ઉજ્જૈન : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને પ્રાચીન ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 23o 11′ ઉ. અ. અને 75o 46′ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઉત્તરે રતલામ અને શાજાપુર (Shajapur), અગ્નિદિશાએ દેવાસ, દક્ષિણે ઇંદોર અને નૈર્ઋત્યે ધાર જિલ્લો આવેલો છે. આ જિલ્લો માળવાના ઉચ્ચપ્રદેશમાં આવેલો હોવાથી તે અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. એ રીતે મોટા ભાગનો વિસ્તાર સમુદ્રસપાટીથી 1,550થી 1,839 મીટરની ઊંચાઈ ધરાવે છે. માત્ર બડનગર તાલુકાના બાંદિયા ગામે એક ટેકરી આવેલી છે અને તરાના તાલુકામાં નાનું જંગલ આવેલું છે. આ જિલ્લાનો વિસ્તાર 6,091 ચોકિમી. છે.
તે સમુદ્રની અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી આબોહવા વિષમ છે. જુલાઈ માસનું તાપમાન 29.5o, જાન્યુ. માસનું તાપમાન 19.5o જેટલું અનુભવાય છે. જ્યારે વરસાદ 750થી 975 મિમી. પડે છે.
આ જિલ્લામાંથી અગિયાર નદીઓ વહે છે. તેમાં ચંબલ, ક્ષિપ્રા, ચમલા, ગંભીર (Gambhir), લાખુનદેર (Lakhunder), ખાન, બાગેરી, નાની કાળી સિંધ, કુડેલ (Kudel), તિલાર અને મોટી કાળી સિંધનો સમાવેશ થાય છે. આ નદીઓ પ્રમાણમાં નાની છે, પરંતુ તેનો જળપરિવાહ વૃક્ષાકાર હોવાથી જિલ્લાના ભૂપૃષ્ઠને કોતરી નાખ્યું છે.
આ જિલ્લાનો 90 ટકા વિસ્તાર ખેતી હેઠળ રોકાયેલો છે, પરંતુ 18.2 ટકા વિસ્તારને જ સિંચાઈનો લાભ મળે છે. પરિણામે સિંચાઈ માટે કૂવા અને પાતાળકૂવા ઉપર આધાર રાખવો પડે છે. મોટે ભાગે અહીં ઘઉં, જુવાર, બાજરી અને ચણાની ખેતી વિશેષ લેવાય છે. વળી તેલીબિયાં, કપાસ અને અફીણની પણ ખેતી થાય છે. ખેતી ઉપર આધારિત પશુપાલન-પ્રવૃત્તિનો પણ વિકાસ થયેલો છે. અહીં ગાય અને ભેંસનું પ્રમાણ અધિક છે. ખેતપેદાશો તથા કાપડના જથ્થાબંધ વેપાર ઉપરાંત ત્યાં કપાસ લોઢવાનાં કારખાનાં, તેલમિલો અને હાથશાળના એકમો આવેલા છે. અહીં વાસણ, હોઝિયરી અને મકાઈનું જથ્થાબંધ ઉત્પાદન થાય છે. આ સિવાય વિવિધ પ્રકારની અન્ય ચીજ-વસ્તુઓ બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે.
પશ્ચિમ રેલ વિભાગમાં ભોપાલ-નાગદા બ્રૉડગેજ રેલમાર્ગ ઉપરનું ઉજ્જૈન મહત્વનું રેલવે-મથક છે. મધ્યપ્રદેશનાં ઇંદોર, ભોપાલ, રતલામ, ગ્વાલિયર, માન્ડુ, ધાર, કોટા અને ઓમકારેશ્વર શહેરો અન્યોન્ય પાકા રસ્તાથી સંકળાયેલાં છે. વળી પડોશી રાજ્યોનાં મુખ્ય શહેરો સાથે પણ તે જોડાયેલાં છે.
અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અને જૈનધર્મીઓનું પ્રમાણ ધ્યાન ખેંચે છે. મોટે ભાગે લોકો હિન્દી, ગુજરાતી, મરાઠી, સિંધી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ કરે છે. શહેરી કરતાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અધિક છે.
આ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલી છે. અહીં વિનયન, વાણિજ્ય અને સંગીતવિષયક આયુર્વેદિક તેમજ કાયદાના શિક્ષણ માટેની કૉલેજો આવેલી છે. પ્રાથમિક સારવાર-કેન્દ્રો દરેક ગામમાં ઊભાં કરાયેલાં છે. ઉજ્જૈન શહેરમાં સરકારી હૉસ્પિટલ પણ છે.
અહીં મહાકાળેશ્વરનું જ્યોતિર્લિંગ, જંતરમંતર, ગોપાલ મંદિર, ભર્તૃહરિ-ગુફા, સાંદીપનિનો આશ્રમ અને ક્ષિપ્રા નદીનો ઘાટ પ્રવાસનધામો તરીકે જાણીતાં છે. ઉજ્જૈન ખાતે દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે. આ જિલ્લાની વસ્તી 19,86,864 (2011) છે.
1939 અને 1960-61માં ઉત્ખનન કરતાં ઉજ્જૈનની પ્રાચીન વસાહતના 4 સ્તરો મળ્યા છે. ઈ. પૂ. 750થી ઈ. પૂ. 500ના સમયના પ્રથમ તબક્કામાં કાળા અને રાતા પાત્રખંડો, રાતા ઓપયુક્ત પાત્રખંડો અને લોખંડની વસ્તુઓ, 75 મી. લાંબી અને 23 મી. ઊંચી કોટની દીવાલ અને ફરતી ઊંડી ખાઈ વગેરે અવશેષો મળી આવ્યા છે. કિલ્લાની દીવાલની મજબૂતાઈ માટે લાકડાના ટેકા મૂકવામાં આવ્યા હતા. થોડાક ચિત્રિત ભૂખરા રંગના પાત્રખંડો નદીકાંઠેથી મળ્યા છે. અહીં ઓછી વસ્તી હોવાના પુરાવા મળ્યા છે. ઈ. પૂ. 500થી ઈ. પૂ. 200ના સમયના બીજા તબક્કા દરમિયાન ઉત્તર ભારતના કાળા ચળકતા પાત્રખંડો અને લોહીના ડાઘવાળાં તીરનાં ફણાં મળ્યાં છે. આ ડાઘ પક્ષીઓના લોહીના છે. એ બતાવે છે કે લોકો શિકાર કરતા હશે. સલેખ મુદ્રાઓ, ભાલાનાં ફણાં, પકવેલી માટીનાં રમકડાં, મૂર્તિઓ, અલંકારો, ત્રાંબાનાં ઘરેણાં, સિક્કા, હાથીદાંત અને માટીની વસ્તુઓ, અર્ધ-કીમતી પથ્થરો વગેરે વસ્તુઓ મળી છે. પકવેલી માટીની ઈંટોનો બાંધકામમાં ઉપયોગ થતો હતો તેના પુરાવા સાંપડ્યા છે. પાકી ઈંટોથી બાંધેલું 10 ´ 8 મીટરનું તળાવ પણ મળ્યું છે. તેની પાણીના આવરા માટેની નાળ 56 મી. લાંબી છે. માટીના મકાનને નળિયાયુક્ત છાપરું હતું. ઈ. પૂ. 200થી ઈ. સ. 1000ના સમયના ત્રીજા અને ચોથા તબક્કા દરમિયાન આહત સિક્કા અને માટીનાં રમકડાં મળ્યાં છે. પ્રાચીન કાળમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનું તથા વિદ્યાનું તે કેન્દ્ર હતું.
પૌરાણિક સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે અહીં સાંદીપનિ ઋષિનો આશ્રમ હતો અને કૃષ્ણ, બલરામ અને સુદામાએ ગુરુગૃહે રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. દેવો તથા દાનવોએ અમૃત માટે સમુદ્રમંથન કર્યું ત્યારે અમૃતના કળશમાંથી કેટલાંક ટીપાં આ સ્થળે પડ્યાં હતાં અને તેથી 12 વરસે બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે અહીં કુંભ મેળો ભરાય છે. ઈ. પૂ. પાંચમી સદીમાં અહીં ચંડપ્રદ્યોત તરીકે ઓળખાતા પરાક્રમી પણ ક્રૂર રાજવીની સત્તા હતી. રાજા પ્રદ્યોતની કુંવરી પદ્માવતી અને વત્સરાજ ઉદયનની અને વાસવદત્તાની પ્રણયકથા સુપ્રસિદ્ધ છે. જુલમી રાજા પાલકને પદભ્રષ્ટ કરી તેના ભત્રીજા ગોપાલકે રાજગાદી પ્રાપ્ત કરી તેની કથા ‘મૃચ્છકટિક’માં છે. મૌર્યવંશના રાજપુત્ર બિંદુસાર તથા અશોક અવંતિના રાજ્યપાલ નિમાયેલા. અહીંનું મહાકાલનું મંદિર પ્રખ્યાત છે. બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. દક્ષિણ મુખસ્વરૂપ એટલે દક્ષિણામૂર્તિ આ શિવનું સ્વરૂપ છે. સ્કંદપુરાણના ‘આવન્ત્ય ખંડ’માં અવંતિ ક્ષેત્રનાં તીર્થોની વિગત છે. પ્રાચીન ભારતમાં ઉજ્જૈનના રેખાંશને શૂન્ય ગણતા હતા. મહાકાલેશ્વર ઉપરાંત હરસિદ્ધિ માતાનું મંદિર અહીં છે. પરદુ:ખભંજન વિક્રમ અને વેતાલની લોકકથા આ સ્થળને અનુલક્ષીને છે. ઈ. પૂ. પહેલી સદીમાં ઉજ્જૈનમાં ગર્દભિલ્લ વંશની સત્તા પ્રવર્તતી હતી. કાલિકાચાર્યની બહેન સરસ્વતીનું ગર્દભિલ્લે અપહરણ કરતાં કાલિકાચાર્ય શકોને અહીં લાવ્યા હતા. શકારિ વિક્રમાદિત્યે શકોને હાંકી કાઢીને માલવગણ સંવત પ્રવર્તાવ્યો હતો, જે હાલ વિક્રમ સંવત તરીકે ઓળખાય છે. ઈસુની પહેલી સદીથી કર્દમક વંશના ચષ્ટન વગેરે ક્ષત્રપોની અહીં સત્તા હતી. ઈ. સ. 400ના અરસામાં ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) શકોને હરાવી પોતાની સત્તા સ્થાપી હતી. મહાકવિ કાલિદાસ આ રાજવીની સભાના રત્ન હતા. ‘પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’ના લેખક તથા ભૂગોળવેત્તા ટૉલેમીએ ‘ઓઝેની’ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રદેશની વસ્તુઓ પરદેશ નિકાસ થતી હતી. નવમી સદીમાં ત્યાં પરમાર વંશનું રાજ્ય સ્થપાયું. તેરમી સદીમાં (1235) દિલ્હીના સુલતાન અલ્તમશે મહાકાલેશ્વર મંદિરનો નાશ કર્યો હતો. 1305માં અલાઉદ્દીન ખલજીની ફોજોએ ઉજ્જૈન જીતી લઈ વિનાશ વેર્યો હતો. પરમારવંશી રાજવીઓએ ભોજનગરી ધારા કે માંડવગઢ(માંડુ)ને માળવાની રાજધાની તરીકે પસંદ કરતાં ઉજ્જૈનની મહત્તા ઘટી હતી. અકબરના વખતમાં ઉજ્જૈન ફરી માળવાનું વડું મથક બન્યું હતું. જયપુરના મહારાજા જયસિંહે (1666-1743) અહીં વેધશાળા ઊભી કરી હતી. 1726માં ત્યાં શિંદે કુટુંબની સત્તા સ્થપાઈ હતી અને તે સિંધિયા રાજવંશનું પાટનગર થયું હતું. 1810માં પાટનગર લશ્કર (ગ્વાલિયર) ખસેડાતાં ઉજ્જૈનનું મહત્વ ફરી ઘટ્યું હતું. ગુણાઢ્ય, અમરસિંહ, વરરુચિ, ધન્વન્તરિ, વરાહમિહિર, શૂદ્રક, ભર્તૃહરિ, ધનપાલ, ઉવ્વટ વગેરે અનેક વિદ્વાનો તથા કવિઓ પ્રાય: ઉજ્જૈનમાં થઈ ગયા. મહાકાલેશ્વરના મંદિરમાં શૂદ્રક, ભવભૂતિ, વિશાખદત્ત વગેરેનાં નાટકો ભજવાયાં હોવાનું મનાય છે.
હાલનું ઉજ્જૈન ઈ. સ. 1300માં અસ્તિત્વમાં આવ્યું જણાય છે.
1957માં ઉજ્જૈનમાં વિક્રમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં દર વર્ષે કાલિદાસ જયંતી ભારે ઉત્સાહપૂર્વક ઊજવાય છે. સંસ્કૃત નાટ્યપરંપરાનું નાટ્યગૃહ અહીં બંધાયેલું છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
નીતિન કોઠારી