ઉદાસી સંપ્રદાય : ગુરુ નાનકના ધર્મ પર ચાલતો એક ફિરકો. તે શીખધર્મની પાબંદીઓ(નિયમબદ્ધતાઓ)માં માનનારો છે. આ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનકના દીકરા શ્રીચંદ હતા. ‘ગ્રંથ-સાહેબ’ને તેઓ પોતાના ધર્મગ્રંથ તરીકે સ્વીકારે છે. ઉદાસી એટલે વિષયો તરફ અપ્રીતિવાળું, બેફિકર, નિરપેક્ષ, ઉદાસીન જીવન જીવનાર વિરક્ત પુરુષ. દુનિયાદારી તજનારો આ વર્ગ શીખ લોકોમાંથી જ ઉત્પન્ન થયેલો છે. તેમની મુખ્ય વસ્તી ઉત્તરમાં પંજાબથી દક્ષિણમાં હૈદરાબાદ સુધી ફેલાયેલી છે.
ઉદાસી સંપ્રદાયના અનુયાયીઓ જાતે ભોજન બનાવતા નથી, બીજાના હાથનું બનાવેલું ભોજન ભિક્ષા તરીકે સ્વીકારે છે અને ભિક્ષા મળે તેનાથી સંતોષ માને છે. તેઓ માંસ-ભક્ષણ કરતા નથી. તેઓ દેહને કષ્ટ આપી મૌન ધારણ કરે છે. અફીણનું સેવન કરે છે. મલાજો જળવાય એટલા નાના કપડાથી બદન ઢાંકે છે અને તૂમડી સિવાય કોઈ વાસણ રાખતા નથી. તે ધર્મઝનૂની હોય છે. ઉદાસી પંથનો સ્વીકાર કર્યા પછી પોતાનાં સગાંવહાલાં સાથે તેઓ કશો સંબંધ રાખી શકતા નથી.
ગુજરાતમાં પણ ઉદાસી સંપ્રદાય નજીવા ફેરફાર સાથે ફેલાયેલો જોવા મળે છે. આ સંપ્રદાય ખાસ કરીને સૂરત જિલ્લાના બારડોલી અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં છે. ગુજરાતમાં ગોપાલદાસ નામની વ્યક્તિએ આજથી લગભગ સાડાત્રણસો વર્ષ ઉપર આ પંથની સ્થાપના કરેલી. ગુજરાતનો અમુક કણબી વર્ગ (ખેતી કરનાર પટેલ લોકો) આ સંપ્રદાયનો અનુયાયી છે. ગોપાલદાસ કણબીએ વૈદિક ધર્મનો અસ્વીકાર કરી કેવળ એક જ પરમાત્મામાં વિશ્વાસ કરવા પોતાના અનુયાયીઓને ઉપદેશ કર્યો. આ સંપ્રદાય ઈશ્વરના ધ્યાનથી મુક્તિ મળે છે એમ માને છે અને પુનર્જન્મમાં શ્રદ્ધા રાખે છે.
દશરથભાઈ ઠક્કર