ઉજ્જ્વલનીલમણિ

January, 2004

ઉજ્જ્વલનીલમણિ : 1490થી 1563માં થઈ ગયેલા રૂપ ગોસ્વામીએ રચેલો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તે કાવ્યમાલા સીરિઝ, બૉમ્બેમાં પ્રકાશિત થયેલ છે.

તેમાં ભક્તિરસના વિશ્લેષણની વ્યાખ્યા અપાયેલ છે. મુખ્ય રસ પાંચ છે : શાંતિ, પ્રીતિ, પ્રેયસ, વત્સલ અને ઉજ્જ્વલ (મધુર). ભક્તિરસનો ઉત્તમ પ્રકાર તે મધુરા ભક્તિ અને તે જ ઉજ્જ્વલ રસ છે. તેમાં ઉદાહરણરૂપ શ્લોકો લેખકે મુખ્યત્વે પોતાના જ કાવ્યનાટ્યગ્રંથોમાંથી ઉદ્ધૃત કર્યા છે. તેમાં ભક્તિરસપૂર્ણ ને કૃષ્ણપ્રેમથી છલકાતી કવિતાનાં દર્શન થાય છે. વળી, આ ગ્રંથમાં પ્રણયીઓના અનેક પ્રકારો તથા તેમના પ્રણયના અનેક તબક્કાઓ, પરિસ્થિતિઓ અને પદ્ધતિઓનું વર્ણન મળે છે.

અન્ય સાહિત્યશાસ્ત્રીય ગ્રંથો કરતાં જુદા પડતા આ ગ્રંથ ઉપર જીવ ગોસ્વામીની ‘લોચનરોચની’ તથા વિશ્વનાથ ચક્રવર્તીની ‘આનંદચંદ્રિકા’ નામે ટીકાઓ પ્રાપ્ત છે.

તપસ્વી નાન્દી