ઈસેનીન, સર્ગેઈ ઍલેકસાન્ડ્રોવિચ (જ. 4 ઑક્ટોબર 1895, કોન્સ્ટનટિનૉવો, રયાઝાન પ્રાંત, રશિયા; અ. 24 ડિસેમ્બર 1925, લેનિનગ્રાદ) : સોવિયેત કવિ. 16 વર્ષની ઉંમરે ગામની શાળામાંથી અભ્યાસ પૂરો કર્યા પછી સ્વપ્રયત્ને અભ્યાસ ચાલુ રાખ્યો. 9 વર્ષની ઉંમરથી કાવ્યલેખન શરૂ કરેલું. 1912માં તે મૉસ્કો આવીને ભૂગર્ભ બૉલ્શેવિક આંદોલનના સંપર્કમાં આવ્યા. થોડો સમય છાપખાનામાં કામ કર્યું અને 1914માં સેંટ પીટર્સબર્ગમાં પ્રતીકવાદી કવિઓ તેમજ કવિ ઍલેક્ઝાન્ડર બ્લૉકનો સંપર્ક સાધ્યો. 1916માં તેમની પ્રથમ કાવ્યકૃતિ ‘ડે ઑવ્ ધ ડેડ’ પ્રગટ થઈ. તેમાં લોખંડ, પથ્થર અને અન્ય નગરસભ્યતાના આક્રમણ પહેલાંના એટલે કે ‘લાકડામઢ્યું રશિયા’નો તેમણે પુરસ્કાર કર્યો હતો. ગામડાના પ્રકૃતિસૌન્દર્ય ને મધુર લોકગીત-સંગીતમાં વહેતી તેની ખેતર અને વાડીની સૌરભથી મહેકતી કવિતા દ્વારા તે એકાએક પ્રતિષ્ઠિત કવિ બની ગયા. તેમણે રશિયન ક્રાંતિને આવકારી. 1918માં તેમની બીજી કાવ્યકૃતિ ‘અધર લૅન્ડ’ પ્રસિદ્ધ થઈ. 1919થી 1921 સુધી તે ‘ધી ઇમેજિસ્ટ’ પ્રકારના કલ્પનવાદી સાહિત્યિક સમૂહના નેતા બન્યા હતા. 1922-23 દરમિયાન પશ્ચિમના યુરોપીય દેશોની મુલાકાત લીધી. પછી અમેરિકન નર્તિકા પત્ની ઈઝાડૉરા ડંકન સાથે અમેરિકાનો પ્રવાસ કર્યો. ઇઝાડૉરા ડંકન સાથેનું તેમનું લગ્ન થોડા સમય બાદ છૂટાછેડામાં પરિણમ્યું. તેમણે લેવ ટૉલ્સ્ટૉયની પૌત્રી સાથે લગ્ન કર્યું. પરંતુ તેમનું દાંપત્યજીવન સુખદ નહોતું. તે દારૂની લતે ચઢ્યા હતા અને લેનિનગ્રાદની એક હોટેલમાં પોતાના રક્તથી છેલ્લી કવિતા લખીને તેમણે ગળાફાંસો ખાઈ આપઘાત કરેલો.
ઈસેનીન તેમની ગ્રામજીવનને લગતી ઊર્મિમય પ્રવાહી સંગીતયુક્ત મધુર કવિતા માટે જાણીતા છે. તેમનાં ઉત્તમ કાવ્યોમાં ‘ધ સાગ ઑવ્ ધ ગ્રેટ માર્ચ’, ‘ધ બૅલડ ઑવ્ ટ્વેન્ટી સિક્સ’, ‘અન્ના સ્વેગિના’, ‘હોમ કમિંગ’, ‘સોવિયેત રૂસ’, ‘કૅપ્ટન ઑવ્ ધી અર્થ’, ‘પર્શિયન મેલડિઝ’, ‘કન્ફેશન્સ ઑવ્ ધ હૂલિગન’ (1924) અને ‘મૉસ્કો ઑવ્ ધ ટૅવર્ન્સ’ (1924) છે. સોવિયેત સંઘની પ્રારંભિક મહાન કવિત્રિપુટી એટલે બ્લૉક, ઈસેનીન અને માયકૉવસ્કી.
ઈસેનીન મુખ્યત્વે ઊર્મિકવિ છે. નાની ઉંમરથી જ તેમને પ્રસિદ્ધિ મળી, જે તેમના અવસાન પછી અક્ષુણ્ણ રહી. જોકે રાજસત્તા હમેશાં તેમની વિરુદ્ધ હતી. તેમના સમગ્ર સર્જનનું પ્રકાશન 1956-60માં થયું, તે તેમની પ્રત્યેના લોકઆદરને સાર્થક કરે છે. તે જ પ્રમાણે 1966-68માં તેમની તમામ કૃતિઓ પુન:પ્રસિદ્ધ થઈ હતી.
દિગીશ મહેતા
વિ. પ્ર. ત્રિવેદી