ઉદયન : વત્સ દેશનો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. એ ભરત જાતિના કુરુકુલના રાજા શતાનીકનો પુત્ર હતો. એને અવંતિના રાજા પ્રદ્યોત સાથે શત્રુતા હતી. પરંતુ પ્રદ્યોતે વીણાવાદન દ્વારા ઉન્મત્ત ગજને વશ કરવાના નિમિત્તે કૃત્રિમ ગજનું ષડ્યંત્ર રચી એને કેદ કર્યો ને પોતાની કુંવરી વાસવદત્તાને એની પાસે સંગીત શીખવા મૂકી. વત્સરાજ ઉદયન અને વાસવદત્તા વચ્ચે પ્રણય થયો ને તેઓ છાનાંમાનાં પલાયન થઈને પરણી ગયાં. આ કથા સંસ્કૃત સાહિત્યમાં લોકપ્રિય હતી. ઉદયન વળી મગધની રાજપુત્રી પદ્માવતીને તથા અંગની રાજપુત્રી પ્રિયદર્શિકાને તથા સિંહલની રાજપુત્રી રત્નાવલીને પરણ્યો હોવાનું નિરૂપાયું છે. અન્ય રાજકુલો સાથે વૈવાહિક સંબંધ બાંધીને એણે કલિંગાદિ રાજ્ય જીતેલાં.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી