ઈસેન : જર્મનીમાં પશ્ચિમે રહાઇન-હર્ને નહેર અને રુહર નદીની વચ્ચે બૉનથી 80 કિમી. ઉત્તરે આવેલું શહેર. તે 51o 28′ ઉ. અ. અને 7o 01′ પૂ. રે. પર આવેલું છે. નવમી સદીમાં ત્યાં શાળા સ્થપાઈ ત્યારપછી તેનો વિકાસ થતો ગયો. શહેરની આસપાસ લોખંડ અને કોલસાની અનામતો મોટા પ્રમાણમાં આવેલી છે. ઓગણીસમી સદીમાં રુહર કોલસાક્ષેત્રનું તે સૌથી મોટું ઔદ્યોગિક શહેર બની ગયું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈસેન પર ભારે બૉંબમારો થતાં તેનાં મોટા ભાગનાં ઐતિહાસિક મકાનો નાશ પામ્યાં હતાં. ત્યારબાદ તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું. જર્મનીનું સૌથી જૂનું ચર્ચ અહીં આવેલું છે. વસ્તી : 5,82,760 (2020).

હેમન્તકુમાર શાહ