાની પટ્ટી છે. ઉત્તર દિશામાં ઉનગાવા ઉપસાગર અને હડસનની સામુદ્રધુની આવેલાં છે. દક્ષિણે ઇસ્ટમેઇન નદી છે. તેનો 26,00,000 ચોકિમી. વિસ્તાર કૅનેડાના દશમા ભાગને આવરી લે છે. મૂળ તેની માલિકી ‘હડસન બે કંપની’ની હતી. 1895માં ‘નૉર્થ વેસ્ટ ટેરિટરી’ તરીકે ઓળખાતા કૅનેડાના પ્રદેશનો તે ભાગ બન્યો. 1912માં તે ક્વિબેક પ્રાંતની હકૂમત નીચે હતો. 1927માં તેના બે ભાગ થતાં મોટો વિસ્તાર ક્વિબેક નીચે રહ્યો અને પૂર્વ તરફનો ત્રીજો ભાગ ન્યૂફાઉન્ડલૅન્ડને મળતાં તે લેબ્રેડોરનો ભાગ બન્યો. ઉનગાવા દ્વીપકલ્પ કૅનેડાના મહાન લૉરેન્શિયન ઢાલ તરીકે ઓળખાતા પ્રદેશનો ભાગ છે. આ ભાગ ટુન્ડ્ર પ્રદેશમાં આવેલો છે. રક્ષિત ખીણોમાં વીલોનાં છૂટાંછવાયાં ઠિંગરાયેલા (stunted) વૃક્ષો જોવા મળે છે. અહીં એસ્કિમો તથા રેડ ઇન્ડિયનો વસે છે.
ક્વિબેક ન્યૂફાઉન્ડલૅન્ડની સરહદે કાચું લોખંડ મળી આવતાં 1954થી કૅનેડિયન અને અમેરિકન કંપનીઓએ સહકારથી આ ખાણોને વિકસાવી છે. ઉનગાવાનો નૈર્ઋત્ય ખૂણાનો પ્રદેશ નૂવા ક્વિબેક કહેવાય છે. 1950 પછી ખાણ ઉદ્યોગ શરૂ થતાં ક્વિબેકમાં આવેલું શેફરવિલે સૌથી મોટું શહેર બન્યું છે.
શિવપ્રસાદ રાજગોર