ઈંટેરી સ્થાપત્ય : ઈંટના ઉપયોગથી રચાયેલ સ્થાપત્ય. નદીકિનારાની સંસ્કૃતિઓમાં ઈંટના પ્રચલિત ઉપયોગને લઈને આ પ્રકારનું સ્થાપત્ય વિકસેલ. તે અત્યંત પ્રાચીન પ્રકારનું સ્થાપત્ય છે. નાઇલ, યૂફ્રેટીસ, ટાઇગ્રિસ અને સિંધુ ખીણની સંસ્કૃતિઓનાં પ્રાપ્ય ઉદાહરણો તેની પ્રાચીનતાના પુરાવા છે. કાંપ, તણખલાં અને ઘાસનો બાંધકામમાં ઉપયોગ તો લગભગ નવથી દસ હજાર વર્ષ જૂનો છે. સૂર્યગરમીથી સૂકવેલ કાંપની ઈંટોની વપરાશ ઈ. પૂ.ની ત્રીસમી સદીથી પ્રચલિત છે. પરંતુ આ પ્રકારની ઈંટો નિયમિત ભેજ અને ગરમીથી તેની મજબૂતાઈ જાળવી શકતી નહિ. તેથી જ્યારથી ભઠ્ઠીઓમાં તેને લગભગ 1000o સે. ગરમીથી પકવવાનું શક્ય બન્યું ત્યારથી ઈંટો એક મજબૂત ઘટક તરીકે વપરાવા લાગી. ખાસ કરીને રોમન કાળ દરમિયાન તેની વપરાશ એક ઇમારતી ઘટક તરીકે પ્રચલિત બની. ભારતના સંદર્ભમાં હરપ્પન કાળથી તેની વપરાશ થતી આવી છે અને ખાસ કરીને ઉત્તર ભારતના ભાગમાં ઈંટોની બનાવટ અને વપરાશ, સારા કાંપને લઈને અત્યંત પ્રચલિત બની છે.
પ્રણાલીગત ઈંટો પહોળી અને બેઠા ઘાટની થતી અને તેનું બાંધકામ દીવાલો તથા સ્તંભોમાં પરિણમતું. ઈંટો વડે જ દીવાલોની ફાટ તથા બાકોરાં રચવા મોભ વગેરેની રચના કરાતી. આમાં ઘણી વાર દરેક થરને બંને બાજુ બહાર કાઢી અને બાકોરાં ધીમે ધીમે ઓછાં કરીને ફરી દીવાલ જોડી દેવાતી. ઈંટેરી સ્થાપત્યમાં કમાનાકાર રચનાનું પણ ઘણું મહત્વ છે; તેના વડે પ્રવેશ વગેરે માટે કમાનાકાર દ્વાર અથવા પરસાળની રચના શક્ય બનતી. ઈંટનાં કમાન, ઘુમ્મટ, સ્તંભો અને દીવાલ સ્થાપત્યના મહત્વના ભાગો છે, જેની દ્વારા ઇમારતોની રચના શક્ય બને છે. આ ભાગો દરેક સંસ્કૃતિમાં લોકોની આવડતને અનુરૂપ વિવિધ શૈલીમાં તૈયાર થાય છે.
ઈંટેરી સ્થાપત્ય નાગરિક અને ધાર્મિક ઉભય પ્રકારનાં હોય છે. જેમાં દુર્ગ (પ્રાકાર), કૂવા, તળાવના ઓવારા, પ્રાસાદ, સ્તૂપ, પાણીના નિકાલ માટેની નીકો, રસ્તાઓ, અંત્યેષ્ટિ સ્મારકો, વિહાર, ઘુમ્મટ, મંદિર, તોરણ, વિવિધ પ્રકારની સમાધિઓ, યોજનસ્તંભ વગેરેનો સમાવેશ થાય છે. ઈંટોના ઉપયોગથી આગ સામે અને પાણી સામે સારું રક્ષણ મળતું હોવાથી ઈંટેરી સ્થાપત્યનો ઘણો પ્રચાર થયો છે.
ઈંટેરી સ્થાપત્યની શૈલીઓમાં પૂર્વ અને પશ્ચિમના દેશોની શૈલીઓ મુખ્યત્વે તે તે સંસ્કૃતિઓની ઇજનેરી કળાનું પ્રતિબિંબ ઝીલે છે. સમયાનુસાર આ બધી શૈલીઓનો સમન્વય થતો આવ્યો છે, તેથી મનુષ્યસંસ્કૃતિમાં પથ્થર, કાષ્ઠ અને ઈંટેરી સ્થાપત્ય, ઇમારતોના ઇતિહાસમાં સ્થાપત્યની ર્દષ્ટિએ અગત્યનાં ક્ષેત્રો રહ્યાં છે. તેને કારણે તેનો વિકાસ માનવીય પ્રગતિ સાથે સતત સંકળાયેલો રહ્યો છે.
ઈંટેરી બૌદ્ધ સ્થાપત્ય : સ્થાપત્યનાં વિવિધ અંગો માટે કાચી કે પકવેલી માટીનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં થયેલો જોવા મળે છે; ખાસ કરીને જ્યાં પથ્થરો સહેલાઈથી પ્રાપ્ત થતા ન હોય ત્યાં સ્થાપત્ય માટે ઈંટો સર્વોત્તમ સાધન બને છે. આ ઈંટેરી પરંપરાનો ભારતમાં બૌદ્ધોએ પણ સારો અને ઘણો ઉપયોગ કર્યો છે. બૌદ્ધ સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહાર મુખ્ય છે. મોટાભાગનું બૌદ્ધ સ્થાપત્ય ઈંટેરી છે.
બૌદ્ધ સ્તૂપની રચનામાં મેધી, અંડ અને હર્મિકા તેનાં વિવિધ અંગો છે. સ્તૂપ અંડાકાર અથવા ઊંધા કટોરાસ્વરૂપ કે અર્ધગોળાકાર હોય છે. વિવિધ સ્થળોએ મેધી અને અંડના ભાગો ઈંટોના બનાવેલા જોવા મળે છે. બંગાળ, ગુજરાત, સિંધ જેવા પ્રદેશોમાં ઈંટો સ્તૂપના અંદરના તથા બહારના ભાગોમાં વાપરવામાં આવી છે, અર્થાત્ આ સ્તૂપો નક્કર છે. દક્ષિણ ભારતના ઘણા સ્તૂપો નક્કર નથી.
સ્તૂપમાં બાંધકામ માટેની સામાન્ય સાદી ઈંટો ઉપરાંત સ્તંભની કુંભી, શરાં આદિ માટે સમગ્ર ગવાક્ષની રચના સારુ તથા કુંભ, કળશ, છાદ્ય વગેરેની વિશિષ્ટ રચનાઓ માટે તેના આકાર-કદની સાદી કે સુશોભિત ઈંટો વપરાયેલી જોવા મળે છે. સ્તૂપની સાંપ્રદાયિક કે સુશોભનની માન્યતાનુસાર પકવેલી માટીની બુદ્ધની પ્રતિમાઓ બનાવવામાં આવતી હતી. ગુજરાતમાં દેવની મોરીના મહાસ્તૂપમાંથી આવી પ્રતિમાઓ હાથ લાગી છે.
બૌદ્ધ માન્યતા પ્રમાણે પ્રતીત્યસમુત્પાદનો પાઠ બુદ્ધ-શરીર ગણાય છે. તેથી કેટલાક સ્તૂપોમાં ઈંટો ઉપર કોતરેલા આવા પાઠ મળી આવ્યા છે.
સ્તૂપની સાથે ચૈત્યની રચનામાં પણ ઈંટોનો ઉપયોગ થતો હતો. બૌદ્ધ-ચૈત્ય મહદંશે ગોળ પછીતયુક્ત સ્થાપત્ય છે. આવા મકાનના નીચેના ભાગો મળ્યા છે જેમાં સાદી ઈંટોનો ઉપયોગ વધુ પ્રમાણમાં દેખાય છે, પણ જ્યાં વિશિષ્ટ થર તૈયાર કરવો હોય ત્યાં વિશિષ્ટ ઘાટની ઈંટો વપરાય છે. પરંતુ સ્તૂપના જેવી વિશિષ્ટ ઈંટોનો પ્રચાર ચૈત્યમાં જોવા મળતો નથી.
વિહાર બૌદ્ધ સ્થાપત્યનું ત્રીજું અંગ છે. વિહાર એ બૌદ્ધ સાધુ કે સાધ્વીનું નિવાસસ્થાન છે. ચાતુર્માસ દરમિયાન સાધુઓ વિહારમાં રહેતા. આને સંઘારામ પણ કહેવાય છે. ઈંટેરી વિહારોના અવશેષો હાથ લાગ્યા છે. વિહારમાં વચ્ચે ખુલ્લો ચોક અને તેની આજુબાજુ ઓટલા ઉપર બાંધેલી ઓરડીઓવાળી આ રચના બીજાં બાંધકામમાં પણ જોવા મળે છે.
વિહારમાં મુખ્યત્વે સાદી ઈંટો વપરાય છે, પરંતુ ઓટલા ઉપર છાદ્યની સૂચના આપતા કળશના સુશોભનમાં ગોળાઈ દર્શાવવા વિશિષ્ટ જાતની-ઘાટની ઈંટો વપરાયેલી હોવાના પુરાવા છે. વિહારનાં છાપરાં ઉપર માટીનાં નળિયાં વાપરવામાં આવતાં હતાં.
આમ બૌદ્ધ ધાર્મિક સ્થાપત્યના સ્તૂપ, ચૈત્ય અને વિહારોમાં પૂર્વકાલથી ઈંટોનો ઘણો ઉપયોગ થતો હતો. કેટલીક જગ્યાએ મૂળ સ્તૂપ કેવળ માટીનો હોય અને તેની પરના બાહ્ય આવરણમાં ઈંટો કે પથ્થરનો ઉપયોગ થયો હોય તેવાં ર્દષ્ટાંતો જોવા મળ્યાં છે. કેટલાક ઈંટોના સ્તૂપ પથ્થરના આવરણવાળા પણ જોવા મળે છે. આવા નમૂનામાં ઈંટોનો વ્યાપક ઉપયોગ થયો હોવા છતાંય તે સ્થાપત્ય ઈંટેરી કહેવાતું નથી. આથી ઊલટું, ઈંટોના બાંધેલા વિહારોમાં પૂજાના એકાદ ઓરડામાં ફર્શબંદી સારુ પથ્થર વપરાયેલા હોવા છતાં તે સમગ્ર ઇમારતને ઈંટેરી કહેવામાં આવે છે.
સમગ્ર બૌદ્ધ ધાર્મિક સ્થળની આસપાસ વેદિકા કે વાડ તૈયાર કરવામાં આવતી. તેમાં સાદી ઈંટો વપરાતી. આમ બૌદ્ધ સ્થાપત્યના અવશેષોમાં સ્તૂપ, ચૈત્ય, વિહાર અને તેના સમૂહસૂચક સંઘારામ તથા તેની વેદિકા જેવા તમામ ભાગોમાં થોડોઘણો ઈંટોનો ઉપયોગ ભારતમાં તથા બૌદ્ધવિશ્વમાં જાણીતો છે.
રવીન્દ્ર વસાવડા
રસેશ જમીનદાર