ઉત્તર હિન્દુસ્તાની સંગીતપદ્ધતિ

January, 2004

ઉત્તર હિન્દુસ્તાની સંગીતપદ્ધતિ : ભારતીય સંગીતપદ્ધતિનો એક પ્રકાર. તેમાં મુખ્યત્વે બે શૈલીઓ છે : ધ્રુપદ શૈલી તથા ખ્યાલની શૈલી. ધ્રુપદની શૈલીમાં ધમારનાં ગીતોનો પણ સમાવેશ થાય છે. હળવા શાસ્ત્રીય સંગીતની શૈલી આ બે શૈલીઓથી નિરાળી છે. તે શૈલીનાં ગીતોમાં ઠૂમરી, દાદરા, કજરી, ચૈતી, હોરી, ટપ્પા, સાવન, ઝૂલા, પૂર્બી-ગીત, રસિયા વગેરેનો સમાવેશ થાય છે. ઠૂમરી તથા દાદરાનાં ગીતોમાં પૂરબ તથા પંજાબી એવી બે ઉપ-શૈલીઓ છે.

ધ્રુપદ શૈલી : ધ્રુવ શબ્દનો અર્થ અચલ અથવા સ્થિર થાય છે. આ અર્થમાં ફકત ઈશ્વર જ સ્થિર છે અને તે કારણે ઈશ્વરનાં સ્તુતિકારક પદોને ધ્રુવપદ એવું નામ અપાયું છે. પછીથી ‘ધ્રુવપદ’ શબ્દનું ‘ધ્રુપદ’ રૂપાન્તર થયું.

સ્વામી હરિદાસ, ગોપાળ નાયક, બૈજુ બાવરા તથા તાનસેન ધ્રુપદ શૈલીના મહાન ગાયકો થઈ ગયા. એમણે સેંકડો ધ્રુપદનાં ગીતોની રચના કરી હતી, જેમાંનાં કેટલાંક હજુ પ્રચલિત છે. ભક્ત કવિ સૂરદાસે તાનસેનની પ્રશંસામાં એક દુહો રચ્યો છે, જે આ પ્રમાણે છે :

વિધના યહ જિય જાની કે શેષ હી દિયે કાન,

ધરા મેરુ સબ ડોલતે તાનસેન કી તાન.’

એનો અર્થ એ છે કે વિધાતાએ જાણીજોઈને શેષનાગને કાન ન આપ્યા, કારણ કે જો શેષનાગ તાનસેનની તાનો સાંભળીને ડોલવા લાગે તો પૃથ્વી તથા મેરુ ડોલતાં થઈ જાય.

વૈષ્ણવ હવેલીઓમાં ધ્રુપદ શૈલીનાં ગીતો જ ગાવાની પ્રથા છે અને તે સંગીત હવેલી સંગીતને નામે ઓળખાય છે.

ધ્રુપદની શૈલી ગંભીર, વજનદાર તથા લય-પ્રધાન છે. આકારની તાનો તેમાં વર્જ્ય છે અને ફક્ત બોલ-તાનો (શબ્દયુક્ત તાનો) લઈ શકાય છે. ધ્રુપદ શૈલીનો સંગીતકાર શરૂમાં ‘નોમ તોમ આલાપ’ કરે છે, જેમાં શબ્દોનો ઉપયોગ થતો નથી. ધ્રુપદનાં ગીતોના ચાર વિભાગ હોય છે : અસ્તાઈ, અંતરો, સંચારી તથા આભોગ.

ધ્રુપદ તથા ધમારની શૈલી એકસરખી જ હોય છે. તફાવત માત્ર એટલો કે ધ્રુપદનાં ગીતો ઘણુંખરું બાર માત્રાના ચૌતાલ તાલમાં બદ્ધ થયેલાં હોય છે, જ્યારે ધમારનાં ગીતોની બંદિશો હંમેશ ચૌદ માત્રાના ધમાર તાલમાં રચાયેલી હોય છે. ધમારનાં ગીતોમાં હોળીના ઉત્સવ વખતે રાધા તથા અન્ય ગોપીઓ સાથે ભજવાતી શ્રીકૃષ્ણની લીલાનું વર્ણન હોય છે.

ખ્યાલ શૈલી : જે શાસ્ત્રીય સંગીત હાલ પ્રચારમાં છે તે મોટેભાગે ખ્યાલ શૈલીનું છે. ધ્રુપદની શૈલીમાં વખત જતાં કણ, મૂરકી વગેરે વિવિધ પ્રકારના અલંકારો તથા આકારની તથા બીજી વિવિધ પ્રકારની તાનો વગેરેની મિલાવટથી ખ્યાલ શૈલીનો ઉદભવ થયો. ખ્યાલનાં ગીતોમાં અસ્તાઈ તથા અંતરો એવા બે જ વિભાગ હોય છે અને તેના શબ્દોમાં શૃંગાર તથા કરુણરસ પ્રાધાન્ય ભોગવે છે. ખ્યાલના ત્રણ પ્રકાર છે : વિલંબિત, મધ્ય તથા દ્રુત. તેમાં તફાવત માત્ર લયની ગતિનો છે.

ખ્યાલ શૈલીમાં ગવાતાં ગીતોમાં તરાણાનો પણ સમાવેશ થાય છે. તરાણાની બંદિશોમાં શબ્દોને બદલે ‘‘તાના, નાદીર, તનના, યલાલી’ વગેરે નિરર્થક શબ્દોને સૂર, છંદ તથા લયમાં બદ્ધ કર્યા હોય છે. કેટલાક તરાણાના અંતરામાં ફારસી ભાષાના શબ્દો હોય છે. તરાણાને મળતા બીજા બે પ્રકારો તે ચતુરંગ અને તિરવટ.

કેટલાક સંગીતજ્ઞોના મત પ્રમાણે દિલ્હીના બાદશાહ મહમદશા રંગીલેના દરબારી ગાયક ન્યાતમખાં ખ્યાલ શૈલીના પ્રણેતા હતા. બાદશાહ તરફથી તેમને ‘સદારંગ’ એવું બિરુદ મળ્યું હતું. એમણે તે ઉપનામ હેઠળ પુષ્કળ બંદિશો રચી છે જે હજુ પ્રચલિત છે.

એક દંતકથા મુજબ બાદશાહે પોતાના ઝનાનાની સુંદરીઓને સંગીત શીખવવાનો આદેશ સદારંગને આપ્યો. શિષ્યાઓને શીખવામાં સુગમતા થાય તે હેતુથી સદારંગે ધ્રુપદનાં ગીતોમાંથી સંચારી તથા આભોગ કાઢી નાખ્યા અને ધ્રુપદની વજનદાર શૈલીને હળવી કરી નાખી.

બીજી એક દંતકથા એવી છે કે સદારંગનો એક કુટુંબી હંમેશ એના સંગીતની આકરી ટીકા કરતો. તેના પ્રતિકારરૂપે સદારંગે ખ્યાલની રચના કરી અને અને આ નૂતન શૈલીની સુંદરતાએ ટીકાકારને પ્રભાવિત કરી બોલતો બંધ કર્યો.

આગળ જતાં ખ્યાલ શૈલીમાં તરેહતરેહની અવનવી ખૂબીઓ સામેલ થઈ, જેથી ખ્યાલ શૈલી લોકપ્રિય થઈ અને ધ્રુપદ શૈલીનું મહત્વ આસ્તે આસ્તે ઘટતું ગયું.

સંગીતની એક અભિનવ શૈલીની કલ્પના (ખ્યાલ) સદારંગને આવી એથી એ શૈલીને ‘ખ્યાલ’ એવું નામ અપાયું.

શાસ્ત્રીય સંગીતનો પણ આ પદ્ધતિમાં સમાવેશ થાય છે. તેમાં ઠૂમરી, દાદરા, કજરી, હોરી વગેરેનાં ગીતો ઠૂમરીની શૈલીમાં જ ગવાય છે. ગીતના શબ્દો મુજબની સંવેદના પ્રકટ કરવાનું આ શૈલીમાં ખૂબ જ મહત્વ છે.

એક મત અનુસાર ઠૂમરીનું ઉદભવ-સ્થાન કથક નૃત્ય છે અને ઠૂમરી શબ્દ ‘ઠૂમક’ સાથે સંકળાયેલો છે. હાલ પણ કથક નૃત્યકારો ભાવપ્રદર્શન માટે કેટલીક વખત ઠૂમરીનાં ગીતો સાથે નૃત્ય કરે છે. ઠૂમરી વગેરેનાં ગીતો મોટેભાગે કરુણ રસવાળાં હોય છે અને કેટલીક વખત તેમાં શૃંગારરસનું નિરૂપણ પણ હોય છે. તે ગીતો રાધા અને કૃષ્ણનું મિલન, જુદાઈ, અડપલાં, રૂસણાં, વિરહિણીની વ્યથા વગેરે વ્યક્ત કરે છે. ગીતના શબ્દોને તાલ અને લયના ચોકઠામાં બાંધી દીધા હોય એવો ઠૂમરીનો એક પ્રકાર બંદિશની ઠૂમરી તરીકે ઓળખાય છે. કથક નૃત્યકાર મહારાજ બિન્દાદીન આ પ્રકારની રચનાઓના નિષ્ણાત હતા.

ઠૂમરી તથા દાદરાની બંદિશો પીલુ, ભૈરવી, ગારા, દેશ વગેરે હળવા રાગોમાં જ હોય છે. દાદરાની ગતિ ત્વરિત હોય છે અને તેથી ગીતના શબ્દો લયની સાથે રમત કરતા હોય એવા પ્રકારની સંવાદી ભાત એમાંથી ઊપજે છે.

ઉત્તર ભારતમાં હોળીને માટે ‘હોરી’ શબ્દ પણ વપરાય છે. હોરીનાં ગીતો પણ ઠૂમરીની માફક હળવાં જ હોય છે અને તેમાં કાફી રાગ પ્રાધાન્ય ભોગવે છે. એ ગીતોમાં હોળીનું વર્ણન હોય છે અને તે મુખ્યત્વે હોળીના અરસામાં ગવાય છે.

કજરી તથા સાવન વર્ષાઋતુમાં અને ચૈતી ખાસ કરીને ચૈત્ર મહિનામાં ગવાય છે. ઝૂલા ઘણુંખરું શ્રાવણ માસમાં ગવાય છે. તેનાં ગીતોમાં બાલકૃષ્ણ અથવા રાધા અને કૃષ્ણ હિંડોળે ઝૂલતાં હોય એવું વર્ણન હોય છે. આ બધાં ગીતોનો કોઈ ખાસ રાગ હોતો નથી; પણ લોક-સંગીતની ધૂનો પર તેની સ્વરરચના થઈ હોય છે. રસિયા તથા પૂર્વી ગીત પણ લોકસંગીતના ઢાળ પર રચાયેલાં હોય છે.

હળવા સંગીતનો બીજો એક પ્રકાર ટપ્પા તરીકે ઓળખાય છે. ટપ્પાનું મૂળ પંજાબના ઊંટ ચારનારાઓનાં ગીતોમાં છે. તે લોકો હીર અને રાંઝાની પ્રેમગાથા ટપ્પાનાં ગીતોમાં ગાતા. મિયાં શોરીએ તેને સુબદ્ધ કરીને મહેફિલી સંગીતનું એક સુરમ્ય અંગ બનાવ્યું, તેનાં ગીતોના શબ્દો પંજાબી ભાષાના હોય છે અને તેમાં મુખ્યત્વે કરુણ રસનું દર્શન થાય છે. ટપ્પાની ગતિ અતિ ત્વરિત હોય છે અને તેમાં એકબીજા સાથે સંકળાયેલી પેચદાર તાનોની વિવિધ ભાતોનો ઉપયોગ કરવામાં આવે છે.

પહેલાંના વખતમાં શાસ્ત્રીય સંગીત મુખ્યત્વે રાજ-દરબારોમાં અને મંદિરોમાં ગવાતું. આધુનિક યુગમાં સુશિક્ષિત સમાજમાં તેના પ્રચાર તથા શિક્ષણનું શ્રેય મહદ્ અંશે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે તથા પંડિત વિષ્ણુ દિગંબર પળુસકરને ઘટે છે.

બટુક દીવાનજી