ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ

January, 2004

ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ : અવકાશસ્થિત જ્યોતિઓનાં સ્થાન દર્શાવતી અવચ્છેદક પદ્ધતિ. પૃથ્વીના પટ પર આવેલા સ્થાનને એના અક્ષાંશ અને રેખાંશના આધારે જાણી શકાય છે તેમ આકાશમાં આવેલા કોઈ જ્યોતિનું સ્થાન એના શર (આકાશી અક્ષાંશ) અને ભોગ (આકાશી રેખાંશ) વડે જાણી શકાય છે. આકાશી પદાર્થનું ક્ષિતિજરેખાથી ઊંચાઈનું કોણીય માપ તેના ઉન્નતાંશ છે. ઉન્નતાંશ ઉદવૃત્ત (vertical circle) પર મપાય છે. ઉદવૃત્ત ક્ષિતિજરેખાને જે બિંદુમાં મળે ત્યાંથી ઉદવૃત્ત પર આવેલા આકાશી પદાર્થ સુધીનું અંતર તે જ્યોતિના ઉન્નતાંશ છે. ઉન્નતાંશ ક્ષિતિજથી માંડી ख (માથા પરનું આકાશી બિંદુ) મધ્ય સુધી માપી શકાય છે અને 0o થી 90o સુધીની રીતે દર્શાવાય છે.

ઉન્નતાંશ દિગંશ

દિગંશ ક્ષિતિજ પર મપાતું કોણીય અંતર છે. ક્ષિતિજ પર પશ્ચિમ તરફ માપવાની રીતે, યામ્યોત્તરવૃત્તસ્થિત દક્ષિણ બિંદુથી આકાશી પદાર્થનું ઉદવૃત્ત ક્ષિતિજને જે બિંદુમાં મળે ત્યાં સુધીનું અંતર દિગંશ છે. દિગંશ 0oથી 360o સુધી મપાય છે અને द. प. અમુક અંશ એમ દર્શાવાય છે. જરૂર પડ્યે उ. पू. અમુક અંશની રીતે પણ દર્શાવી શકાય છે.

છોટુભાઈ સુથાર