ઈસા, કૅથેરાઈન (જ. 3 એપ્રિલ 1898; અ. 4 જૂન, 1997, સાન્તા બાર્બરા, કેલિફોર્નિયા) : એક્ટેરિનોસ્લૉવ, રશિયામાં જન્મીને અમેરિકામાં સ્થાયી થનાર મહિલા-વનસ્પતિશાસ્ત્રી. તેમણે રશિયા, જર્મની અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યું હતું. તે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં ડેવિસ કૅમ્પસમાં અને 1965થી સાન્તા બાર્બરા કૅમ્પસમાં વનસ્પતિવિજ્ઞાનનાં પ્રાધ્યાપિકા રહ્યાં છે. વનસ્પતિની અંત:સ્થ રચના તેમનો પ્રિય વિષય છે. આ વિષયને તેમણે સ્વતંત્ર શાખા તરીકે વિકસાવ્યો છે. તેમણે વિષાણુઓ કોષ, પેશી અને અંગોની સંરચનામાં કેવું પરિવર્તન લાવે છે તે વિગતે સમજાવ્યું છે. અન્નવાહિની(phloem)ની અતિ સૂક્ષ્મ રચના ઉપરનાં તેમનાં સંશોધનો નોંધપાત્ર ગણાય છે. સ્વસ્થ અને વિષાણુની અસરથી રોગયુક્ત છોડોની શરીરરચના અને પરાસૂક્ષ્મગઠનના ક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન છે. તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખ બુશે તેમની સંશોધનોની સેવાના ઉપલક્ષમાં તેમનું બહુમાન કર્યું છે.

પત્રવ્યવહાર, પુસ્તકોની હસ્તપ્રત, પરિપત્રો વગેરે કાર્ય તે સ્વહસ્તાક્ષરમાં જ કરે છે. તેમનાં મહત્વનાં પુસ્તકો આ પ્રમાણે છે : (1) પ્લાન્ટ એનૅટોમી (1953), (2) એનૅટોમી ઑવ્ સીડ પ્લાન્ટ્સ (આ પુસ્તકનું ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.), (3) પ્લાન્ટ્સ, વાઇરસિઝ ઍન્ડ ઇન્સેક્ટ્સ (1961), (4) વૅસ્ક્યુલર ડિફરન્શિયેશન ઇન પ્લાન્ટ્સ (1965).

સરોજા કોલાપ્પન

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ