ઉધાસ, મનહર (જ. 13 મે 1943, સાવરકુંડલા) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી પાર્શ્વગાયક અને ઉચ્ચ કોટીના ગઝલ ગાયક. વતન સૌરાષ્ટ્રનું ગામ જેતપુર. બાળપણથી જ સંગીતમાં સક્રિય રસ જાગ્યો, જેને કારણે સંગીતની સ્પર્ધાઓમાં અને કૉલેજના યુવક-મહોત્સવોમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં. ગુજરાતી ગઝલોને સંગીતમાં મઢીને રજૂ કરવામાં તેઓ પંકાયેલા છે. ગુજરાતી ભાષા ઉપરાંત ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં તેમણે ગીતો ગાયાં છે અને દસ ગોલ્ડ ડિસ્ક અને પાંચ પ્લૅટિનમ ડિસ્ક મેળવી છે. પાર્શ્વગાયક તરીકે તેમણે જેમાં ગાયું હોય તેવી ફિલ્મોની સંખ્યા ચારસો ઉપરાંતની થાય છે. તેમનાં ભક્તિસભર ગીતોનાં આલબમ પણ બહાર પડ્યાં છે; જેમાં શિરડીના સાંઈબાબા પરનાં પંદર જેટલાં આલબમોનો સમાવેશ થાય છે. તે ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. તેમનાં 31 જેટલાં આલબમો બહાર પડ્યાં છે. ગુજરાતી ચલચિત્ર ‘માડી મને કહેવા દે’માં તેમણે ગાયેલ ગીત માટે ગુજરાત સરકાર વતી વર્ષ 1970માં તેમને શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર એનાયત થયો હતો. વર્ષ 2003માં તેમને ઉત્કૃષ્ટ ગુજરાતી ગઝલગાયકી માટે પંડિત ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે જીવનપર્યંત ઉત્તમ સંગીત રજૂ કરવા માટે તેમને વર્ષ 2004માં ‘મહારથી ઍવૉર્ડ’થી સન્માનવામાં આવ્યા હતા. ચલચિત્રોમાં ઉત્તમ પાર્શ્ર્વગાયન માટે તેમને કલાશ્રી ઍવૉર્ડ, આશીર્વાદ ઍવૉર્ડ, ઉમિદ પુરસ્કાર, સહયોગ પુરસ્કાર, મહમદ રફી ઍવૉર્ડ, પ્રિયદર્શિની ઍવૉર્ડ જેવા અનેક ઍવૉર્ડ અને પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. તેમણે 300થી વધારે ફિલ્મોમાં ગીત ગાયાં છે.

મનહર ઉધાસ

ગુજરાત સરકારે તેમને વર્ષ 2002–2003માં રાજ્ય ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે