ઈસુ ખ્રિસ્ત (જ. ઈ. પૂર્વે આશરે 4થી 8 વર્ષે બેથલેહેમમાં; અ. આશરે ઈ. સ. 29માં જેરુસલેમમાં) : ખ્રિસ્તી ધર્મના આદ્ય પ્રવર્તક. તેઓ ઑગસ્ટસ અને તિબેરિયસ જેવા રોમન રાજવીઓના રાજ્યકાળ દરમિયાન પેલેસ્ટાઇનમાં જન્મેલા. તેઓ જીસસ ઑવ્ ગૅલિલી અથવા જીસસ ઑવ્ નૅઝરેથના નામે પણ ઓળખાય છે. તેમનાં જીવન અને ધર્મોપદેશ વિશે વ્યવસ્થિત આધારસામગ્રી સુલભ નથી પણ ટૅસિટસ, પ્લિની તથા જોસીફસ જેવા ઈસુના સમકાલીન ઇતિહાસકારો બાઇબલના ઉત્તરાર્ધમાં મળતા ‘શુભસંદેશ’ (gospel) કે ‘નવો કરાર’ (New Testament) નામે ઓળખાતા સંચય અને ઈસુના ચાર શિષ્યોએ લખેલાં ચાર પુસ્તકો, ‘પ્રેષિતોનાં ચરિતો’ નામનું પુસ્તક તથા ઈસુના શિષ્યોના પત્રોના આધારે તેમના જીવનવૃત્તાંતની વિગત મેળવી શકાય છે.
ઈસુનો જન્મ અલૌકિક પ્રકારે થયો હતો. યહૂદી પ્રજાની માન્યતા પ્રમાણે મરિયમની જોસેફ જોડે સગાઈ થઈ હતી, પણ લગ્ન થયું ન હતું. પોતાના સહવાસ વગર મરિયમ ગર્ભવતી બની છે તે જાણી જોસેફ મરિયમથી છૂટા થવાનું નક્કી કરે છે, ત્યાં એક દેવદૂત તેમને દર્શન આપીને કહે છે કે મરિયમને જે ગર્ભ રહ્યો છે તે ઈશ્વરની શક્તિને લીધે છે. જોસેફ તથા મરિયમ બાદશાહના હુકમ પ્રમાણે, પોતાના બાપદાદાના શહેર બેથ્લેહેમમાં વસ્તીગણતરી માટે નામ નોંધાવવા આવ્યાં હતાં. લોકોની ભારે ભીડને કારણે આ નાના કસબામાં તેમને જગા ન મળવાથી, તેમણે એક ગમાણમાં આશરો લીધો અને ત્યાં જ ઈસુનો જન્મ થયો. તેમનો જન્મ ડિસેમ્બર માસની પચીસમી તારીખે થયો હોવાનું ખ્રિસ્તીઓ માને છે. કેટલાક સંશોધનકારોના મતે ઈસુનું નામ ઈસુ પણ નહોતું અને જિસસ પણ ન હતું. ઈસુ યહૂદી હતા અને યહૂદીઓની પ્રાચીન હિબ્રૂ ભાષામાં ઈસુનું નામ જોસુઆ હતું. ગ્રીકોએ તેમને ગ્રીક ભાષામાં જિસસ કહ્યા. પૅલેસ્ટાઇનની આરામેઈક અને હિબ્રૂ ભાષામાં ‘મેસાઈઆહ’ એટલે રાજા તરીકે આવી રહેલા ‘મુક્તિદાતા’ એવો અર્થ થાય છે. આથી ભારતમાં વસતા ખ્રિસ્તીઓ તેમને ઈસુ મસીહા કહે છે. ગ્રીક ભાષામાં ‘ક્રિસ્તોસ’ એટલે ‘પયગંબર’ પરથી તેઓ ઈસુ ખ્રિસ્ત અથવા જિસસ ક્રાઇસ્ટ પણ કહેવાય છે.
ઈસુનો જન્મ બેથ્લેહેમની ગમાણમાં ઘાસની પથારી પર થયો ત્યારે પશ્ચિમે શુક્રનો તારો (ગ્રહ) પ્રકાશતો હતો. એમ કહેવાય છે કે એમના જન્મસમયે આ જે અલૌકિક તારો આકાશમાં ઊગેલો, તેની દિશા પરથી માર્ગ શોધતા ત્રણ મહાન ભવિષ્યવેત્તાઓ આ નવજાત બાળકનાં દર્શન કરવા બેથ્લેહેમ આવેલા. આજે પણ ઈસુના જન્મદિવસે ખ્રિસ્તીઓ પોતાનાં મકાનો ઉપર તારાનાં પ્રતીકો મૂકે છે.
ગૅલિલીમાં નૅઝરેથ નામના સ્થળે ઈસુને ઉછેરવામાં આવ્યા હતા. તેમનાં મા-બાપ યહૂદી રીતરિવાજો પાળતાં હતાં. જિસસ નાનપણથી જ એક અલૌકિક બાળક હતા. તેમણે સ્થાનિક યહૂદી દેવળ(synagogue)માં શિક્ષણ લીધું હતું. તેમના જન્મસમયે પૅલેસ્ટાઈનમાં રોમન સામ્રાજ્ય પ્રસરી ચૂક્યું હતું. એક બાજુથી તે સામ્રાજ્યનો જુલ્મ અને બીજી બાજુથી યહૂદી ધર્મગુરુઓની શોષણનીતિ – આમ બંને રીતે તત્કાલીન પ્રજા કચડાયેલી હતી. ડૅવિડ અને સૉલોમનના ઉપદેશો લોકો ભૂલવા લાગ્યા હતા. આ સમયે લોકોના ઉદ્ધાર અર્થે ઈસુ જન્મ્યા. તેમના જીવનનાં 30 વર્ષ નૅઝરેથમાં વીત્યાં. તેઓ આજીવન અપરિણીત હતા. તેઓ તેમના પિતાજીને સુથારી કામમાં મદદ કરતા. કોઈ વાર તેઓ આધ્યાત્મિક સાધના અર્થે એકાંતવાસમાં ચાલ્યા જતા. પોતે યહૂદીઓના ઉદ્ધારક ‘મસીહા’ છે એમ માનવા લાગ્યા.
બાળકમાત્ર જન્મે છે ત્યારે પાપી હોય છે અને ખ્રિસ્તી ધર્મની દીક્ષા અપાય ત્યારે જ તે ઈસુની કૃપાથી પાપમુક્ત થાય છે એવો સિદ્ધાંત ખ્રિસ્તી ધર્મમાં છે; તેનાં મૂળ સ્વયં ઈસુના ‘બૅપ્ટીઝમ’(ધર્મદીક્ષા, જળસંસ્કાર કે સ્નાનસંસ્કાર)માં જોવા મળે છે. જૉર્ડન નદીના કિનારે જૉન નામના એક મહાત્મા યહૂદીઓને પોતાનું જીવન સુધારવા ધાર્મિક ઉપદેશ આપતા. જૉનના ઉપદેશની ઈસુ ઉપર ખૂબ ઊંડી અસર થઈ. આથી તેમણે જૉન પાસે ધર્મદીક્ષા અંગીકાર કરી. જૉને આ અગાઉ લોકોને કહેલું કે ઈશ્વરનું રાજ્ય સ્થાપનાર એક એવો મહાપુરુષ મારી પછી આવી રહ્યો છે કે જેના બૂટની દોરી છોડવા પણ હું લાયક નથી.
દીક્ષા ગ્રહણ કર્યા બાદ ઈસુ બોધ આપતા સમાજસુધારક તરીકે લોકોમાં ફરવા લાગ્યા. તેમના બાર શિષ્યો (apostles) હંમેશાં તેમની સાથે જ રહેતા અને જીવનનિર્વાહ કરતા. એ સમયે યહૂદીઓમાં બે પંથ હતા. સેડ્યુસી પંથ સુધારક અને રાજકારણી ગણાતો, જ્યારે ફારીસી પંથ રૂઢિચુસ્ત હતો. ઈસુએ ફારીસી પંથના યહૂદીઓ વિષે ઉગ્ર ટીકા કરી તેમનો રોષ વહોરી લીધો. ઈસુ પ્રખર વક્તા હતા અને દાખલા-દલીલો સાથે પ્રવચનો આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા. તેઓ નબળા લોકોને મદદ કરતા. સામાન્ય લોકો તેમને પયગંબર તરીકે માનવા લાગ્યા. જે લોકો આસુરી તત્વોથી હેરાન થતા હતા તેમનાં દુ:ખો તે દૂર કરતા હતા. તેમના વિરોધીઓને લાગ્યું કે ઈસુ તો ભવિષ્યમાં રાજા થઈ જશે અને પરિણામે તેમની સત્તા જતી રહેશે. આથી બંને જૂથોએ મળીને કાવતરું રચ્યું અને ઈસુના અનુયાયીઓ પૈકી એક શિષ્ય જૂડાસને ફોડવામાં આવ્યો. ઈસુ જ્યારે ભોજન કરતા હોય ત્યારે તેમને પકડાવી દેવાની એક યોજના તેમણે ખાનગી રીતે ઘડી કાઢી. તેમની ધરપકડ કરી. તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે પોતાને પયગંબર અને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવીને ઈશ્વરની નાલેશી કરે છે. આ પ્રકારનો ગુનો યહૂદી કાયદાનુસાર મૃત્યુની સજાને પાત્ર હતો. જોકે રોમન ગવર્નર પૉન્તિયસ પાયલેટ ઈસુને મોતની સજા કરવા રાજી ન હતા. પરંતુ રૂઢિચુસ્ત અને ઉશ્કેરાયેલા યહૂદીઓના વિશાળ સમુદાયને નારાજ કરવાની તેમની હિંમત ન ચાલી તેથી તેમણે ઈસુને ક્રૉસ પર લટકાવી વધ કરવાની આજ્ઞા આપી. તે પહેલાં તેમના પર બહુ જુલ્મ ગુજારવામાં આવ્યો. તેમના માથા પર કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો, તેમનાં વસ્ત્રો ઉતરાવી નાખી કોરડા ફટકારવામાં આવ્યા અને તેમની પાસે વધસ્તંભનો બોજ ઊંચકાવી તેમને નગર બહાર લઈ જવામાં આવ્યા. ઈસુએ ક્રૂર સતામણી સહન કરી લીધી. તેમના શરીરમાંથી લોહી વહેતું હતું. કંઠ રૂંધાતો હતો; એ જ સ્થિતિમાં તેમના હાથે અને પગે ખીલા ઠોકી તેમને ક્રોસ પર જડી દેવામાં આવ્યાં. ખ્રિસ્તીઓ માને છે કે હસતે મોઢે વધસ્તંભ પર ચઢીને ઈસુએ માનવસમાજનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું. અંતિમ સમયે બહુ થોડા લોકો તેમની નજીક હતા. 33 વર્ષની યુવાન વયે તેઓ મોતને ભેટ્યા.
પરમાત્માનું અ-પરોક્ષ દર્શન અથવા સાક્ષાત્કાર, નિરાગ્રહી સહિષ્ણુતા તથા સાત્વિક, પ્રેમમૂલક ગુણો વિષેનો આગ્રહ અને વસુધાને કુટુંબ માનવાનો ઉપદેશ, એ ઈસુના વ્યક્તિત્વના ઉજ્જ્વલ અંશો છે. ઈસુનો ધર્મ તે પ્રેમ અને સહૃદયતાનો, સહિષ્ણુતા અને આંતરશુદ્ધિનો ધર્મ હતો. તેમણે પોતે કોઈ ધર્મ-સંઘની સ્થાપના કરી નથી, પણ એકાંતમાં બેસી પ્રભુપ્રાર્થના કરવાનો બોધ આપ્યો છે.
ઈસુની ઉપદેશ આપવાની રીત તદ્દન સાદી અને સરળ હતી. તેઓ પોતાના ઉપદેશને નાની નાની વાર્તાઓમાં વણી લેતા. આથી તેમના ઉપદેશની લોકો ઉપર જાદુઈ અસર થતી અને સમય જતાં અસંખ્ય લોકો તેમના પ્રત્યે આકર્ષાઈને શિષ્યો થવા આગળ આવતા. ઈસુ નાના બાળકના જેવા ભાવથી ઈશ્વરના રાજ્યને આવકારવાની વાત કરે છે. બાળકો જેવી નિર્દોષતા, નમ્રતા અને પ્રેમ હશે તો જ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકાશે એમ તેઓ કહેતા.
તેમના જીવન સાથે અનેક ચમત્કારી કાર્યોના પ્રસંગો પણ જોડાયેલા છે. તેમના સ્પર્શથી પ્રજ્ઞાચક્ષુ લોકો દેખતા થતા, પરંતુ ઈસુને પોતાની આવી અલૌકિક શક્તિથી આશ્ચર્ય થતું અને જ્યારે કોઈ તેમની આ શક્તિની પ્રશંસા કરતા ત્યારે તેઓ કહેતા : ‘જાઓ; શાંતિથી રહો, અને હવે પાપ ન કરતા. તમારી શ્રદ્ધાએ તમને સાજા કર્યાં છે.’ તેમના ઉપદેશની શરૂઆતમાં તેમણે જાહેર કરેલું કે ‘ઈશ્વર તરફથી એક સારા સમાચાર મળ્યા છે, ઈશ્વરના રાજ્યનો સમય આવી ગયો છે. માટે પ્રાયશ્ચિત્ત કરો અને આ સારા સમાચાર ઉપર વિશ્વાસ રાખો.’ ઈસુને તો માનવજાતિની સેવા કરવી હતી. પ્રભુ સાથે તેમનો ગાઢ સંબંધ થયો હતો એ બાબતના અનેક પુરાવા તેમના જીવનચરિતમાંથી મળી આવે છે. ‘હું મનુષ્યોનો ઉદ્ધારક કે મુક્તિદાતા છું’ એમ તેમણે જાહેર કર્યું હતું. પોતે અને પોતાના પિતા પ્રભુ એક છે એમ તે કહેતા.
યહૂદી ધર્મના સ્થાપક મોઝીઝને ઈશ્વરે જે દસ આજ્ઞાઓ આપી હતી તેના અનુસંધાનમાં જ ઈસુએ નવી આજ્ઞાઓ આપી છે. આ આજ્ઞાઓ ‘ગિરિપ્રવચનો’ તરીકે ઓળખાય છે. આ નવી આજ્ઞાઓમાં જૂની આજ્ઞાઓનો વિરોધ નથી તેમજ અન્ય યહૂદી ઉપદેશકોએ આપેલા ઉપદેશનો પણ વિરોધ નથી. ઈસુએ નવી આજ્ઞાઓમાં જૂના ઉપદેશનું પુન:અર્થઘટન કર્યું છે. ‘ગિરિપ્રવચનો’માં સમગ્ર ખ્રિસ્તી ધર્મનો નિચોડ આવી જાય છે.
ઈસુ કહેતા : ‘નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો હું નાશ કરવા આવ્યો છું એમ ન માનશો; હું તેનો નાશ કરવા નહીં, પણ તેને પૂર્ણ કરવા આવ્યો છું.’ ઈસુએ પોતાના ઉપદેશ દ્વારા શીખવ્યું કે માણસ સામાન્યપણે જે જાતની જિંદગીમાં રચ્યોપચ્યો રહે છે તેના કરતાં ઊંચા પ્રકારની જિંદગી ગાળવી તેને માટે શક્ય છે. તેઓ ધર્મશાસ્ત્ર અને કર્મકાંડની અટપટી ગૂંચોની ચર્ચા નથી કરતા, પણ પોકારીને કહે છે કે, ઈશ્વર પ્રેમસ્વરૂપ છે, દયાઘન છે. વિશ્વમાં જે સત્ય છે, તેનો સાક્ષાત્કાર કરી શકાય એમ છે. માણસે માણસ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. જગન્નિયંતાએ જગતનો જે હેતુ નિર્મ્યો છે તેને માણસે અનુકૂળ બનવું જોઈએ ને તેમાં ભળી જવું જોઈએ. ધર્મનાં કેન્દ્રવર્તી સત્યો આ છે એમ પણ તેમણે કહેલું. ઈશ્વરના એ પ્રેમનું દર્શન ઈસુએ પોતાના જીવન દ્વારા જગતને કરાવ્યું.
ઈસુ પોતાને ‘ઈશ્વરના પુત્ર’ તરીકે ઓળખાવતા. સાથે સાથે પોતાને ‘મનુષ્યપુત્ર’ પણ કહેતા. તેઓ મનુષ્યરૂપે જન્મેલ ઈશ્વરપુત્ર હતા, ઈશ્વરના રાજ્યનો જુદો જ ખ્યાલ તેમણે લોકો સમક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે ‘ઈશ્વરનું રાજ્ય લોકોના હૃદયમાં છે. જ્યારે તમારા હૃદયમાં અન્ય લોકો પ્રત્યે પ્રેમ હોય અને એ પ્રેમ વિશ્વમાં ફેલાય ત્યારે સમજવું કે તે ઈશ્વરનું રાજ્ય છે. માનવપ્રેમ એ જ પ્રભુપ્રેમ છે. માનવસેવા એ જ ખરી પ્રભુસેવા છે. જે માનવોને ચાહે છે, તેને ઈશ્વર ચાહે છે. જે માનવી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે, તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે છે. તમે જો તમારા બંધુઓના અપરાધોને સાચા દિલથી ક્ષમા નહિ કરો તો ઈશ્વર પણ તમારા અપરાધોને માફ નહિ કરે.’ ઈસુએ જે બોધ અને આદર્શ લોકોને આપ્યા છે એ પ્રમાણેનું જીવન પણ તેમણે જીવી બતાવ્યું છે. ‘પ્રેમ’ અને ‘ક્ષમા’ના આદર્શો તેમણે પોતાના જીવનમાં આચરી બતાવ્યા છે.
મનુષ્યમાત્ર અમુક અંશે ઈશ્વરનાં સત્ય, પ્રેમ અને શક્તિની પ્રતિમા છે કે તેનો અવતાર છે એ ખરું છે, પરંતુ જેઓ અવતારી પુરુષ કહેવાય છે તેમનામાં એ ગુણો વધારે સ્ફુટ રૂપમાં ને વધારે પ્રમાણમાં પ્રગટ થાય છે. ઈસુ પણ અવતારી પુરુષ ગણાય છે. વધસ્તંભ પર ચડ્યા ત્યાં તેમણે પ્રાર્થના કરેલી : ‘હે પિતા, એમને તું માફી આપજે; કેમ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી.’ એ વચનમાં પાપીઓ પ્રત્યેનો તેમનો જે પ્રેમ વ્યક્ત થાય છે તે ઈશ્વરના તેનાં બાળકો પ્રત્યેના વાત્સલ્યની બરોબરી કરે એવો છે.
જીવનની જેમ તેમના મૃત્યુની સાથે પણ ચમત્કારિક ઘટના સંકળાયેલી છે. જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા તે કબરને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ બે દિવસ પછી ત્રીજા દિવસે તે ખાલી જણાઈ હતી. લ્યૂકે પોતાના ગૉસ્પેલમાં લખ્યું છે કે ઈસુને દફનાવી દેવાયા પછી ચાલીસમા દિવસે કબરમાંથી સદેહે ઊઠીને તેમને સ્વર્ગમાં જતા અનેક લોકોએ જોયા હતા. બાઇબલ કહે છે ‘તે અહીં નથી, પણ જતા રહ્યા છે.’ (માર્ક 16.6). ‘ઈશ્વર તેમને મૃત્યુની વેદનામાંથી મુક્ત કરી ઊંચે લઈ ગયા, કારણ કે તેમને વેદના થાય એ સંભવિત ન હતું.’ (ઍક્ટ્સ 2 અને 24). આ બનાવને પુનરુત્થાન (resurrection) કહે છે.
ઈસુનો ફરીથી સમાગમ થયો ત્યારે તેમના શિષ્યોને ખાતરી થઈ કે ઈસુ ફરીથી જીવે છે. અંતિમ સમયે ઈસુએ આશીર્વાદ આપ્યા અને પોતાના શિષ્યોને કહ્યું કે હું હમેશાં જીવતો જ છું અને આ વાતની અને મારા સિદ્ધાંતોની આખા જગતમાં તમે સાક્ષી પૂરજો. (લ્યૂક 20 : 51-52 તથા માર્ક 16 અને 20). આ બનાવથી તેમના શિષ્યોને નવું બળ અને પ્રોત્સાહન મળ્યાં. આ દિવ્ય પ્રેરણાથી પ્રેરાઈને તેઓ ઈસુનો સંદેશો આપવા સર્વ દિશાઓમાં નીકળી પડ્યા.
ઈસુનું જીવન અને કવન જગતના અનેક દેશોમાં ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા તથા માન્યતાનો આધારસ્તંભ બની રહ્યું છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ