ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી

January, 2004

ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી (USO) : અમદાવાદના વેધશાળા ટ્રસ્ટે 1975માં ઉદેપુરના ફતેહસાગર સરોવરમાં એક ટાપુ ઉપર સ્થાપેલી વેધશાળા. તેનો મુખ્ય હેતુ પશ્ચિમ ભારતમાં સૌર નિરીક્ષણની અનુકૂળતા ઊભી કરવાનો છે, જેથી વિના વિક્ષેપ દીર્ઘ સમય સુધી સૂર્યનાં ઉચ્ચસ્થાનીય વિભેદનયુક્ત અવલોકનો કરી શકાય. 1973થી 74ના સમયગાળામાં ગુજરાત તથા રાજસ્થાનમાં ઘણાં સ્થળોની તપાસ કર્યા પછી આ ટાપુની પસંદગી કરવામાં આવી હતી. USO 1981થી ભારત સરકારના અંતરીક્ષ વિભાગને અધીન છે અને તેનું સંચાલન અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબૉરેટરી કરે છે.

ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી

આ વેધશાળામાં સૌર વર્ણમંડલીય (chromospheric) તથા પ્રકાશમંડલીય (photospheric) અવલોકનો માટે 25, 15 અને 14 સેમી. દ્વારક (aperture) ધરાવતા, 35 મિમી. ફિલ્મ અને ટીવી./સી.સી.ડી. કૅમેરાયુક્ત બે ટેલિસ્કોપ છે. સૂર્યભડકા (solar flares), જ્વાલા (prominences), દળ નિષ્કાસન (mass ejection), સૂર્યકલંક, સૌર ક્રિયાશીલતાની વૃદ્ધિ વગેરે અંગેનું સંશોધન USOમાં કરવામાં આવે છે. USOએ ત્રીસથી વધુ સંશોધનપત્રો તથા વર્ણમંડલીય પ્રવૃત્તિની નકશાપોથી પ્રકાશિત કરેલી છે.

એ. ભટનાગર