ઈંટવાના બૌદ્ધ અવશેષો

January, 2004

ઈંટવાના બૌદ્ધ અવશેષો : જૂનાગઢ પાસે ઈંટવા નામના સ્થળેથી મળી આવેલા બૌદ્ધ વિહારનાં ખંડેર. ગિરનારની તળેટીમાં અશોકના શિલાલેખથી 5 કિલોમીટરના અંતરે 1949માં ખોદકામ કરવાથી પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ ગિરજાશંકર વલ્લભજી આચાર્યને તે મળેલા. આ વિહારની પશ્ચિમે વ્યાસપીઠ હતી. બાકીની ત્રણેય દિશામાં અલિન્દ સાથેની ઓરડીઓ હતી. અહીંથી પથ્થરનાં તોલમાપ, વાટવાના પથ્થર, કસોટી પથ્થર, સિંહની દાઢ, વિવિધ ઘાટનાં વાસણો, ચાંદી-તાંબાના થોડા સિક્કા વગેરે અવશેષો મળ્યા હતા.

ઈંટોના આધિક્યથી ઈંટવા નામે ઓળખાતા આ સ્થળેથી માટીનું એક મુદ્રાંકન મળ્યું છે; તેની મધ્યમાં ત્રિકૂટ પર્વતની આકૃતિ અને વૃત્તાકારે બ્રાહ્મી લિપિમાં લખાણ છે : महाराज रूद्रसेनविहारे भिक्षुसंघस्य. અર્થાત્ પ્રસ્તુત મુદ્રા મહારાજ રુદ્રસેનવિહારના ભિક્ષુસંઘની છે. ભારતના પ્રાચીનતમ ભિક્ષુસંઘોની પ્રાપ્ત મુદ્રાઓ પૈકી એક આ મુદ્રાંકનને પણ ગણવામાં આવે છે. પ્રસ્તુત વિહારને ઈસુની બીજી-ત્રીજી સદીનો ગણવામાં આવે છે.

રસેશ જમીનદાર