ઉદ્યોગીકરણ

દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય છે તેમજ દેશના કુલ ઉત્પાદનમાં કૃષિપેદાશોની તુલનામાં ઉદ્યોગોની પેદાશનો હિસ્સો ઘણો વધારે હોય છે. તેનાથી ઊલટી સ્થિતિ વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. એ દેશોનાં અર્થતંત્રોમાં ઉત્પાદન તેમજ રોજગારીની ર્દષ્ટિએ ખેતીની તુલનામાં ઉદ્યોગોનો ફાળો ઘણો ઓછો હોય છે. આ અવલોકનમાંથી એ સ્પષ્ટ થયું કે દેશમાં આર્થિક વિકાસ સાધીને ગરીબી તથા બેકારી દૂર કરવા માટે દેશનું ઉદ્યોગીકરણ કરવું જરૂરી છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં દુનિયાના લગભગ બધા જ વિકાસશીલ દેશોમાં સરકારોએ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની નીતિઓ ઘડીને તે દિશામાં પગલાં ભર્યાં છે.

દેશના ઉદ્યોગીકરણની પ્રક્રિયા એ મોટા સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આ પરિવર્તનના કેટલાક નોંધપાત્ર મુદ્દાઓ નીચે પ્રમાણે છે :

  1.  દેશની વસ્તીનો મોટોભાગ ગ્રામવિસ્તારોને બદલે નગર-વિસ્તારોમાં રહેતો થાય છે. આ પ્રક્રિયામાં ગ્રામીણ સંસ્કૃતિનું સ્થાન શહેરી સંસ્કૃતિ લે છે. આમાં ઘણી સામાજિક પરંપરાઓ લુપ્ત થાય છે અને નવી પરંપરાઓ અસ્તિત્વમાં આવે છે. તેથી લોકોને તેમની ઘણી જૂની આદતો છોડવી પડે છે અને નવી આદતો કેળવવી પડે છે; દા. ત., ખેતીમાં મોસમી ધોરણે કામ કરવાનું હોય છે, જ્યારે ઉદ્યોગોમાં અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં નિયમિત અને સતત કામ કરવાનું હોય છે.
  2.  વસ્તીની વ્યાવસાયિક વહેંચણી બદલાય છે. ઉદ્યોગીકરણના આરંભે વસ્તીનો 60 ટકાથી અધિક ભાગ ખેતીમાં રોકાયેલો હોય છે. એ પ્રમાણ ક્રમશ: ઘટતું જાય છે અને ઉદ્યોગો તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધતું જાય છે. ઉદ્યોગોને સહાયક ગણી શકાય એવી વિવિધ નવી આર્થિક પ્રવૃત્તિઓ વિકસે છે; દા. ત., પરિવહન અને સંદેશાવ્યવહારનો ઘણો મોટો વિસ્તાર થાય છે. ઉદ્યોગોને નાણાં ધીરવા માટે વિવિધ પ્રકારની નાણાકીય સંસ્થાઓ સ્થપાય છે, જોખમો ઉપાડવા માટે વીમાનું કામ કરતી પેઢીઓ પણ સ્થપાય છે.
  3.  આધુનિક ઉદ્યોગીકરણની પ્રક્રિયા, તેની અગાઉના ઉદ્યોગોની તુલનામાં કેટલીક અગત્યની બાબતોમાં જુદી પડે છે. ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના ઉદ્યોગો ગૃહ-ઉદ્યોગો હતા, તેમાં ઉત્પાદનનાં સાધનો હાથસાળ અને ચરખા જેવાં સાદાં હતાં અને મુખ્યત્વે માનવશક્તિથી ચાલતાં હતાં. ઔદ્યોગિક ક્રાંતિ પછી જે ઉદ્યોગીકરણ થયું તેમાં માનવશ્રમનું તેમજ પશુશ્રમનું સ્થાન યંત્રોએ લીધું. માનવશ્રમ તેમજ પશુશ્રમની અવેજીમાં યંત્રો અને યાંત્રિક ચાલકશક્તિ પ્રયોજાયાં. તે વિજ્ઞાન અને તેના પર વિકસેલી ટેક્નૉલૉજીનું પરિણામ હતું. આધુનિક ઉદ્યોગીકરણના પાયામાં નિરંતર વિકસતાં જતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી રહેલાં છે.
  4.  લોકોનો વ્યવસાય બદલાય છે તે કારણે તથા નિરંતર વિકસતી જતી ટેક્નૉલૉજીના કારણે આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ બદલાય છે. એને પરિણામે લોકોને નવી નવી કુશળતાઓ પ્રાપ્ત કરવી પડે છે; દા. ત., બળદગાડાનો ચાલક નવી કુશળતા પ્રાપ્ત કર્યા વિના મોટરટ્રક ચલાવી શકે નહિ. આ બધી કુશળતાઓ કુટુંબમાં ભાગ્યે જ કેળવી શકાય છે.
  5.  માનવશ્રમની અવેજીમાં યંત્રો પ્રયોજાયાં એ ફેરફારના અનેક ફલિતાર્થો હતા. ગૃહ-ઉદ્યોગ એનો કારીગર એના ઘેર જ ચલાવી શકતો હતો. એમાં વપરાતાં સાદાં સાધનોનો એ પોતે જ (મોટા ભાગના દાખલાઓમાં) માલિક હતો. તે અગાઉથી મળતી વરદી પ્રમાણે ઉત્પાદન કરતો હતો અને તેનું વેચાણ મહદંશે સ્થાનિક બજારમાં જ કરવામાં આવતું હતું. યંત્રો પર આધારિત ઉદ્યોગો કારખાનામાં કેન્દ્રિત થયા. એમાં વપરાતાં સાધનો મોંઘાં હોવાથી તેમના માટે જરૂરી નાણાં ઊભાં કરવા માટે સંયુક્ત મૂડી કંપનીના સ્વરૂપે નવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. કામદારોનો દરજ્જો વેતનદાર મજૂરોનો બની ગયો. માનવશક્તિના સ્થાને યંત્રશક્તિ પ્રયોજાતાં કામદારની ઉત્પાદનશક્તિમાં અકલ્પિત વધારો થયો. તેથી વસ્તુના વેચાણ માટેનું બજાર સ્થાનિક ન રહેતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બન્યું. આ માર્ગે દુનિયાના વિવિધ દેશોના લોકો વચ્ચેનો પ્રત્યક્ષ યા પરોક્ષ સ્વરૂપનો સંપર્ક વધતો ગયો છે. દુનિયામાં પરિવર્તનો સર્જનારું તે એક ગતિશીલ પરિબળ બન્યું છે.

આમ, ઉદ્યોગોના વિકાસ દ્વારા થતી ઉદ્યોગીકરણની પ્રક્રિયા, વિશાળ પાયા પરના સામાજિક પરિવર્તનની એક પ્રક્રિયા હોવાથી એ દિશામાં કોઈ દેશ કેટલો આગળ વધ્યો છે તેનું માપ કેવળ ઉદ્યોગોના ક્ષેત્રે કયા દરે ઉત્પાદન વૃદ્ધિ થઈ રહી છે કે કેટલા પ્રમાણમાં મજૂરોને ઉદ્યોગોના ક્ષેત્રે રોજગારી મળી રહી છે એવા સ્થળ-નિર્દેશકોના આધારે કાઢી શકાય નહિ.

ઉદ્યોગીકરણ વિકાસશીલ દેશોમાં

બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક વિકાસ સાધવાના એક ઉપાય રૂપે દુનિયાના વિકાસશીલ દેશોએ ઔદ્યોગિક વિકાસની નીતિ અપનાવી છે. આ ધ્યેયમાં બધા જ વિકાસશીલ દેશોને એકસરખી સફળતા સાંપડી નથી. પૂર્વ એશિયામાં દક્ષિણ કોરિયા, સિંગાપુર, હૉંગકૉંગ વગેરે કેટલાક દેશો તથા દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ વગેરે કેટલાક દેશોમાં છેલ્લા ત્રણેક દસકા દરમિયાન ઝડપથી ઔદ્યોગિક વિકાસ થયો હોવાથી તે દેશોને નવોદિત ઔદ્યોગિક દેશો તરીકે ઓળખવામાં આવે છે. 1999ના વર્ષમાં દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ઉત્પાદનનો હિસ્સો 44 ટકા હતો, સિંગાપુરમાં તે 36 ટકા હતો, મલેયશિયામાં 44 ટકા અને ઇન્ડોનેશિયામાં 45 ટકા હતો. આમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે આ બધા જ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાની સરખામણીમાં ઉદ્યોગોનો હિસ્સો વધારે છે. આમ રાષ્ટ્રીય આવકમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોનો હિસ્સો વધારે છે એ અર્થમાં આ બધા દેશો ઔદ્યોગિક બની ગયા છે. અલબત્ત, આમાંના મોટા ભાગના દેશોમાં ઉદ્યોગોની સરખામણીમાં ખેતીમાં ઘણા વધારે કામદારો રોકાયેલા છે, એટલે કે આ દેશોમાં રોજગારીનો મુખ્ય સ્રોત હજીયે ખેતી છે.

ઉદ્યોગીકરણ ભારતમાં

1840 સુધી બ્રિટનના વિદેશવ્યાપારને પોષક તથા પૂરક તેવાં બ્રિટિશ ખાનગી સાહસો બૅંકિંગ, વીમા, ગળીના બગીચા, ચાના બગીચા, વહાણવટું, રૂના પ્રેસ તથા કોલસાની ખાણો ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં કેન્દ્રિત થયાં હતાં. ભારતીય સાહસોએ આધુનિક ઉદ્યોગોમાં પ્રવેશ કર્યો ન હતો.

1850-1860ના દાયકાથી પ્રથમ વિશ્વયુદ્ધ સુધીના સમયના ગાળામાં બ્રિટિશ મૂડી તથા સાહસોનો ઉપર્યુક્ત ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધુ પ્રસાર થયો તેમજ બ્રિટિશ સાહસોએ શણના કાપડની મિલો, રાજ્યપ્રેરિત રેલવેના વિસ્તરણ સાથે સંકળાયેલ ફાઉન્ડ્રીઓ અને ધાતુજન્ય ઉદ્યોગો, કોલસાની ખાણો તથા ચાના બગીચાઓમાં પણ નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ સાધ્યો. 1900ના વર્ષ સુધીમાં શણ-ઉદ્યોગમાં 15,000 સાળો સ્થાપિત થઈ ચૂકી હતી. કોલકાતા નજીક રાણીગંજ કોલસાની ખાણોના પરિણામે કોલસાનું ઉત્પાદન 1854માં દશ લાખ ટન જેટલું હતું તે વધીને 1980માં 2 કરોડ ટનની સપાટીએ પહોંચી ગયું હતું.

આધુનિક ઉદ્યોગોના ક્ષેત્રમાં ભારતીય સાહસોનો પ્રારંભ ઓગણીસમી સદીમાં સુતરાઉ કાપડની મિલોની સ્થાપનાથી થયો. ભારતીય સાહસોને કાપડ-ઉદ્યોગમાં પ્રવેશ કરવા માટે નીચે દર્શાવેલા સાનુકૂળ સંજોગો હોવાને કારણે તે ક્ષેત્રથી જ તેનો પ્રારંભ થયો છે :

(1) સુતરાઉ કાપડ માટે સ્થાનિક બજાર પર જ આધાર રાખવાનો હતો. વળી, સ્થાનિક ગ્રાહકોની સુતરાઉ કાપડની માગ પૂરતી હોવાને લીધે વિદેશી સરકારના પ્રોત્સાહન વગર ચાલી શકે તેમ હતું. (2) આ ઉદ્યોગ માટે આવશ્યક યંત્રવિદ્યા વિદેશથી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેમ હતી. (3) આ ઉદ્યોગ માટે કાર્યકુશળ કારીગરોની બહુ જ અલ્પ પ્રમાણમાં આવશ્યકતા હતી અને તાલીમ વગરના સામાન્ય શ્રમજીવીઓ તો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતા. (4) કાપડના વેપારમાં પ્રવૃત્ત વેપારીઓ પોતાની બચતોને તથા કાપડના વેપારના અનુભવોને આ નવાં સાહસોમાં ઉપયોગમાં લેવા માટે સજ્જ હતા.

1874 સુધીમાં ભારતીય મૂડી અને સાહસ વડે સુતરાઉ કાપડની 17 મિલો સ્થપાઈ ચૂકી હતી. તે સાહસોની સફળતા બાદ 1875માં બ્રિટિશ સાહસે સુતરાઉ કાપડના ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. આમ છતાં સુતરાઉ કાપડના ઉદ્યોગમાં તો ભારતીય મૂડી અને સાહસનું જ પ્રભુત્વ રહેવા પામ્યું હતું.

વીસમી સદીના પ્રારંભમાં જમશેદજી તાતાએ દીર્ઘર્દષ્ટિ અને ર્દઢ નિર્ધાર વડે જમશેદપુર ખાતે પોલાદના ઉત્પાદન કાજે સ્થાપેલ ઔદ્યોગિક સાહસ દ્વારા એક ભવ્ય સ્વપ્ન સાકાર કર્યું. 1911નું વર્ષ આધુનિક ભારતીય ઉદ્યોગોની સ્થાપનાના ઇતિહાસમાં એક ઉલ્લેખનીય સીમાચિહન બની રહેલું છે. જમશેદજી તાતાના આ સાહસ પૂર્વે ચેન્નાઈ તથા કૉલકાતા મધ્યે લોખંડ તથા પોલાદ-ઉત્પાદનના એકમો સ્થાપવા બ્રિટિશરોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ તે બંને પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. તેની તુલનાએ તાતાની સફળતા જ્વલંત અને અદભુત હતી.

ઔદ્યોગિક વિકાસમાં આધુનિક ભારતીય એકમો સ્થાપવાનો યશ પારસીઓ, ગુજરાતીઓ તથા રાજસ્થાનીઓને ફાળે જાય છે. જેમ પારસીઓએ મુંબઈ ખાતે સુતરાઉ કાપડ અને જમશેદપુર ખાતે લોખંડ અને પોલાદના ઉત્પાદનના ક્ષેત્રે ઝંપલાવ્યું હતું તેમ ગુજરાતી વેપારીઓએ સુતરાઉ કાપડના ઉત્પાદનક્ષેત્રે અમદાવાદમાં જમાવટ કરી હતી. આવી જ રીતે ધીરધારના ધંધામાં પ્રવૃત્ત મારવાડી શાહુકારોએ કોલકાતા ઇત્યાદિ ક્ષેત્રોમાં પોતાનાં ઔદ્યોગિક સાહસો વિકસાવ્યાં હતાં.

બ્રિટિશરોએ ઔદ્યોગિક સાહસોને મૂડી પૂરી પાડવા તથા સંચાલન કરવા માટે મૅનેજિંગ એજન્સીની પ્રથા શરૂ કરી હતી. ભારતીય ઉદ્યોગપતિઓએ પણ તેમનું અનુકરણ કરી તે પ્રથા અપનાવી હતી. આગેવાન મૅનેજિંગ એજન્સી-ગૃહોએ જુદા જુદા ઉદ્યોગોને મૂડી, ટૅકનિકલ જાણકારી તથા સંચાલન-વ્યવસ્થાની સુવિધાઓ પૂરી પાડી હતી.

1850થી પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન આધુનિક ઉદ્યોગોના ક્ષેત્રે ભારતમાં ભલે નવાં મંડાણ થયાં, પરંતુ સમગ્રપણે જોઈએ તો આ સમય દરમિયાન આધુનિક ઉદ્યોગોનો વિકાસ ધીમો રહ્યો; એટલું જ નહિ, તે ઉદ્યોગોના વિકાસનો પાયો પણ મર્યાદિત રહેવા પામ્યો હતો. 1919માં આધુનિક ઔદ્યોગિક સાહસોમાં માત્ર 11.7 લાખ શ્રમજીવીઓને રોજગારી પૂરી પાડી શકાઈ હતી અને રાષ્ટ્રના કુલ શ્રમબળમાં તેનું પ્રમાણ એક ટકા કરતાં પણ ઓછું રહેવા પામ્યું હતું.

આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસની એક વિશિષ્ટતા એ હતી કે જ્યારે બ્રિટિશ ઔદ્યોગિક સાહસો બ્રિટન સાથેના વ્યાપારને અનુલક્ષીને જ સ્થાપવામાં આવ્યાં હતાં, ત્યારે ભારતીય ઔદ્યોગિક સાહસો કાપડ, પોલાદ ઇત્યાદિ ચીજવસ્તુઓની આયાતોના અવેજીકરણ રૂપે શરૂ કરવામાં આવ્યાં હતાં. બીજી એક વિશિષ્ટતા એ પણ નોંધવા જેવી છે કે સુતરાઉ કાપડના ઉત્પાદનના ક્ષેત્રે ભારતીય સાહસોની સફળતા પછી જ બ્રિટિશ સાહસોએ તેમાં પ્રવેશ કર્યો હતો. તેવી જ રીતે કોલસાની ખાણો, ચા તથા શણના કાપડ ઉદ્યોગોમાં બ્રિટિશ સાહસોની પાછળ ભારતીય સાહસો દાખલ થયાં હતાં.

1914-1947 : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોલાદ ઉપરાંત કોલસા અને શણઉદ્યોગોને યુદ્ધની માંગને કારણે સારો એવો લાભ પ્રાપ્ત થયો. યુદ્ધ દરમિયાન વિદેશી કાપડની આયાતો મુશ્કેલ બનવાથી સ્વદેશી કાપડ-ઉદ્યોગે પણ નોંધપાત્ર પ્રગતિ કરી. તદુપરાંત ચામડાં, સાબુ, વહાણવટું, ગરમ કાપડ ઇત્યાદિ ઉદ્યોગોએ પણ યુદ્ધને કારણે લાભ મેળવ્યો; પરંતુ પહેલા વિશ્વયુદ્ધે ભારતના અપર્યાપ્ત ઔદ્યોગિક પાયાની તથા યુદ્ધ અને સંરક્ષણની ર્દષ્ટિએ ભારતના ઔદ્યોગિક વિકાસની મર્યાદાઓ છતી કરી.

પ્રથમ વિશ્વયુદ્ધ પછીના દાયકામાં આધુનિક ઉદ્યોગોનું ઉલ્લેખનીય વિસ્તૃતીકરણ થવા પામ્યું. ખનિજો તથા ધાતુઓ, ખાદ્યપદાર્થો, મદ્ય, તમાકુ તથા સિગારેટ, રંગો તથા રસાયણો, કાગળ તથા છાપકામ, લાકડું, પથ્થર, ચામડાં તથા હાડકાંની બનાવટો ઇત્યાદિ ક્ષેત્રોમાં ઉદ્યોગોનું વિસ્તૃતીકરણ થયું હતું. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધના સમય સુધીમાં તો સિમેન્ટ, કાગળ, ખાંડ, દીવાસળી, મીઠું, રેશમ, લોખંડની બનાવટો, સાઇકલો તથા કાપડ-ઉદ્યોગોનાં યંત્રો અને ઓજારો જેવાં બીજાં નવાં ક્ષેત્રોમાં પણ આધુનિક ઉદ્યોગો સ્થપાયા.

બે વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળા દરમિયાન ઉદ્યોગોના વિકાસ તથા વિસ્તૃતીકરણને સરકારે અપનાવેલ આયાત-જકાતની નીતિએ સુંદર ઉત્તેજન આપ્યું. મુક્ત વ્યાપારને બદલે હવે સરકારે વિવેકયુક્ત રક્ષણની નીતિ અપનાવી અને ભારતીય ઔદ્યોગિક સાહસોને વિદેશી ચીજવસ્તુઓની સસ્તી આયાતોના આક્રમણ સામે રક્ષણ આપ્યું.

યુદ્ધ જીતવા માટે ઉદ્યોગોના વિસ્તૃત પાયાની આવશ્યકતા ઉપરાંત ભારતીય જનમત અને કેટલાક પ્રતિષ્ઠિત અંગ્રેજ વિચારકોના અભિપ્રાયોને કારણે જ સરકારને પોતાની વિદેશ-વ્યાપારની નીતિમાં ફેરફાર કરવો પડ્યો હતો. 1921માં નીમવામાં આવેલ પ્રથમ ફિસ્કલ કમિશને ભારતના ઉદ્યોગો માટે સંરક્ષણનીતિની હિમાયત કરી અને તેથી તે ભલામણને આ સમયગાળાના ભારતના ઉદ્યોગીકરણનું મહત્વનું સીમાચિહન લેખી શકાય. 1923થી 1939 સુધીમાં ભારતીય ટૅરિફ બૉર્ડોએ 51 જેટલા ઉદ્યોગોની અરજીઓની ચકાસણી કરી તે ઉદ્યોગોને ઓછાવત્તા પ્રમાણમાં રક્ષણ આપ્યું હતું. રક્ષણની નીતિએ જુદા જુદા ઉદ્યોગોને વિકસાવ્યા હતા; એટલું જ નહિ, પણ લોખંડ અને પોલાદ તથા સુતરાઉ કાપડ જેવા ઉદ્યોગોને તો 1929ની મહામંદીની વિપરીત અસરોમાંથી પણ બચાવી લીધા હતા.

બીજા વિશ્વયુદ્ધે આધુનિક ભારતીય ઉદ્યોગોને નવેસરથી ચેતન પૂરું પાડ્યું. સિમેન્ટ, કાગળ, કાપડ, પોલાદ તથા ખાંડ જેવા જૂના ઉદ્યોગો ઉપરાંત તાંબું, જસત અને ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓ તથા તેમની બનાવટો, ડીઝલ-એન્જિનો તથા પમ્પો, સીવવાના સંચા, યાંત્રિક ઓજારો, કાપડ, ચા અને ખાદ્ય તેલ બનાવવા માટેનાં યંત્રો, વીજળીના ગોળા તથા પંખા, કૉસ્ટિક સોડા જેવી રસાયણોની વિવિધ બનાવટો ઇત્યાદિને લગતા નવા ઉદ્યોગોને બીજા વિશ્વયુદ્ધે પ્રોત્સાહન આપ્યું.

1947 પૂર્વે ભારતના ઉદ્યોગીકરણના ચિત્રમાં ખાંડ, વનસ્પતિ-તેલ, સુતરાઉ કાપડ, શણ, લોખંડ તથા પોલાદ, ખાણઉદ્યોગ, રેલવે માટેનો સરંજામ બનાવતા ઉદ્યોગો અને સામાન્ય એન્જિનિયરિંગ ઉદ્યોગોનું પ્રભુત્વ હતું. મૂલ્યવૃદ્ધિની ર્દષ્ટિએ 1946માં સુતરાઉ કાપડ-ઉદ્યોગનો હિસ્સો 46 % અને શણ-ઉદ્યોગનો હિસ્સો 17.5 % હતો. તેવી જ રીતે 1946માં સમગ્ર રોજગારી-સર્જનમાં સુતરાઉ કાપડનો 44.4 % અને શણ-ઉદ્યોગનો 22.2 % ફાળો હતો.

1900-1905 દરમિયાન રાષ્ટ્રીય આવકમાં આધુનિક ઉદ્યોગો અને ખાણોનો ફાળો 12.7 % હતો, તે 1942-47 દરમિયાન વૃદ્ધિ પામીને 17 % સુધી પહોંચ્યો હતો; પરંતુ વ્યવસાયગત માળખાનો અભ્યાસ કરીએ તો આધુનિક ઉદ્યોગોમાં પ્રવૃત્ત શ્રમનું પ્રમાણ 1901 તથા 1951 દરમિયાન 10 %ની આસપાસ જ સ્થગિત રહેવા પામ્યું હતું. આધુનિક ઉદ્યોગોના વિકાસ અને વિસ્તૃતીકરણ પછી પણ ભારતીય અર્થતંત્ર આઝાદીની પૂર્વસંધ્યાએ કૃષિપ્રધાન જ રહેવા પામ્યું હતું તેની નોંધ લેવી ઘટે.

1948 : આઝાદી પૂર્વે ભારતના ઉદ્યોગીકરણ પરત્વે વિદેશી શાસનનું ઓરમાયું વલણ હતું. આઝાદી પછી સ્વાભાવિક રીતે જ ભારતમાં પ્રજાની પોતાની સરકાર શાસન પર આવતાં ઉદ્યોગીકરણને એક નવી દિશા અને નવું જોમ પ્રાપ્ત થતાં તેણે મોટી હરણફાળ ભરી.

1947 પછી અને વિશેષ કરીને 1951થી સરકારની આર્થિક સ્વાવલંબનની નીતિને પરિણામે ભારતમાં અનેક પ્રકારના ઉદ્યોગોના વિકાસને વેગ મળ્યો. આ નીતિને કારણે પ્રારંભમાં વપરાશી વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગો વિકસ્યા અને 1957 પછી તેનો લાભ મુખ્યત્વે ધાતુઓ તથા ધાતુજન્ય ઉદ્યોગો, એન્જિનિયરિંગ તથા યંત્રો બનાવતા ઉદ્યોગો અને રસાયણો તથા રસાયણ-પ્રેરિત ઉદ્યોગોને પ્રાપ્ત થયો; પરંતુ સરકારની આયાત-અવેજીકરણની આ નીતિને લીધે ઉદ્યોગોનો વિકાસ આડેધડ થયો અને વિદેશી હરીફાઈથી સુરક્ષિત થવાને લીધે સામાજિક ર્દષ્ટિએ ઓછાં ઉપયોગી અને બિનકાર્યક્ષમ કેટલાંય ઔદ્યોગિક સાહસો અસ્તિત્વમાં આવ્યાં.

1956 : બીજી પંચવર્ષીય યોજનાના પ્રારંભ(1956)થી સરકારે પાયાના તથા ચાવીરૂપ ઉદ્યોગોને પ્રાધાન્ય આપવાની નવી વ્યૂહરચના સ્વીકારી. સામાન્યત: પ્રથમ વપરાશી વસ્તુ બનાવતા ઉદ્યોગો, પછી વચગાળાની વસ્તુઓ તથા મૂડીનું સર્જન કરતા ઉદ્યોગો અને છેવટે પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ થાય તેવો ઐતિહાસિક ક્રમ વિશ્વનાં ઘણાખરાં રાષ્ટ્રોમાં જોવા મળ્યો છે; પરંતુ ભારતના શાસકોએ સોવિયેત રશિયા જેવા દેશની ઝડપી ઔદ્યોગિક પ્રગતિથી અંજાઈને સૌપ્રથમ પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગો વિકસાવવાની વ્યૂહરચના અપનાવી. બીજી તથા ત્રીજી પંચવર્ષીય યોજનાઓમાં ઉદ્યોગીકરણ માટેના આયોજનખર્ચના અંદાજોમાં ધાતુ, યંત્રો તથા રસાયણ-ઉદ્યોગોને અનુક્રમે 70 અને 80 ટકા રકમની ફાળવણી કરવામાં આવી હતી.

1956-57 પછી ભારતમાં ભીલાઈ, રૂરકેલા, દુર્ગાપુર તથા બોકારો ખાતે લોખંડ અને પોલાદનાં કારખાનાં સ્થપાયાં. લોખંડ તથા પોલાદની માફક ઍલ્યુમિનિયમ, એન્જિનિયરિંગ, રસાયણો, ખાતરો તથા પેટ્રોલિયમ પેદાશોના ઉદ્યોગોએ ઝડપી વિકાસ સાધ્યો. આ સિવાય ઇલેક્ટ્રિકલ સાધનસામગ્રી, ધાતુઓની ભઠ્ઠીઓ અને તેમાંથી બનતી સામગ્રી, એન્જિનિયરિંગ યંત્રસામગ્રી તથા વાહનવ્યવહારનાં મોટાં સાધનો અને જહાજો ઇત્યાદિ ભારે ઉદ્યોગોએ પણ નોંધપાત્ર વિકાસ સાધ્યો.

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ જેને આધુનિક યાત્રાધામો તરીકે ઓળખાવ્યાં હતાં તેવાં અનેક વિરાટકાય ઔદ્યોગિક સાહસો 1950 પછીનાં 50 ઉપરાંત વર્ષમાં ભારતમાં અસ્તિત્વમાં આવ્યાં છે. વળી ભારતના ઉદ્યોગોમાં આઝાદી પછી ક્રાન્તિકારી વિસ્તૃતીકરણ થવા પામ્યું છે. કુદરતી તેલ અને ગૅસની પ્રાપ્તિ પછી તેના પર આધારિત પેટ્રો-કેમિકલ તથા બીજા અનેક ઉદ્યોગો વિકસ્યા છે. ભારતમાં હવે મોટાં જહાજો બનવા લાગ્યાં છે. આ ઉપરાંત રેલવેનાં એન્જિનો, વૅગનો તથા મુસાફરો માટે ડબાઓ બનાવતા ઉદ્યોગો સ્થપાયા છે. વિમાનોના તથા તેના સરંજામના ઉત્પાદન માટે હિંદુસ્તાન ઍરોનોટિક્સની સ્થાપના થઈ છે. ભારતમાં જાહેર, સહકારી તથા ખાનગી ક્ષેત્ર હેઠળ ખાતરનાં અનેક કારખાનાંઓ વિકાસ સાધી રહ્યાં છે. વીજળીના ઉત્પાદન માટે શહેરો તથા ગ્રામીણ પ્રદેશોમાં અનેક નાનીમોટી પ્રયોજનાઓ (projects) અસ્તિત્વમાં આવી છે. તાંબું, જસત, ઍલ્યુમિનિયમ ઇત્યાદિ ધાતુ પર આધારિત ઉદ્યોગોને વિકસાવવા જુદાં જુદાં કૉર્પોરેશનોની રચના કરવામાં આવી છે. ભારે ઇલેક્ટ્રિકલ્સ, એન્જિનિયરિંગ-સામગ્રી તથા યંત્રો બનાવવા માટે જાહેર સાહસોએ જુદાં જુદાં સ્થળોએ પોતાના એકમો વિસ્તાર્યા છે. દવાઓ ઇત્યાદિ બનાવવા માટે વિદેશી સહયોગ વડે કેટલીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પ્રગતિના પંથે છે.

જાહેર ક્ષેત્ર : ભારતે ઉદ્યોગીકરણ માટે મિશ્ર અર્થતંત્રનો અભિગમ સ્વીકારેલ છે. આ હેતુસર સરકારની ઔદ્યોગિક નીતિના 1956ના પ્રસ્તાવમાં જાહેર તેમજ ખાનગી ક્ષેત્રો માટે ઉદ્યોગોની ત્રણ સૂચિઓ નક્કી કરેલી. પ્રથમ સૂચિમાં 17 ઉદ્યોગોનો સમાવેશ કરેલો અને તેમાં મુખ્યત્વે રાષ્ટ્રના સંરક્ષણ માટેના ઉદ્યોગો, પાયાના તથા ચાવીરૂપ ઉદ્યોગો, અગત્યના ખનિજ-ઉદ્યોગો તથા વાહન અને સંદેશાવ્યવહાર તેમજ વીજળીને સ્પર્શતા ઉદ્યોગોનો સમાવેશ થતો હતો. આ ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખેલા. અર્થાત્ ભવિષ્યમાં આ 17 ઉદ્યોગોનો વિકાસ જાહેર ક્ષેત્ર દ્વારા જ થઈ શકે તેવી જોગવાઈ એ પ્રસ્તાવમાં કરેલી. બીજી સૂચિમાં 12 ઉદ્યોગો હતા. એમાં પ્રથમ સૂચિમાં નહિ દર્શાવેલા ખનિજ-ઉદ્યોગો તથા રસ્તા અને દરિયાઈ વાહનવ્યવહાર, ઍલ્યુમિનિયમ અને બીજી ધાતુઓ, યંત્રો અને ઓજારો, રસાયણો, દવાઓ, ખાતર ઇત્યાદિ ઉદ્યોગોનો સમાવેશ કરેલો. આ ઉદ્યોગો જાહેર તથા ખાનગી ક્ષેત્ર એમ બંને માટે ખુલ્લા રાખેલા. આમ છતાં આ ઉદ્યોગોના વિકાસમાં જાહેર ક્ષેત્રને પ્રાધાન્ય મળે તેવી જોગવાઈ અભિપ્રેત હતી. ત્રીજી સૂચિમાં બાકીના બધા ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે મુકરર કરેલા.

આઝાદી પછી જાહેર ક્ષેત્રના નેજા હેઠળ ઉલ્લેખનીય ઔદ્યોગિક વિકાસ સાધવામાં આવ્યો છે. 31 માર્ચ, 1951ના રોજ જાહેર ક્ષેત્રનાં ઔદ્યોગિક સાહસોમાં રોકાણ માત્ર 29 કરોડ રૂપિયાનું હતું. આયોજનના સમયગાળામાં કેન્દ્ર તેમજ રાજ્યોના સ્તરે અનેકવિધ ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રના એકમો સ્થપાયા અને વિસ્તર્યા. આ પૈકી કેવળ કેન્દ્ર સરકારના ઉદ્યોગોના ક્ષેત્રે સ્થપાયેલા એકમોની થોડી વિગતો નોંધીએ. એ એકમોની સંખ્યા 1997-98માં 161 હતી, તેમાં રૂ. 10,34,030 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. એ પૈકી 82 એકમોએ રૂ. 15,749 કરોડનો નફો કર્યો હતો; જ્યારે 78 એકમોએ રૂ. 5,791 કરોડની ખોટ કરી હતી. વેરો ભર્યા પછીનો ચોખ્ખો નફો 9,959 કરોડનો હતો, જે રોકવામાં આવેલી મૂડીના એક ટકાથીયે ઓછો હતો. અલબત્ત, ભારતના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસમાં જાહેર ક્ષેત્રે આપેલા પ્રદાનને કેવળ તેમની નફાકારકતાના આધારે માપી શકાય નહિ. જાહેર ક્ષેત્રના વિકાસે દેશમાં એક સુર્દઢ ઔદ્યોગિક પાયો તૈયાર કર્યો છે. તેણે રસ્તાઓ, સંદેશાવ્યવહાર, વીજળી વગેરે સ્વરૂપે પાયાની સગવડો પૂરી પાડી છે. દેશમાં રોજગારીની તકો સર્જી છે. દેશમાં ઉદ્યોગોના ક્ષેત્રે પ્રાદેશિક અસમાનતા ઘટે એ દિશામાં પણ કામગીરી બજાવી છે.

જાહેર ક્ષેત્રનાં સાહસો બધા જ ઉદ્યોગોમાં પથરાયેલાં છે, પરંતુ મુખ્યત્વે પાયાના તથા ચાવીરૂપ ઉદ્યોગો અને મૂડીનિર્માણના ઉદ્યોગોમાં તે કેન્દ્રિત થયેલાં છે. ભારતના ઔદ્યોગિક વિસ્તૃતીકરણમાં આ સાહસોનો ફાળો અદ્વિતીય છે. તેલ તથા કુદરતી વાયુના ક્ષેત્રમાં ઑઇલ તથા નેચરલ ગૅસ કમિશન અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન તેમજ અન્ય ખનિજોના ક્ષેત્રમાં નૅશનલ કોલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તથા નયવેલી લિગ્નાઇટ કૉર્પોરેશન જાહેર ક્ષેત્રનાં મુખ્ય સાહસો છે. એન્જિનિયરિંગ ઉદ્યોગોમાં હિંદુસ્તાન સ્ટીલ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, હેવી એન્જિનિયરિંગ કૉર્પોરેશન, હિંદુસ્તાન મશીન ટૂલ્સ ઇત્યાદિ મુખ્ય સાહસો છે. રસાયણના ક્ષેત્રે ભારતીય રિફાઇનરીઓ, ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા, રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ, હિન્દુસ્તાન ઍન્ટિબાયૉટિક્સ ઇત્યાદિ જાહેર સાહસોનો સમાવેશ થાય છે. વીજળી તથા વાહનવ્યવહારનાં ક્ષેત્રોમાં મુખ્ય સાહસો નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન, ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ, શિપિંગ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા, ઍર ઇન્ડિયા ઇન્ટરનેશનલ તથા ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન ઇત્યાદિનો ઉલ્લેખ કરી શકાય.

ઔદ્યોગિક વિકાસની વિશિષ્ટતાઓ : છેલ્લા પાંચ દાયકામાં ભારતના ઔદ્યોગિક માળખામાં ધરમૂળથી ફેરફારો થયા છે. 1950-51માં ઉદ્યોગો તથા ખાણોની પેદાશનો રાષ્ટ્રીય સ્થાનિક પેદાશમાં 15.28 % હિસ્સો હતો, જે 1999-2000માં 24.62 %ની સપાટીએ પહોંચ્યો હતો. 1950 પછીના પાંચ દસકાઓ દરમિયાન દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન લગભગ 20 ગણું થવા પામ્યું છે. 1951 પછીના ત્રણ દાયકામાં ઔદ્યોગિક માળખામાં વપરાશી વસ્તુના ઉદ્યોગોનું સાપેક્ષ પ્રાધાન્ય ઘટ્યું છે અને પાયાના તથા મૂડીનિર્માણના ઉદ્યોગોનું સાપેક્ષ પ્રભુત્વ વધ્યું છે.

પાંચ દાયકા બાદ મૂડી, ઉત્પાદન તથા મૂલ્યવૃદ્ધિની ર્દષ્ટિએ પાયાના ઉદ્યોગોએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. વપરાશની વસ્તુઓના ઉદ્યોગોએ આ ત્રણેય પરિબળોમાં મોખરાનું સ્થાન ગુમાવ્યું છે, પરંતુ રોજગારીની બાબતમાં તે સ્થાન જાળવી રાખ્યું છે. આનું કારણ એ છે કે પાયાના તથા મૂડીનિર્માણના ઉદ્યોગોમાં વપરાશી વસ્તુઓ બનાવતા ઉદ્યોગોની તુલનાએ સ્વાભાવિક રીતે જ મૂડીપ્રધાન ઉત્પાદનપદ્ધતિનો વિશેષ ઉપયોગ થતો હોય છે. સમગ્રપણે જોઈએ તો ઔદ્યોગિક સાહસોએ ઉપર દર્શાવેલ ત્રણ દાયકામાં ઉત્પાદનમાં જેટલી વૃદ્ધિ કરી છે તેની તુલનાએ રોજગારીનિર્માણમાં ઓછો ફાળો આપ્યો છે.

ઉદ્યોગીકરણ ગુજરાતમાં : 1950 સુધી

પ્રાચીન કાળમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ : ભારતીય અર્થતંત્રના એક ભાગ તરીકે ગુજરાતમાં પ્રાચીન કાળથી અનેક પ્રકારના ઉદ્યોગો અસ્તિત્વ ધરાવતા હતા. આમાંના કેટલાક ઉદ્યોગો ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને કારણે વિશિષ્ટ પ્રકારના હતા. છેક હરપ્પા-કાળના સમકાલીન એવા લોથલમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રીને આધારે કહી શકાય તેમ છે કે આજથી બે હજાર વર્ષ પહેલાંના સમયમાં અહીં એવા ઉદ્યોગો હતા કે જેને લઈને સુસંસ્કૃત શહેરી જીવન ભોગવતા સમાજને માટે આવશ્યક એવી તમામ ચીજવસ્તુઓ – ચલણી સિક્કાઓ, વસ્ત્રો, રહેઠાણ માટેનાં અને જાહેર ઉપયોગનાં મકાનો, વહાણો, રમકડાં, ઘરેણાં, વાસણો, આયુધો વગેરે – ઉત્પન્ન કરી શકાતી હતી. ગુજરાત તેની ઔદ્યોગિક પેદાશોનો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપાર પણ કરતું હતું. ગુજરાતના ઔદ્યોગિક વિકાસના આ તબક્કાને આધુનિક ઉદ્યોગોના આગમન પૂર્વેના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં સંશોધનોએ આ તબક્કા દરમિયાન ગુજરાતમાં વિકસેલી ઔદ્યોગિક પ્રવૃત્તિ પર ઘણો પ્રકાશ પાડ્યો છે.

કુદરતી રેસાઓમાંથી કાપડ બનાવવાનો ઉદ્યોગ, માનવીએ શરૂ કરેલો સૌથી પુરાણો ઉદ્યોગ છે. ગુજરાતમાં આ ઉદ્યોગનો ઘણો વિકાસ થયો હતો. રોજબરોજના સામાન્ય વપરાશ માટેનું ટકાઉ સુતરાઉ કાપડ ઉત્પન્ન કરવામાં વિશ્વભરમાં ગુજરાત મોખરે હતું. ગુજરાતમાંથી સુતરાઉ કાપડ દેશના અન્ય ભાગોમાં ઊંટ પર લાદીને અને બળદગાડાંઓમાં ભરીને મોકલાતું હતું. ઉપરાંત વહાણો મારફતે અરબી સમુદ્રની પેલે પાર આવેલા તથા બંગાળના ઉપસાગરની પૂર્વમાં આવેલા દેશોમાં તેનો બહોળો વ્યાપાર થતો હતો. છેક ગ્રીસ અને ઇટાલીમાં આવેલાં નગરોમાં ગુજરાતનાં પ્રાચીન બંદરોએથી લઈ જવાતા સુતરાઉ કાપડ અને અન્ય ચીજોનો વપરાશ હતો તેવા ચોક્કસ પુરાવાઓ મળી આવ્યા છે.

ગુજરાતના ઉત્તરના પ્રદેશોમાં તાંબા અને જસતની કાચી ધાતુઓ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય હતી; અત્યારે પણ પ્રાપ્ય છે. આ બે ધાતુઓને મિશ્ર કરીને ઘણી મજબૂત એવી પિત્તળની ધાતુ બનાવવાની કળા આ પ્રદેશના ઉદ્યોગકારોએ લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં હસ્તગત કરી હતી અને તેના ઉપર આધારિત આયુધો, વાસણો, પ્રતિમાઓ, સાંકળો, સળિયા, પતરાં, આભૂષણો વગેરે જેવી અનેક વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો અહીંનાં વિભિન્ન સ્થળોમાં વિકસ્યા હતા. આ ઉદ્યોગો અવશેષ રૂપે આજે પણ ઉત્તર ગુજરાતનાં કેટલાંક નગરોમાં ચાલુ રહેલા જોવા મળે છે. (અહીં એ બાબત નોંધપાત્ર છે કે પિત્તળ બનાવવાની આધુનિક રીત – ટેકનીક આ પ્રાચીન રીત કરતાં જરા પણ જુદી નથી અને આ રીતે પિત્તળ બનાવવાનું યુરોપમાં તો છેક પંદરમી સદીમાં શરૂ થયું.)

ગુજરાતના સૌથી મહત્વના વ્યાપાર-ઉદ્યોગના સ્થળ તરીકે ખંભાત વિકસ્યું હતું. ખંભાતના બંદરની ગણના છેક સોળમી સદી સુધી વિશ્વનાં સૌથી મોટાં અને સૌથી વધારે કાર્યરત બંદરોમાંના એક તરીકે થતી હતી. ખંભાતની નામના તેના બે મોટા ઉદ્યોગો – વહાણોનું નિર્માણ કરવાનો ઉદ્યોગ અને જર-ઝવેરાત બનાવવાનો ઉદ્યોગ  માટે પણ ખૂબ જ ફેલાયેલી હતી. સત્તરમી સદી સુધી ખંભાત, સૂરત અને ભરૂચમાં નાનાં-મોટાં વહાણોના બાંધકામનો ઉદ્યોગ ખીલેલો રહ્યો હતો. યુરોપના વેપારીઓ પણ આ વહાણો ખરીદતાં હતાં, કેમ કે મહાસાગર ખેડવા માટે તે વધારે સલામત અને ઝડપી ગણાતાં હતાં.

પથ્થર અને લાકડામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ લગભગ આખા ગુજરાતમાં પથરાયેલો હતો. આ બંને ઉપર કોતરણી અને નકશીકામ કરવા માટે ગુજરાતના કારીગરો ખૂબ જ પંકાયેલા હતા. ઉપરાંત, મંદિરો, મહેલો અને આવાસોના બાંધકામ ઉદ્યોગ માટે ગુજરાત ઘણું જાણીતું હતું. ગુજરાતનાં વિભિન્ન નગરો અને તીર્થસ્થળોમાં આજે પણ જે અનેક સ્થાપત્યો જોવા મળે છે તે આ બાબતની પૂરી ખાતરી કરાવે છે. ગુજરાતના બાંધકામ-ઉદ્યોગના કુશળ કારીગરોનો ઉપયોગ કરીને બંધાયેલાં તળાવો અને વાવોની હારમાળા આ ઉદ્યોગના વિસ્તારની સૂચક છે.

કાગળ, ચામડાની ચીજવસ્તુઓ, માટીકામ, રાચરચીલું, સોના-ચાંદીના દાગીના તથા વાસણો, ખેતીકામનાં લોખંડ અને લાકડાનાં સાધનો, વાહનવ્યવહારનાં સાધનો, ઘર-વપરાશની વસ્તુઓ, વાદ્ય-વાજિંત્રો, ઔષધિઓ વગેરેને લગતા સંખ્યાબંધ નાના-મોટા ઉદ્યોગો ગુજરાતમાં ખીલેલા હતા. આ ઉદ્યોગોનું ઉત્પાદન ગુણવત્તાવાળું અને જથ્થાબંધ થતું હતું અને તેથી જ તે ગુજરાતની પોતાની જરૂરિયાત પૂરી કરવા ઉપરાંત, ગુજરાત બહાર નિકાસ પણ થતું. આમ, અઢારમી સદીમાં બ્રિટિશ અને પૉર્ટુગલનું આર્થિક અને રાજકીય આક્રમણ શરૂ થયું ત્યાં સુધી ગુજરાતના આ વિભિન્ન ઉદ્યોગો વિકાસ કરતા રહ્યા અને એક ઉદ્યોગપ્રધાન પ્રદેશ તરીકે ગુજરાતની ખ્યાતિ ફેલાતી રહી.

ઔદ્યોગિક ઉત્પાદનવ્યવસ્થા : આ સમયની ગુજરાતની ઔદ્યોગિક પ્રવૃત્તિનો વ્યાપ અને વ્યવસ્થા જોતાં ગુજરાતની લગભગ પચીસ ટકા વસ્તી ઔદ્યોગિક ઉત્પાદનના કાર્યમાં સીધી કે આડકતરી રીતે રોકાયેલી હતી. વ્યાપાર કરનાર અને ઉત્પાદનના કાર્યમાં રોકાયેલા વર્ગો વચ્ચે સુગ્રથિત સંબંધો વિકસ્યા હતા. વ્યાપારીઓ અગાઉથી ઑર્ડર આપીને ચીજવસ્તુઓ બનાવડાવતા, અગાઉથી નાણા-ચુકવણી પણ કરતા તેમજ કાચી માલસામગ્રી પોતે ખરીદીને કારીગરોને આપતા. ઉપરાંત વિભિન્ન કારીગર-વર્ગોનાં પોતાનાં પણ એવાં સ્થાનો હતાં કે જ્યાં તેઓ સામૂહિક રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિ કરી શકે.

ઔદ્યોગિક ઉત્પાદનની આ સમગ્ર પદ્ધતિ સાદાં ઓજારોનો ઉપયોગ કરતી હતી, જેના ઉપયોગ માટે આવડત પ્રાપ્ત કરવા શ્રમિકે લાંબા સમયની તાલીમ લેવી પડતી. આવી કારીગરી સામાન્ય રીતે વંશ-પરંપરાગત હતી. ઓજારોના ઉપયોગ માટે માત્ર માનવ-શ્રમનો જ આશરો લેવાતો હોવાથી ઉત્પાદનની પ્રક્રિયા ધીમી હતી, પરંતુ ઉત્પાદન એટલા મોટા પ્રમાણમાં થતું કે મોટાભાગના લોકો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવી શકતા હતા. સ્થાનિક માંગ સંતોષવા ઉપરાંત પણ ઉત્પાદન થતું, જે દર્શાવે છે કે ઉત્પાદનમાં રોકાયેલા કામદારો અને કારીગરોની સંખ્યા ખૂબ મોટી હશે. ટૂંકમાં, આ સમય દરમિયાન ગુજરાતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિનો ભારે વિકાસ થયેલો હતો.

ગુજરાતના ઉદ્યોગો પર યુરોપનું આક્રમણ : 1609માં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું અને તેના પગલે પગલે પૉર્ટુગીઝ, ડચ, સ્પૅનિશ તથા ફ્રેન્ચ લોકોએ ભારતમાં તેમનું સ્થાન જમાવવા માંડ્યું. અઢારમી સદીના મધ્ય સુધીમાં તો ગુજરાતના સમગ્ર કિનારા પર આ પ્રજાઓએ તેમનું આધિપત્ય જમાવી દીધું અને બધો જ વિદેશી વ્યાપાર પોતાને હસ્તક કરી લીધો. ખંભાતનો વહાણોના બાંધકામનો ઉદ્યોગ થોડાક જ દસકાઓમાં નાશ પામ્યો.

બીજી તરફ, બ્રિટનમાં 1769માં વરાળયંત્ર, 1770માં સ્પિનિંગ જૅની અને 1785માં પાવરલૂમની શોધ થઈ અને કાપડઉદ્યોગના ક્ષેત્રે મોટી ઔદ્યોગિક ક્રાન્તિ આવી. આ યાંત્રિક શોધોને કારણે કાપડનું ઉત્પાદન ખૂબ જ ઝડપી અને સસ્તું બન્યું. ભારતમાંથી રૂ ઇંગ્લૅન્ડ લઈ જઈને, તેનું કાપડમાં રૂપાંતર કરીને, તે કાપડ ભારતમાં વેચવા લાવવાનું ખૂબ જ નફાકારક બન્યું. આની સામે ભારતમાં હાથસાળો પર બનતું કાપડ મોંઘું પડતું હતું, તેથી વિશાળ વસ્તી ધરાવતો ભારત દેશ પોતે જ ઇંગ્લૅન્ડના કાપડનો સૌથી મોટો ગ્રાહક બન્યો. ગુજરાત સુતરાઉ કાપડનું મોટું ઉત્પાદક હોવાથી તેને સૌથી મોટું આર્થિક નુકસાન થયું.

ગુજરાતના દરિયાકિનારાનાં મહત્વનાં સ્થળો : સૂરત, ભરૂચ, ખંભાત, દમણ, દીવ વગેરેમાં બ્રિટિશ અને પૉર્ટુગલના વ્યાપારીઓ અને સેનાઓએ કિલ્લેબંધ થાણાં ઊભાં કર્યાં અને ગુજરાતના વ્યાપારીઓ પર અનેક રીતે ભીંસ ઊભી કરી. અઢારમી સદીની શરૂઆતમાં ગુજરાતની ઔદ્યોગિક પ્રવૃત્તિ લગભગ નષ્ટ થઈ ગઈ. ખેતી માટેનાં પાવડા અને કોદાળી જેવાં સાદાંસીધાં ઓજારો પણ ઇંગ્લૅન્ડથી આયાત થવા લાગ્યાં. ગુજરાત કપાસ, તમાકુ, વરિયાળી, તેલીબિયાં જેવા ઔદ્યોગિક રોકડિયા પાકો કાચા માલ તરીકે મેળવવાનું પ્રાથમિક ઉત્પાદનોનું સ્થળ બની ગયું. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતની આ અવગતિ અઢારમી સદીના અંતભાગ સુધી ચાલુ રહી.

આધુનિક ઉદ્યોગોની શરૂઆત અને વિકાસ : 1860ના અરસામાં ગુજરાતના કેટલાક વિચક્ષણ વ્યાપારીઓએ પશ્ચિમ યુરોપમાં ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક ઉત્પાદનપદ્ધતિ ભારતમાં લાવીને કાપડ-ઉદ્યોગ નવેસરથી શરૂ કરવાના પ્રયત્નો આદર્યા. પશ્ચિમની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ગુજરાતમાં સૌપ્રથમ 1860ના દાયકાની શરૂઆતમાં ભરૂચમાં જિનિંગ ફૅક્ટરી અને અમદાવાદમાં કાંતણ (સ્પિનિંગ) મિલ શરૂ થઈ. થોડાંક વર્ષોમાં અમદાવાદની મિલમાં વણાટ(વીવિંગ)-વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો. ઈ. સ. 1861માં ફક્ત 63 કામદારો અને 2,500 સ્પિંડલોથી કામકાજની શરૂઆત કરનાર રણછોડલાલ મિલ તરીકે ઓળખાતા ગુજરાતના આ પ્રથમ આધુનિક ઔદ્યોગિક સાહસની સફળતા જોઈને ગુજરાતનાં અનેક પ્રસ્થાપિત વેપારી કુટુંબો સુતરાઉ કાપડ ઉત્પન્ન કરવાના આધુનિક ઉદ્યોગ પ્રત્યે આકર્ષાયાં અને ત્યારપછીના માત્ર પચાસ વર્ષના ગાળામાં તો ગુજરાત ફરી એક વાર દેશભરમાં કાપડ-ઉદ્યોગનું મહત્વનું ક્ષેત્ર બની ગયું. 1898 સુધીમાં એકલા અમદાવાદમાં જ સુતરાઉ કાપડની 26 મિલો કામ કરતી થઈ ગઈ હતી. આ બધી મિલોમાં થઈને કુલ 4,50,266 સ્પિન્ડલો અને 5,887 પાવરલૂમો સૂતર અને કાપડ-ઉત્પાદનનું કાર્ય કરતી હતી. આ સમય દરમિયાન બ્રિટિશરોએ ભારતમાં પોતાનું મજબૂત રાજકીય શાસન અને આર્થિક પકડ જમાવી દીધાં હતાં. તેમની નીતિ ભારતીય ઉદ્યોગને કોઈ પણ રીતે પ્રોત્સાહન ન મળે અને ભારતીય ઔદ્યોગિક પ્રવૃત્તિનો ધ્વંસ થાય તેવી જાતની રહી હતી. આમ છતાં, ગુજરાતના ઔદ્યોગિક સાહસિકોએ પોતાની આગવી વેપારી કુનેહ અને કુશળતા વાપરીને એક જબરદસ્ત કાપડ-ઉદ્યોગ ઊભો કરી દીધો હતો.

1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને તે ચાર વર્ષ સુધી ચાલુ રહ્યું. આ સમયગાળા દરમિયાન ફરજિયાતપણે યુદ્ધસામગ્રીના ઉત્પાદન તરફ વળી ગયેલા બ્રિટિશ ઉદ્યોગોની લાચાર સ્થિતિને કારણે કાપડ, એન્જિનિયરિંગ, માલ-સામાન, રંગ-રસાયણો, ખેતીવાડીનાં સાધનો, ઘરવપરાશની ચીજવસ્તુઓ વગેરે પેદાશોના ઉત્પાદન માટે ભારતીય ઉદ્યોગોને એક મોટી તક મળી ગઈ. બ્રિટિશ હકૂમતે ભારતની ઔદ્યોગિક પ્રવૃત્તિ પરનાં પોતાનાં નિયંત્રણો હળવાં કરવાં પડ્યાં. એક તરફ, ગુજરાતના ઔદ્યોગિક સાહસિકોમાં આવેલો જુવાળ અને બીજી તરફ, ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ઊભું થયેલું સાનુકૂળ વાતાવરણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મોટું ચાલકબળ સાબિત થયાં. દેશભરમાં અમદાવાદ કાપડ અને એન્જિનિયરિંગ ઉદ્યોગનું મોખરાનું કેન્દ્ર બન્યું. 1916 સુધીમાં તો અહીં કુલ 53 જેટલી કાપડમિલો સ્થપાઈ ચૂકી હતી. આમાંની મોટાભાગની સ્પિનિંગ, વીવિંગ અને ડાઇંગ એમ ત્રણે વિભાગો ધરાવતી ‘કૉમ્પોઝિટ’ મિલો હતી. આ બધી મિલોમાં થઈને 10,62,487 સ્પિન્ડલો અને 22,556 પાવરલૂમો કામ કરતી હતી. વડોદરા અને સૂરતમાં પણ કાપડ, રંગ-રસાયણો, દવાઓ અને આર્ટસિલ્કના ઉદ્યોગો વિકસ્યા. આ ઉપરાંત નવસારી, પોરબંદર, જામનગર, રાજકોટ, કલોલ, સિદ્ધપુર, ભાવનગર, ખંભાત જેવાં નાનાં-મોટાં શહેરોમાં કાપડ, જિનિંગ, કાચ, વૉટર-પંપ, ચાયના ક્લે વગેરેને લગતા ઉદ્યોગો શરૂ થયા.

1860થી 1918 દરમિયાન ગુજરાતને દેશના અન્ય પ્રદેશો સાથે સાંકળતી અને ગુજરાતનાં વિભિન્ન નગરોને જોડતી વ્યાપક રેલવે અને તાર-ટપાલની સેવાઓનું માળખું પણ ઊભું થયું. આધુનિક બૅન્કિંગ પદ્ધતિ તથા વીજળીઘરો સ્થપાયાં.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાંની બ્રિટિશ હકૂમતે ઉદ્યોગોની સ્થાપનાની બાબતમાં કંઈક છૂટછાટવાળી નીતિ અપનાવી હતી, પરંતુ 1929થી 1933 સુધીના ગાળા દરમિયાન આવેલી ભારે વિશ્વવ્યાપી આર્થિક મંદીને કારણે ગુજરાતમાં પણ ઔદ્યોગિક વિકાસ સ્થગિત થઈ ગયો. આમ છતાં, આ સમયે જાગેલી સ્વદેશીની ભાવનાને કારણે ગુજરાતમાં ખાદી, વણાટકામ, રંગાટીકામ, ગૃહોપયોગી ચીજવસ્તુઓ વગેરે ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ પુરજોશથી શરૂ થઈ, ભવિષ્યમાં આ પ્રવૃત્તિના પાયા પર ગુજરાતમાં નાના પાયાના ઉદ્યોગો અને ગૃહઉદ્યોગોનો મોટો વિકાસ થવાનો હતો.

ગુજરાતના ઉદ્યોગોને વિકસવાની બીજી મહત્વની તક બીજા વિશ્વયુદ્ધે 1939થી 1945 દરમિયાન પૂરી પાડી. આ વર્ષોમાં ગુજરાતનો કાપડઉદ્યોગ ઝડપી વૃદ્ધિ પામ્યો અને અમદાવાદને ‘પૂર્વના માન્ચેસ્ટર’નું બિરુદ પ્રાપ્ત થયું. કાપડની નિકાસોમાં ભારે વધારો થયો. મધ્ય-પૂર્વ, આફ્રિકા, પૂર્વ એશિયા અને યુરોપના સંખ્યાબંધ દેશોમાં સદીઓ પછી ફરી એક વાર ગુજરાતના કાપડે બજાર પ્રાપ્ત કર્યું. કાપડની મિલોએ જંગી નફો કર્યો અને આ નવી પ્રાપ્ત થયેલી મૂડીનો ઉપયોગ અનેકવિધ નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે થયો. સિમેન્ટ, ભારે રસાયણો, ફાર્માસ્યૂટિકલ્સ, ઇલેક્ટ્રિક સરસામાન, કૃત્રિમ રેસાઓ વગેરે જેવા આધુનિક ઉદ્યોગોની શરૂઆત કરવા માટે ગુજરાતમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ.

ઉદ્યોગીકરણ : 1951 પછીનાં વલણો (ગુજરાતમાં)

1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો તેની સાથે જ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે ભારે પરિવર્તનોનો યુગ શરૂ થયો. યુદ્ધકાળની માંગને કારણે સમૃદ્ધિ ભોગવતા પ્રણાલિકાગત ઉદ્યોગો – સુતરાઉ કાપડ અને એન્જિનિયરિંગ માટે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ. યુદ્ધ પછીનાં લગભગ દસ વર્ષો દરમિયાન યુરોપમાં આર્થિક નવરચના માટેની જંગી યોજના અમલમાં મુકાઈ તેને કારણે ત્યાંના ઉદ્યોગો અત્યંત આધુનિક ટેક્નૉલૉજી, ઉત્પાદનપ્રક્રિયા અને ઉત્પાદન-વ્યવસ્થાનો ઉપયોગ કરીને અનેકવિધ ચીજવસ્તુઓનું ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન કરવા માંડ્યા. યુદ્ધકાળની શોધોને કારણે અનેક નવી ચીજવસ્તુઓ પણ અસ્તિત્વમાં આવી. આ રીતે થતું ઉત્પાદન ગુણવત્તામાં વિશ્વભરમાં ઉત્તમ અને ઉત્પાદનખર્ચમાં કરકસરવાળું બન્યું. પશ્ચિમ યુરોપના દેશો ઉપરાંત જાપાન, પૂર્વ યુરોપના સમાજવાદી દેશો તથા દૂર પૂર્વના કેટલાક નાનકડા દેશો પણ આ જાતના ઉત્પાદનમાં જોડાયા. ઊભાં થયેલાં આ નવાં પરિબળોને કારણે ગુજરાતના રૂઢિગત ઉદ્યોગોની પેદાશોની નિકાસો લગભગ બંધ થઈ ગઈ; કેમ કે, યુરોપ અને જાપાને વિદેશી બજારોમાં પોતાનું સ્થાન બરાબર જમાવી દીધું હતું. ગુજરાતના ઉદ્યોગો સમક્ષ આધુનિકીકરણ અને વૈવિધ્યીકરણ (diversification) કરવા માટેનો મોટો પડકાર ઊભો થયો.

કોઈ પણ પ્રદેશનો ઔદ્યોગિક વિકાસ તેને અંગેની રાજ્યની ઔદ્યોગિક અને આર્થિક નીતિ પર જ મહદ્અંશે અવલંબે છે. 1960માં ગુજરાતનું અલગ રાજ્ય રચાતાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ભારે વેગ મળ્યો. સંખ્યાબંધ આંતરિક અને બાહ્ય પરિબળોએ આમાં ભાગ ભજવ્યો. પ્રથમ તો, પંચવર્ષીય યોજનાઓ નીચે રાજ્યવાર ફાળવવામાં આવતા વિકાસખર્ચનો હવે ગુજરાતને બરાબર લાભ મળવા માંડ્યો. આ વિકાસખર્ચને લઈને ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા અને સ્થાપિત ઉદ્યોગોનું વિસ્તરણ કરવા માટે આવશ્યક એવું વીજળી, રસ્તાઓ, ઝડપી સંદેશાવ્યવહાર, પાણી વગેરે જાતની સગવડોનું ખાતરીલાયક માળખું ઊભું થવા માંડ્યું. બીજું, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ક્ષેત્રમાં સ્થાપવામાં આવતાં ઔદ્યોગિક એકમોની સ્થાપનાની બાબતમાં ગુજરાતને તદ્દન ઉવેખવાનું મુશ્કેલ બન્યું અને તેથી આવા કેટલાક એકમો ગુજરાતમાં ઊભા થયા. ત્રીજું, આ સમય દરમિયાન ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવતાં તેના પર આધારિત ઔદ્યોગિક પ્રવૃત્તિનો વિકાસ થવા માંડ્યો. ચોથું, ગુજરાતના ઔદ્યોગિક સાહસિકોએ પોતાના ઉદ્યોગો હવે પરાજયોને બદલે ગુજરાતમાં જ સ્થાપવા અને વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને કારણે સંખ્યાબંધ નવા ઔદ્યોગિક એકમો શરૂ થયા. પાંચમું, દેશનાં અન્ય રાજ્યો(મુખ્યત્વે પશ્ચિમ બંગાળ)માં પ્રવર્તેલી ઔદ્યોગિક અશાંતિને કારણે દેશભરના ઉદ્યોગપતિઓ યોગ્ય ઔદ્યોગિક વાતાવરણ ધરાવતા ગુજરાતમાં નવું મૂડીરોકાણ કરવા આકર્ષાયા. આ ઉપરાંત, રાજ્યસરકારની કરવેરા અંગેની નીતિ, ગુજરાતમાં આર્થિક વ્યવહારો અંગે પ્રવર્તતું નીતિમત્તાનું ઊંચું ધોરણ, મૂડી ઊભી કરવાની સરળતા, બૅંકિંગની સગવડો, ગુજરાતના શ્રમિકોનો સહકારયુક્ત અભિગમ, યોગ્ય શિક્ષણ અને તાલીમવાળા શ્રમિકોની સરળ પ્રાપ્તિ જેવાં પરિબળોએ પણ ગુજરાતમાં ઉદ્યોગો વિકસાવવામાં આ સમય દરમિયાન મોટો ફાળો આપ્યો.

ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ તે વખતે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ સુતરાઉ કાપડ-ઉદ્યોગની આસપાસ કેન્દ્રિત થયેલો હતો. સદીના પ્રથમ છ દસકા દરમિયાન ગુજરાતમાં જે અન્ય ઉદ્યોગો સ્થપાયા હતા તેમાંના મહત્વના ઉદ્યોગો આ પ્રમાણે હતા : વડોદરા અને અતુલ ખાતે રસાયણ-ઉદ્યોગ, જામનગરમાં પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ, થાન-વાંકાનેરમાં ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનો, ખંભાતમાં અકીકનો, સુરેન્દ્રનગરમાં મશીનરીનો વગેરે ઉદ્યોગો. આમાંના મોટાભાગના ઉદ્યોગો 1930થી ’50ના ગાળામાં વિકસેલા. આમ ગુજરાતમાં છેક 19મી સદીના મધ્ય ભાગથી આધુનિક ઉદ્યોગોનો પ્રવેશ થયો હોવા છતાં લગભગ એક સૈકા જેટલા સમયગાળામાં ગુજરાતમાં ઉદ્યોગોના ક્ષેત્રે મર્યાદિત જ વિકાસ સધાયો હતો.

ગુજરાતમાં 1960ના અરસામાં નાના પાયાના નોંધાયેલા ઔદ્યોગિક એકમોની સંખ્યા 2,169 હતી અને મોટા પાયાના એકમોની સંખ્યા 885 હતી. ઔદ્યોગિક ઉત્પાદનની ર્દષ્ટિએ 1961માં ગુજરાત દેશમાં આઠમા સ્થાને હતું. આમ વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતને દેશના એક ટોચના ઔદ્યોગિક રાજ્ય તરીકે વર્ણવી શકાય એવો તેનો ઔદ્યોગિક વિકાસ થયો ન હતો. જે મર્યાદિત ઔદ્યોગિક વિકાસ થયો હતો તેમાં કાપડ-ઉદ્યોગ જ મુખ્ય હતો. 1960માં ગુજરાતમાં મોટા ઔદ્યોગિક એકમોમાં 2.97 લાખ કામદારો રોકાયેલા હતા, તે પૈકી 2.18 લાખ (75 ટકા) કાપડ-ઉદ્યોગમાં હતા.

વીસમી સદીના અંતે ગુજરાત દેશનું એક ટોચનું ઔદ્યોગિક રાજ્ય બની ગયું; એટલું જ નહિ, ગુજરાતના અર્થતંત્રમાં પણ ઉદ્યોગોનો વિભાગ ખૂબ મહત્વનો બની ગયો. ગુજરાતના આંતરિક ઉત્પાદનમાં ખેતી અને તેની સાથે સંલગ્ન – આનુષંગિક પ્રવૃત્તિઓનો હિસ્સો 1970-71માં 49 ટકા હતો; 1995-96 સુધીમાં તે ઘટીને 21 ટકા થઈ ગયો હતો. બીજી બાજુ, ઉદ્યોગવિભાગ(જેમાં વીજળી અને બાંધકામનો પણ સમાવેશ થાય છે.)નો હિસ્સો 20 ટકાથી વધીને 40 ટકા થયો હતો. તેમાં એકલા ઉદ્યોગો(મૅન્યુફૅક્ચરિંગ)ના ક્ષેત્રનો હિસ્સો 34 ટકા હતો. રાજ્યના આંતરિક ઉત્પાદનમાં ઉદ્યોગોના હિસ્સાની ર્દષ્ટિએ ગુજરાત દેશનું પહેલા નંબરનું રાજ્ય છે.

વીસમી સદીના છેલ્લા ત્રણ દસકા દરમિયાન ગુજરાતમાં ઉદ્યોગોના ક્ષેત્રે ઝડપી વિકાસની સાથે ખૂબ વૈવિધ્ય આવ્યું છે. એમ પણ કહી શકાય કે ઔદ્યોગિક માળખામાં ખૂબ વૈવિધ્ય આવ્યું. તેના પરિણામે જ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ઝડપી બન્યો. ગુજરાતના ઔદ્યોગિક માળખામાં જે અનેક નવા ઉદ્યોગો પ્રવેશ્યા અને વિસ્તર્યા તેમાંના કેટલાક આ પ્રમાણે છે : રસાયણો, રબર, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ, મશીનરી, ખાદ્ય-પેદાશો, કાગળની બનાવટો, ધાતુ-પેદાશો વગેરે. 1960થી ¢70ના દસકામાં ઉત્પાદન, મૂડીરોકાણ અને કારખાનાંની સંખ્યાની ર્દષ્ટિએ ગુજરાતમાં કાપડ-ઉદ્યોગ વર્ચસ્ ભોગવતો હતો. આજે હવે એ સ્થિતિ રહી નથી. જોકે રોજગારીની ર્દષ્ટિએ તે હજીયે બીજા સ્થાને છે.

ગુજરાતમાં 1970 પછીના ત્રણ દસકા દરમિયાન જે ઝડપી ઔદ્યોગિક વિકાસ સધાયો છે તેમાં નાના પાયાના ઔદ્યોગિક એકમોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. 1980 સુધીમાં ગુજરાતમાં નોંધાયેલા નાના પાયાના એકમોની સંખ્યા આશરે 43,000 જેટલી હતી, જે 1999માં આશરે 2,45,000 થઈ હોવાનો અંદાજ છે. 1960માં ગુજરાતમાં નોંધાયેલા નાના પાયાના એકમોની સંખ્યા 2,200થી ઓછી હતી. નોંધાયેલા નાના પાયાના એકમો પૈકી કેટલાકનું અસ્તિત્વ કાગળ પર હોય છે અને કેટલાકનું બાળમૃત્યુ થાય છે. આ બંને પ્રકારના એકમોનું પ્રમાણ સંયુક્ત રીતે એક તૃતીયાંશ જેટલું મોટું હોય છે. એવા એકમોને બાદ કરવામાં આવે તોપણ ગુજરાતને નાના પાયા પર પોતાનો ઉદ્યોગ શરૂ કરતા અને ચલાવતા નિયોજકો આટલી મોટી સંખ્યામાં મળ્યા એ સામાજિક ગતિશીલતા ધ્યાનપાત્ર છે. ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાતીઓની આ ‘સાહસિકતા’ એક મોટું પરિબળ છે. આ ગુજરાતને જે નિયોજકો સાંપડ્યા છે તેમાં અપેક્ષા રાખી શકાય એ પ્રમાણે એક જ્ઞાતિ તરીકે પટેલો પ્રાધાન્ય ભોગવે છે, પરંતુ તેની સાથે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત ગણાતી જ્ઞાતિઓમાંથી પણ મોટી સંખ્યામાં નિયોજકો આવી રહ્યા છે. અલબત્ત, સામાજિક રીતે પછાત ગણાતી જ્ઞાતિઓના નિયોજકો દ્વારા સ્થપાતા એકમો ખૂબ નાના હોય છે. મુદ્દો એ છે કે ઉદ્યોગોના ક્ષેત્રે સાહસિકોનો સામાજિક પાયો ખૂબ વિસ્તર્યો છે અને તેને વિસ્તારવામાં નાના પાયા પરના ઔદ્યોગિક એકમોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ઉદ્યોગીકરણની બાબતમાં જે વલણ દેશ-વિદેશમાં અનિવાર્ય રીતે જોવા મળે છે, તે ગુજરાતમાં પણ જોવા મળે છે. ઔદ્યોગિક વિકાસ પ્રાદેશિક રીતે કેન્દ્રિત થવાનું વલણ ધરાવે છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ મહેસાણાથી વાપી સુધીની પટીમાં કેન્દ્રિત થયેલો છે તે એક જાણીતી બાબત છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનાં આઠ મોટાં કેન્દ્રો છે : અમદાવાદ, વડોદરા, ભરૂચ, સૂરત, વલસાડ, રાજકોટ, જામનગર અને ભાવનગર. આ પૈકી પ્રથમ પાંચ કેન્દ્રો કહેવાતી સુવર્ણપટ્ટીમાં આવેલાં છે. ગુજરાતમાં ઉદ્યોગોના ક્ષેત્રે થયેલાં મૂડીરોકાણોમાં 1986માં સુવર્ણપટ્ટીનો હિસ્સો 73 ટકા હતો, 1991માં એ હિસ્સો ઘટીને 67 ટકા થયો, પરંતુ 1996માં તે વધીને 74 ટકા થયો.

ગિરા માંકડ

રજનીકાન્ત સંઘવી

હરજીવન સુથાર

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયકુમાર ર. શુક્લ

રમેશ ભા. શાહ