ઉદયપ્રભસૂરિ (તેરમી સદી) : મંત્રી વસ્તુપાલના ગુરુ આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય. વસ્તુપાલ મંત્રીએ તેમને સૂરિપદથી સમલંકૃત કરેલા હતા. વસ્તુપાલના વિદ્યામંડલના અનેક વિદ્વાનો તથા સાહિત્યકારોમાં તેમનો સમાવેશ થતો હતો. તેમણે ‘ધર્માભ્યુદય’ અપરનામ ‘સંઘપતિચરિત’ નામનું પંદર સર્ગનું કાવ્ય રચ્યું છે. મંત્રી વસ્તુપાલે સંઘપતિ બનીને ભારે દબદબાથી શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રા કરી હતી, તેનું માહાત્મ્ય તેમાં વર્ણવેલું છે. આના પહેલા અને અંતિમ સર્ગોમાં મંત્રી વસ્તુપાલ અને વિજયસેનસૂરિ સંબંધી ઐતિહાસિક વૃત્તાંત છે. બાકીના સર્ગોમાં ઋષભદેવ, જંબૂસ્વામી, નેમિનાથ વગેરેનાં ચરિત છે. સ્વયં મંત્રી વસ્તુપાલના હાથે ઈ.સ. 1234માં લખાયેલી આ કાવ્યની નકલ ખંભાતના ભંડારમાં મોજૂદ છે. ઉદયપ્રભસૂરિએ ‘સુકૃતકીર્તિકલ્લોલિની’ નામક પ્રશસ્તિકાવ્ય રચ્યું છે, તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે ઈ.સ. 1221માં શત્રુંજયની યાત્રા કરેલી તે સમયે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં ઇંદ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું. પાટણમાં મંત્રી વસ્તુપાલના મંદિરના અવશેષરૂપ એક આરસના સ્તંભ પર આ કાવ્યનો એક શ્લોક ઉત્કીર્ણ કરેલો મળી આવે છે. તે કુંભી સ્થાનિક સંગ્રહાલયમાં છે. તેમણે જ્યોતિષનો ગ્રંથ ‘આરંભસિદ્ધિ’, સંસ્કૃત ‘નેમિનાથચરિત’, ‘ષડ્શીતિ’ અને ‘કર્મસ્તવ’ એ બે કર્મગ્રંથો પર ટિપ્પણ તથા ઈ.સ. 1243માં ધર્મદાસગણિકૃત ‘ઉપદેશમાલા’ પર ‘ઉપદેશમાલાકર્ણિકા’ નામની ટીકા ધોળકામાં રચી પૂર્ણ કરેલ છે. મંત્રીની સત્તા અને કીર્તિનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો તે સમયે આ બધાં રચાયાં જણાય છે. વળી, એમનો ‘શબ્દબ્રહ્મોલ્લાસ’ નામક ગ્રંથ પાટણના ગ્રંથભંડારમાં અપૂર્ણ મળી આવેલ છે, તેમાં યંત્રવિષયક હકીકત છે.
યતીન્દ્ર દીક્ષિત